Feb 11, 2021

શબ્દ પરિચય - ‘રૂખડ'

સાભાર -  શ્રી. જીતેન્દ્ર પાઢ

 ‘રૂખડ' એટલે શું ? રૂખડની દુનિયા કઇ ? રૂખડની ઓળખ શું ? એનો શાબ્‍દિક અર્થ શું ? એ નિમિત્તે આ એક નાનકડી રૂખડયાત્રા છે.

 આપણા સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ગ્રામસમાજની પ્રજાની લોકબોલીમાં મોટે ભાગે આ ‘રૂખડ' શબ્‍દ સાંભળવા મળે છે. કોઇ ગાંડાઘેલા માણસ વિશે અથવા તો એની સ્‍થિતિ વિશે આપણે આ શબ્‍દો પ્રયોગ કરીએ છીએ ‘ ઇ તો હાવ રૂખડ જ સે!' અથવા તો ‘ઇ તો ભૈ રૂખડિયો સે, એની મસ્‍તી જ જૂદી હોય હોં!'

   મોરારી બાપુએ અંબાજી (આબુ-અંબાજી)ની રામકથા વખતે કથાના ચોથા દિવસે ‘રૂખડ' શબ્‍દને અને રૂખડબાવાને યાદ કર્યો હતો.

   અને પછી તો ‘રૂખડ' શબ્‍દ એ બાપુનો પીછો નથી છોડયો. અંબાજી પછીની કથાઓમાં પણ બાપુએ રૂખડને યાદ કર્યા જ રાખ્‍યો છે, એટલું જ નહીં પણ બાપુએ તો દર આસો નવરાત્રીનો ચોથો દિવસ એ ‘રૂખડનો જન્‍મ દિવસ' પણ જાહેર કરી દીધો છે ખરેખર તો રૂખડએ એક અવસ્‍થાનું નામ છે. ભલે સામાન્‍ય પ્રજામાં આ શબ્‍દની સમજ થોડીક નીમ્‍ન કે અણગમતી હોય પણ મોરારીબાપુ તો રજકણને પણ સૂરજની ઉંચાઇ અપાવવાનું નૂતન કર્મ કરી રહ્યા છે એટલે જ બાપુને મન રૂખડ એટલે કોઇ એક જ વ્‍યકિત નહીં, રૂખડ એક પ્રકારનો માનવ સ્‍વભાવ છે. રૂખડ સમાજના કોઇપણ રૂખથી ડરતો નથી. રૂખડ બાવા જેવી ચેતનાઓ ગુમનામ પ્રદેશની નીપજ હોય છે. બાપુની લગભગ કથાઓમાં રૂખડ ચિંતન પ્રગટે છે. ગુજરાતી પ્રજાના હૈયે વસેલુ પ્રસિદ્ધ લોકગીત...

રૂખડ બાવા તું હળવો હળવો હાલ્‍ય જો,

   એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબીયો

   એ લોકગીતમાં પ્રગટ થતી લોકચેતનાઓનો ધબકાર પણ બાપુ સૌને સંભળાવે છે કે, જે ગરવા અને નરવા હોય તેના ઉપર રૂખડ ઝળુંબે છે. રૂખડ એટલે અલખનો આરાધક, અલગારી, ઓલિયો અવધૃત, રૂખડ એટલે રખડતો માણસ, જે બહારથી રખડતો હોય, પરંતુ અંદરથી શાંત હોય, ગિરનાર અવધૃતોની ભૂમિ છે અને રૂખડ ગરવા ઉપર નરવો થઇ છવાઇ ગયો છે, જેના દેહના ખડિયામાં રૂ જેવી બેદાગ ધવલતા હોય તે રૂખડિયો રૂ (કપાસ) બનીને બીજાના છીદ્રોને ઢાંકે તે રૂખડ. રૂખડ બાવા વિશે આપણા લોકસાહિત્‍ય -સંતસાહિત્‍ય વગેરેમાં પણ ઘણી-ઘણી દંતકથાઓ મળે છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતો' પુસ્‍તકમાં પણ ‘વેલો બાવો'ની લોકકથા આપી છે. જાણીતા કવિ હરિન્‍દ્ર દવેએ પણ ઘણા વર્ષો પૂર્વે રૂખડબાવા તું હળવો હળવો હાલ્‍ય જો... એ લોકગીત વિશે નાનકડો આસ્‍વાદ લેખ પણ કરેલો. હરીન્‍દ્ર દવે આ લોકગીતને ઉપમાઓ પર ઝળુંબતું કાવ્‍યત્‍વ એમ કહીને લોકકવિને નવાજે છે. અહીં નાગ-મોરલી, કુવા, કોશ, બેટા-બાપ, નર-નાર, ધરતી-આભ અને ગોપી-કાન એમ છ-છ ઉપમાઓની જોડી સંદર્ભે આ લોકગીતનું ભાવસંવેદન પ્રગટ થયું છે.

   જાણીતા હાસ્‍યકાર-લેખક જગદીશ ત્રિવેદીએ તો બાપુની કથાઓમાંથી ‘રૂખડીયા પ્રેરણા' લઇને દસેક રચનાઓ લખી છે અને વિદ્વાન-વિવેચકો પાસે એના વિશે આસ્‍વાદ લેખો લખાવીને ‘રૂખડિયો ઝળુંબિયો' પુસ્‍તક પણ પ્રગટ કર્યું છે. બાપુ પ્રેરીત નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કવિ ભાનુપ્રસાદ પંડયા ‘રૂખડ'ની ઓળખ આપતા કહે છે જ કોઇ નાતજાતના પરીચય વગરનો એકલો પોતાના વશે વર્તનમાં લઘરો અને છતા વિશ્‍વને પોતાનું ગણનાર વિશાળ હૃદયી માનવી એટલે રૂખડ જેને માટે સમસ્‍ત વિશ્વ પોતાનો પરિવાર છે એવો મહાપુરૂષ એટલે રૂખડ.

   ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ'માં રૂખડ એટલે ‘રૂખડ' શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘વૃક્ષ' ઉપરથી આવ્‍યો છે. વૃક્ષ પરથી રૂખડો, રૂખડું, વરખડો, વગેરે અનેક નામો ચલણમાં આવ્‍યા છે. ‘ભગવદગોમંડળ'માં પણ રૂખડ શબ્‍દના ત્રણ અર્થો આપેલા છે. રૂખડ એટલે એક જાતના ઝાડનું નામ, રૂખડ એટલે ભયંકર અને રૂખડ એટલે યોગીની એક જાત. મોરારીબાપુની દૃષ્‍ટિએ રૂખડ એટલે ભજનાનંદી માણસ અનહદનો યાત્રી, સાધુત્‍વનો પર્યાય, સમગ્ર વિશ્વને પ્રેમ કરનાર, અલગારી, ઓલિયો, જૂનાગઢ, ગિરનાર તળેટી, ભવેશ્વરની પાસે અને સૌરાષ્‍ટ્રના ખારીયા સ્‍ટેશન પાસે ખડખડ નામના ગામમાં વેલા ભગતની  સમાધિ વગેરે સ્‍થાનો પર આજે પણ સંત વેદનાથ-વેલોબાવો- રૂખડિયા બાવાની અનુભૂતિ થઇ શકે છે જો એવું રૂખડિયુપણું આપણે અડી ગયું હોય તો જ !!!

   આપણા ભગતબાપુ-કાગબાપુએ પણ રૂખડ ના ઝાડ-રોપ-વિશે એક પદ લખ્‍યું છે, જેમાં વૃક્ષ અને સંતનું પરોપકારીપણુ પ્રગટ થાય છે. કાગબાપુ ગાતા-ગાતા લખે કહે છે કે....

   એને રોપ્‍યેથી ગિરધારી થાય છે રાજી રે...

   રોપાવો લીલા રૂખડાં જી.,

   એને કાપ્‍યેથી મુરારી કોચવાશે રે...

   કાપો નંઇ કુંણા રૂખડા જી.

   આસન ચળ્‍યા નઇ એના જોગી જુગ જુગના,

   એની ઓસરીએ ધનરાજાના ઉતારા રે

   ધરતીનું ઢાંકણ રૂખડાં રે...

   ‘કાગ' કયે કુવાડાને, હાર્યો એણે આયપો

   કાપ્‍યાં તો યે ફરીથી કોળાણા રે,

   મનડાના મોટા રૂખડાં રે...

   મહાશિવરાત્રીના મહામય માંગલ્‍યક દિવસોમાં યોજાનારી મોરારીબાપુની આ રામકથા ‘'માનસરૂખડ સર્વ રીતે પ્રાસંગિક છે. શિવજી શંકરમહાદેવ પણ મોટો રૂખડ બાવો જ છે ને ! બાપુ પણ પોતાને એક રૂખડ તરીકે જ ઓળખાવે છે અને બાપુના સૌ કથા પ્રેમીઓ ફલાવર્સ બાપુ પ્રેમીઓ પણ બધા રૂખડિયા જ બની ગયા છે. આ કથાના નિમિત્ત માત્ર યજમાન જયીંતભાઇ ચાંદ્રા (અતુલ ઓટો પ્રા. લી. રાજકોટ-‘ખુશ્‍બુ' ઓટો રીક્ષા)માં પણ એક રૂખડ બીરાજે છે. રામથા સમિતિના સૌ સદસ્‍યો પણ આ વિશિષ્‍ટ-વિશેષ રૂખડીય કથાના આયોજનમાં રૂખડમય -રામમય થઇને ડુબ્‍યાં છે. સૌને માટેની બધા માટે ‘ખાસ' આ કથામાં સૌ ભાવકો શ્રોતાઓને જાહેર અને ખુલ્લું નિમંત્રણ છે. ભજન અને ભોજન માટે અને આપણા જીવનમાં પણ થોડુંક ચપટીક ‘રૂખડપણું' આવે તો આ કથાની યથાર્થતા ફલીત થશે. કદાચ, પ્રથમ વખત આ કથામાં કહેવાતા મોટા માણસો મહાનુભાવો-વી.આઇપી. લોકો સૌની સાથે એક પંગતમાં બેસીને સામાન્‍ય થવાનો લ્‍હાવો પણ લેશે, જો એવા લોકો કથામાં આવે તો !

   જેમ ઝળુંબે કૂવા સાથે કોશ જો,

   એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો

   જેમ ઝળુંબે ધરતી માથે આભ જો,

   એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો

   રૂખડ બાવા તું હળવો હળવો હાલ્‍ય જો,

   એવા ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો...  #જય હો રૂખડ !!

1 comment:

  1. રૂખડ શબ્દ સાંભળેલો પણ એનો સાચો અર્થ આજે જ જાણ્યો અને માણ્યો.

    ReplyDelete