Dec 22, 2020

સંગીત અને જીવન

 ઉદ્ઘાટક - હરીશ દવે

માનવજીવનનો સંગીત સાથે ગહન સંબંધ છે. બાળપણથી ઘડપણ સુધી માનવી પર સંગીતનો વત્તો ઓછો પ્રભાવ રહેતો હોય છે. આપના જીવનમાં પણ સંગીતનું કોઈક સ્થાન હશે. આપે ક્યારેય વિચાર્યું છે કે આપના જીવનને સંગીત કેવી રીતે પ્રભાવિત કરે છે? 

ચાલો, આજે સંગીત પર સર્જન કરીએ. માનવ જીવનમાં સંગીતના મહત્વ વિશે વિચારીએ. જીવન પર સંગીતના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કરીએ.  આવો! આજે ‘સંગીત અને જીવન’ વિષય પર મનપસંદ સર્જન કરીએ.  

---



સંગીત જીવનમાં અમૃતધારા સમાન છે. જ્યાં જીવન છે, ત્યાં સંગીત છે. 

સંગીત સમગ્ર સૃષ્ટિમાં રેલાય છે. બ્રહ્માંડના ઉદભવ સાથે સંગીત સંલગ્ન હોવાની વાત તથ્ય પૂર્ણ છે. આપણે જેને ધ્વનિ તરંગ કહીએ છીએ, તે કંપનની નીપજ છે. અર્વાચીન વિજ્ઞાન કહે છે કે તમામ પદાર્થોના અણુ પરમાણુ કંપન પામે છે. અમુક તરંગલંબાઈ ધરાવતા કંપનોને આપણે ધ્વનિરૂપે સાંભળી શકીએ છીએ. સજીવોની શ્રવણશક્તિ ભિન્ન ભિન્ન છે. અરે! માનવોમાં પણ યોગમાર્ગના સાધકો વિશિષ્ટ નાદનો અનુભવ કરતા હોવાની વાત છે.

નાદ એ એક રીતે તો ચેતનાનો પ્રવાહ જ છે. પૂરા બ્રહ્માંડમાં દિવ્ય ચેતના રેલાઈ રહી છે. આપણા દેહમાં પણ તે જ ચેતનાનો સંચાર છે. ચેતના છે, ત્યાં જીવંતપણાનો એહસાસ છે. 

જીવન છે ત્યાં સ્પંદન છે. સ્પંદન તરંગ જગાવે છે; તરંગ ઊર્જાના દ્યોતક છે. તાલ અને લયયુક્ત સ્પંદનો સૃષ્ટિભરમાં વિવિધ રૂપે સંગીત રેલાવે છે. સંગીત માત્ર શ્રાવ્ય ધ્વનિથી જ ઊઠે છે તેવું થોડું છે?

પ્રકૃતિમાં આપ સંગીતને અત્ર તત્ર સર્વત્ર માણી શકો! વહેતું ઝરણું, ઘૂઘવતો દરિયો કે અરણ્યની વનરાજિમાં ગૂંજતો વાયુ પણ સંગીત સર્જે છે ને? કુદરતના સૌંદર્યમાં સંગીત રણકે છે! 

અધ્યાત્મમાર્ગના સાધકને સમાધિસ્થિતિમાં અનુભવાતો નાદ કેવા દિવ્ય સંગીતનું રૂપ છે! 

આપણે સામાન્ય મનુષ્યના વ્યાવહારિક જીવનમાં સંગીતને ઉવેખી ન જ શકીએ. વાદ્ય સંગીત હોય કે કંઠ્ય સંગીત, ફિલ્મ સંગીત હોય કે ભક્તિ સંગીત, તેને હ્રદયથી માણો તો આપના મન પર અસર તો થવાની જ. મધુર સંગીત મનના આવેગો ઠારે, પરમ શાંતિનો અનુભવ કરાવી શકે! સંગીત આપના ભાવવિશ્વને પરિવર્તિત કરી શકે! પ્રખર વક્તાની અસ્ખલિત વાણી પણ એક સંગીત છે જે આપણને પ્રભાવિત કરે છે.

સંગીતનો જીવન પર પ્રભાવ અવર્ણનીય છે. સાચે જ, સંગીત અતિ સૂક્ષ્મ સ્તરે જીવનમાં વણાઈ ચૂક્યું છે. 

સુરેશ જાની


અંજના શુકલ

હાઈકૂ

સંગીતમય
જીવન રમણીય
સૂરના લયે

મુક્ત પંચિકા

ભુલાવી દેશે
જીવનના એ,
આઘાતો જ ક્ષણમાં
મશગૂલ જો
સંગીત સૂરે !

