Feb 12, 2021

કારના પાછળ જોવાના કાચમાં – ૨

સુરેશ જાની

શુક્રવાર તા. ૫, ફેબ્રુઆરીએ આપણે છેલ્લી સંઘ-પ્રવૃત્તિ કરી. જીવનની કારના પાછળ જોવાના કાચમાં દર્શન.

પ્રવાસન કરેલા સ્થળોનાં લિસ્ટ બનાવ્યાં. એમ ને એમ જ લિસ્ટ બનાવ્યાં હોત તો એ  યાંત્રિક પ્રક્રિયા બની જાત. પણ આ તો આપણે પોતે કરેલી જાતરાઓની યાદી. લિસ્ટમાં એક એક સ્થળ ઉમેરતાં મગજના કોઈક ખૂણે સાચવીને રાખેલું એકાદ ચિત્ર ઝબકી જાય. બીજા મિત્રો પણ પોતાની યાદીમાં ઉમેરવાનાં રહી ગયાં હોય, એવાં સ્થળોનાં નામ વાંચી પોતાની પણ એવી છબી તાજી કરી દે.

બીજા લિસ્ટમાં તો ખાલી નંબર જ આપવાનો હતો. આપણી વણજારા-જિંદગાનીમાં કેટલા તંબુ તાણ્યા અને સંકેલ્યા, એનો એક આંકડો માત્ર જ. એ આંકડામાં બીજા કોઈને ખાસ રસ ન પડે. પણ આપણે માટે? યાદોની બહુ મોટી વણજાર ખડી થઈ જાય. જીવાયેલા જીવનની ખુશીની પળો, વ્યથાની પળો, મૂંઝવણો, નીરાશા અને ઉજડી ગયેલા સ્વપ્નોના ઓથારથી સીસકતી રાતોની રાતોના ઉજાગરા, આશાઓ, ઉલ્લાસો, પ્રણયની મસ્તી, શૃંગારની મદીરા, કુટુંબમાં નવાગંતુક બાળકોની કિલકારીઓ અને એવું ઘણું બધું - બહુ જ પોતીકું – બહુ જ વ્હાલું – એનો ચિતાર એક ક્ષણ પૂરતો ઝબકી ઊઠે.

આવતીકાલે આપણે આ ઘર છોડી જવાનાં છીએ - એક વર્ષનો સહવાસ, સહિયારું સર્જન, અવનવી રમતો અને સંઘ પ્રવૃત્તિઓ – સાવ અજાણી વ્યક્તિઓ સાથે કેળવાયેલ ઘરોબો. એનો કોઈ હિસાબ અહીં  રજૂ કરવો નથી. એમાંનો મોટો ભાગ આપણા બે બ્લોગ પર સંઘરાયેલો છે.પણ એ મજાઓ આપણે સાથે ગાળેલા સહજીવનનું એક સુખદ સંભારણું છે. 

 જે જે મિત્રોએ એ પ્રવૃત્તિઓનું સંચાલન કરવાની જવાબદારી સ્વેચ્છાએ ઊપાડી છે, તેમનો હૃદય પૂર્વક આભાર. જે મિત્રોએ એમાં સક્રિય ભાગ લીધો છે – એમનો વિશેષ આભાર.

આવજો, મળતા રહેજો.

# સુજા

No comments:

Post a Comment