એકાવનક્ષરી

સંગીત મળવા દો
મળે જ જીવનમાં માધુર્ય
એકલપણું ભાગે,
કહીં , નિત નવા મળે મિત્ર ,
સંગીતના લયે જ,
જીવન બને ભાષા સંગીત !

--

સંગીત જો આપણે ઊંડું વિચારીએ તો, વિશ્વનો વિસ્ફોટ સાથે ઉદ્દભવ થયો અને  ૐના સૂર જાગ્યા , ને અવકાશ એ ૐના ના સુરથી સૂરમય થયું અને પૃથ્વીના ઉદ્દભવ સાથે શંકર ભગવાને ડમરૂના નાદથી રાગના સૂરો બતાવ્યા. જે આપણે પવનના સુસવાટા, વૃક્ષની ડાળીઓ , સાગરનાં સુસવાટા, પક્ષીઓનાં ગીતોમાં ,નિર્જીવ ગણાતા પતથરના કડાકા કે ધરતીકંપના વિસ્ફોટના અવાજ એ બધા જ સંગીતના સૂરો છે ને માનવ જાતે એ સંગીતના  સૂરોને રાગ તાલ ને લયમાં ગોઠવી તાલબદ્ધ સંગીત સર્જી જીવન સંગીતમય બનાવી દીધું છે . જીવનમાં શ્વાસે શ્વાસમાં આપણે સંગીત સાંભળી કે અનુભવી શકીએ !

બાળક જન્મતાની સાથે સંગીત સંકળાયેલ છે.  જીવનના દરેક હાવભાવ સાથે સંગીતના સૂરોનો સમન્વય થયો છે . માતૃત્વભાવ માતાના હાલરડાંમાં અનુભવાય, એ જ રીતે બધા હાવભાવના સંગીતમય સંગીતથી દરેક ભાવ જાણી શકીએ ! આજે તો સંગીત એટલું બધું પ્રચલિત છે કે સંગીતના તાલબદ્ધ સૂરોથી ફિલ્મી દુનિયાનાં સૂરો ગીતના રૂપમાં  ગણગણાતા હોય છે. સાત સૂરોનો સમન્વય કરીને ઉદ્દભવેલ આ સંગીતમય દુનિયા જીવનને સંગીતમય કરી દે છે . સાથે ભાવમય સંગીતથી પોતાના રસમય ભાવોના સંગીત ગણગણી માનવશૃષટિ આખી આનંદ માણે છે ; પછી તે ભલે ઉચ્ચ કક્ષાનું  શાસ્ત્રીય સંગીત હોય, કે પછી રેપ સંગીત, કે  ભક્તિગીત હોય વિં  બધામાં જ આનંદોનુભવ થતો હોય અને પોતપોતાના શોખને અનુરૂપ માણી શકાતો હોય. ખરેખર સંગીત આનંદ આપી જીવન સંગીતમય બનાવી આનંદિત રાખે છે ! 

 આ સંગીત એ એવી ભાષા છે કે, જે જગતમાં સર્વ લોકો એના ઉપયોગથી સર્વ માનવજાત સાથે ઐક્ય અનુભવી શકે. અંગ્રેજીમાં કહીએ તો એ univershal language ગણવામાં આવી છે. ભક્તિભાવમાં સંગીત મેડીટેશન ગણાય છે. મેડીટેશનથી રોગોમાં સાજા થવાની પ્રક્રિયા થતી હોય છે. હવે તો દાકતરોય (Drs.) સુધીંગ સંગીતથી મરીઝ સારા થાય છે એમ માને છે ! આમ સંગીતજ સંગીતની બોલબાલા ચાલી રહી છે જે જીવન આખું સંગીતમય બનાવી દે છે. જે છે જીવન સંગીત! 

નિરંજન મહેતા

મુક્તપંચિકા

આનંદમય
બને જીવન
સુરમયી સંગીતે
શીખવે પાઠ
તાલમેલનો

---

બાળકના જન્મથી જ તેને સંગીતનો સાથ મળે છે. માતાના હાલરડાં સાંભળી તે સુખની નીંદર પામે છે. સમજણો થાય ત્યારે તેની શ્રાવણશક્તિ વિકસે છે અને તે જો સંગીતમાં રસ લે તો વિભિન્ન માધ્યમો તેને માટે ઉપલબ્ધ હોય છે.

શાળામાં પ્રાર્થના, કાવ્ય વાચન દ્વારા લયબદ્ધ શ્રાવ્ય, શાળા-કોલેજમાં થતી સંગીત્સ્પર્ધાઓ તેના જીવનમાં રસ ભારે છે . યોગ્યતા પ્રમાણે તેનો સંગીતનો અભિગમ વધે છે અને સંગીત તેના જીવનનો ભાગ બની રહે છે. 

સવારના પક્ષીઓના કલરવનો મીઠો નાદ પણ આનંદદાયક બની રહે છે અને વ્યક્તિમાં ચેતના પ્રગટાવે છે.

સામાન્ય રીતે સંગીત એક સાંત્વના પ્રદાન કરતી શક્તિ છે ભલે પછી તે શાસ્ત્રીય હોય કે સુગમ હોય. જેવી જેની રૂચી. પણ પોતાના પ્રિય સંગીતને સાંભળતા જ ઝૂમી ઉઠાય છે તે નિશ્ચિત છે. હવે તો ફિલ્મીગીતો એટલા પ્રચલિત થઇ ગયા છે કે ઉઠતા બેસતા તે જીવનનો એક ભાગ બની ગયા છે. આ શોખ માટે વિવિધ સાધનો અને માધ્યમો ઉપલબ્ધ છે અને દરેક વ્યક્તિ નિજી શોખ પ્રમાણે તેનો લાભ લે છે. 

કહેવાય છે કે અનેક રોગોમાં સંગીત થેરપીનો વપરાશ થાય છે અને તે કારગત થયાનું પણ જાણ્યું છે. અને કારણે પણ  સંગીતનું જીવનમાં મહત્વ વધી જાય છે. તે જ રીતે પશુ-પક્ષીઓ, વનસ્પતિ વગેરે પણ સંગીત સાંભળી રાજીપો અનુભવે છે તેમ કહેવાય છે. તો  ગાય-ભેંસ વધુ દૂધ આપ્યાનું પણ કહેવાય છે.    

આમ જીવનના દરેક ક્ષેત્રે સંગીતનો પ્રભાવ વર્તાય છે અને જેને તે પ્રિય હોય છે તે તેનો આનંદ લે છે અને જીવનને સંગીતમય બનાવે છે.

જયશ્રી પટેલ

નૂતન તુષાર કોઠારી 'નીલ'

મારો સ્વાનુભવ:

બોલતાં શીખીએ એ પહેલાંથી જ સાંભળતા થઈએ છીએ અને હું બોલતી થઈ ત્યારથી રેડિયો પર આવતાં ગીત ગણગણતી હતી. ધીમેધીમે સ્પષ્ટ ઉચ્ચારો સાથે સંગીતની ધૂન પણ સાથે સાથે ગાતી જતી હતી. એ સમયે સંગીતને એટલું પ્રાધાન્ય આપવામાં નહોતું આવતું જેટલું આજે અપાય છે. બલ્કે ગાવું એ સારું કામ નથી - એવી માન્યતા હતી.       

           મારી શાળામાં સંગીત એક વૈકલ્પિક વિષય તરીકે શીખવાતું હતું અને મેં એ વિષય પસંદ કર્યો હતો. મારાં સંગીત ગુરુ શ્રી પ્રેમશંકર નાયક સંગીતકાર જયકિશનજીના ગુરુ હતા. એમણે મારી પાસે એવી તૈયારી કરાવી કે મેં સંગીતની બે વર્ષની બે  પરીક્ષા એક સાથે એક જ વર્ષમાં પાસ કરી. પછી બૉર્ડનું વર્ષ આવ્યું અને સંગીત છૂટી ગયું. તેઓ મને સંગીત વિશારદ બનાવવા ઈચ્છતા હતા પણ એ શક્ય ન બન્યું. પરંતુ જીવનના હર સંઘર્ષમાં મને સંગીતે સાથ આપ્યો છે. સહેજ પણ તણાવનો પ્રસંગ ઊભો થાય હું મારી જાતને સંગીતમાં ડૂબાડી દઉં છું અને તણાવમુક્ત રહું છું. 

   આના માટે ઘણીવાર ટીકાઓ પણ સાંભળી છે. પણ સંગીત સાંભળવાથી અને ગીતો ગાવાથી મનને ખૂબ જ શાતા મળે છે, પ્રફુલ્લિત થાય છે એટલું જ નહીં પણ સમસ્યાઓનો હલ પણ મળે છે. તન પણ તંદુરસ્ત રહે છે, ઉંમરની અસર દેખાતી નથી, મન સદાબહાર રહે છે.

અર્ચિતા દીપક પંડ્યા 

મને તો કુદરતની પ્રત્યેક ક્રિયામાં  સંગીત સમાયેલું દેખાય છે. બ્રહ્માંડમાં સરી રહેલો સમય  એક તાલ છે.  તાલ એકરૂપતા સાથે સરે  છે એને  લય કહેવાય છે. જ્યાં લય છે, ત્યાં સંગીત છે જ. કુદરતમાં નજર કરીએ તો પવનથી વૃક્ષનું ઝળુંબવું, નદીના પાણીનું તરલતાથી વહેવું કે દરિયાના પાણીનું ભરતી અને ઓટમાં કિનારા સાથે ટકરાઈ ફરી દરિયામાં મળવું, કોઈ પથ્થરનું શિલા પરથી ગબડીને તળેટીએ પહોંચવું, આ સંગીત જ છે. સંગીતથી પ્રભાવિત સૃષ્ટિમાં  ભાવકો જાણે નૃત્ય કરતા હોય એવું લાગે છે. ગાયન, વાદન અને નર્તન ત્રણેય સંગીત જ છે. 

 સંગીત આપણાં મનોભાવને પલ્લવિત કરે છે. સંગીત ગતિમય અને લયબદ્ધ અંગસંચાલન કરાવે છે,   ગતિ અને લય પોતે એક ભાષા બની શકે છે.   સંગીતમાં સૂર  સાધવાની ક્રિયા એક ધ્યાન સમાન છે. સંગીત સૂર, લય અને તાલ દ્વારા અભિવ્યક્તિ મેળવે છે.  એ પછી હર્ષ હોય, વિરહ હોય કે પછી વીરરસની અનુભૂતિ હોય. સંગીત એ નવરસ નિષ્પન્ન કરવા સંપૂર્ણ સક્ષમ છે.  

આપણું મનોવિશ્વ એક નાદ સાથે જોડાયેલું હોય છે. આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આમ જુઓ તો આ સૃષ્ટિની ઉત્પત્તિ જ 'નાદ'થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે 'ૐ' છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.

 આમ જુઓ તો જ્યારે જીવનો જન્મ થયો, એ સાથે જ સંગીત  પ્રગટ થઈ ગયું હતું. જ્યારે નવજાત શિશુ એના હાથ પગ ઉછાળીને રડ્યું હશે, ત્યારે એના ભાવવિભોર માતા પિતાએ હર્ષમાં એને જોઈને  આનંદમય ઉદ્ગાર કર્યા હશે. છે ને જીવનનું સુમધુર સંગીત?

સંગીત વિના જીવન અધૂરું લાગે છે. એક થેરેપી છે સંગીત,એટલે ખુબ જરૂરી અને ઉપયોગી છે સંગીત.

રીટા જાની



દીપ્તિ દોશી

રમેશ બાજપાઈ

ધીમું ધીમું ગાતા રખડુ ભમરાઓ
ફૂલો ને ઘસાઈ ને વાતા  વાયરા 

કોયલ ની કુહૂ કુહૂ 
પપૈયા ની પિહૂ પિહૂ 
વગડા માં તમરાં ની ઝાં ઝાં ઝાં 
નદીમાં રમતી લહેરો 
છલકાતી અને ગેલ કરતી 
ભીના અધરો થી ધીમા ધીમા ગીત ગાતી 
ગાતા કાંઠા ને ગાતું વહેતુ પાણી 
આ હૈયું પણ ગાઈ ઉઠ્યું : સાંભળો 
સા રે ગા મા પ ધ ની સા રે 

રાત આવે અને સૂનકાર છવાય 
ઘડિયાળ ની ટીક ટીક સંભળાય 
દૂર ક્યાંય પુલ પર પસાર થતી રેલગાડી 
ગુંજતી ધડાધડી સાંભળો 
આ સંગીત છે. હા આ સંગીત છે 
મન નું સંગીત સાંભળો 
બાળક ને તેડીને હાલરડાં ગાતી માં 
મમતા નું ગીત સાંભળો 

પોતાને સુકવી રહેલા પલળેલા પારેવા 
એમની પાંખોનો ફડફડાટ સાંભળો 
ગાય અને બળદ ગળે બાંધેલી ઘંટડી 
કેવી રીતે વગાડે છે એ સાંભળો 
આ સંગીત છે. હા આ સંગીત છે 
મન નું સંગીત સાંભળો 
વર્ષા રાણી ના વરસતા ટીપાંઓ નું 
ધરતી નું ગીત સાંભળો

જાવેદ  અખ્તર લિખિત  મૂળ ગીતના શબ્દો - ( સાભાર - રાજેન્દ્ર દિંડોડકર ) 




No comments:

Post a Comment