Jan 19, 2021

મેં માણેલી પક્ષીસૃષ્ટિ

 ઉદ્ઘાટક - હરીશ દવે

આપ બાળપણથી પક્ષીઓને નિહાળતા હશો. ચકલી, કાગડો અથવા કબૂતર તો આપના જીવનમાં આવ્યાં જ હશે. આપ આજે પણ પક્ષી સૃષ્ટિને નીરખતા તો હશો. પંખીઓ સાથે આપણા મનને શું સંબંધ છે? આપે મનોમન પંખી સાથે કદી વાતો કરી છે? અથવા પંખીએ આપને કાંઈ કહ્યું છે? આજે આપણે તે વાત અહીં કરીએ તો! 

આપના ઘર આંગણે કેટલાક પક્ષીઓને વિશેષ રસથી જોયા હશે. કોઈક પંખીઓએ આપના મનમાં કૂતુહલ જગાવ્યું હશે, તો કોઈકે આપનો પ્રેમ જીત્યો હશે. કોઈક પક્ષીઓએ આપને સંદેશ આપ્યો હશે. આપે માણેલી પક્ષી સૃષ્ટિ નું આગવું મહત્વ છે. આજે આપણે તે આલેખીએ. 

આજનો સરળ વિષય છે: મેં માણેલી પક્ષીસૃષ્ટિ .

---

બાળપણમાં પ્રકૃતિનો પરિચય થયો ફૂલછોડથી; સાથે જ મિત્રતા થઈ પક્ષીઓથી. પહેલી ઓળખ ચકલીની. ઘરમાં દિવાલ પર  કેબિનેટમાં  જાપાન બનાવટની   મોટી  સિકોશા લોલક ઘડિયાળ. તેના કબાટ પર ચકલીનો માળો  દસ પંદર વર્ષો  રહ્યો.  ચકા ચકીનો બચ્ચાં ભર્યો  સંસાર બદલાતો રહ્યો, બાળપણ સરતું રહ્યું.

કાગડો  રોજ જોવા મળતો. રજાની બપોરે ઊંઘમાં  ખલેલ પાડનાર કાગડા સાથે કાબર પણ ખરી.    કાબરનો કલબલાટ  અકળાવી દેતો. હોલો અને દેવચકલી પણ બારી પર આવી ચડતાં. વિવિધ પંખીઓ ને નિહાળવામાં ઘણી ખુશી મળતી.... પક્ષી સૃષ્ટિ  માનવજીવનનો , અમારા  બાળપણનો હિસ્સો બનીને રહ્યાં. 

આજે બહુમાળી ફ્લેટમાં  આ પક્ષીઓ  ભાગ્યેજ જોવા મળે છે.

સુરેશ જાની

એક જૂની ગદ્ય રચના ... ૨૬, નવેમ્બર - ૨૦૧૧ 

-----

મુક્ત ગગનપંખી

‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’  મારું પ્રિય પુસ્તક છે. અને ‘कौन बनेगा करोडपति’’ એક માત્ર ગમતીલી ટીવી સિરિયલ. કેવું વિચિત્ર મિશ્રણ છે, નહીં વારુ?!ચાલો ત્યારે, આ મિશ્રણને બ્લોગસ્થ કરવાનું કારણ બતાવું.

     ૨૦૧૧ ની કેબીસી શ્રેણીમાં લગભગ છેવટના ભાગમાં; અને હું ભૂલતો ન હોઉં તો, એક કરોડ જીતી ગયેલા બિહારી બેન્ક મેનેજરને પાંચ કરોડના ઈનામ માટે પૂછાયેલો પ્રશ્ન હતો.

      ‘કયું યાયાવર પક્ષી, એવરેસ્ટની પણ ઉપર ઊડાણ કરીને શિયાળામાં ભારત આવે છે?’

     અમને કોઈને આ સવાલનો જવાબ આવડતો ન હતો; અને તે બિહારી સજજનને પણ નહીં. તેમની કોઈ લાઈફ લાઈન સાબૂત પણ ન હતી. આથી તેમણે રમત છોડી દીધી અને એક કરોડના ઈનામથી સંતોષ માન્યો.

    અને એબીએ સાચો જવાબ જણાવ્યો…..

બાર હેડેડ હંજ (ગૂઝ)


 ૨૯,૦૦૦ ફૂટથી વધારે ઊંચાઈએ ઊડીને પૃથ્વીના સ્વર્ગ સમાન ભારતમાં શિયાળો વિતાવવા આવતા આ પક્ષી માટે મને આકર્ષણ તો થયું જ. પણ સાથે સાથે જોનાથન સીગલનું , ગમતીલું, કાલ્પનિક પક્ષી યાદ આવી ગયું.

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું

યાયાવર ગાન છીએ આપણે

સમંદરને પાર જેના સરનામાં હોય

એવા વણજાણ્યાં નામ છીએ આપણે

–    ધ્રુવ ભટ્ટ

      બસ ઊંચે ને ઊંચે, વધારે ને વધારે ઊડવાની પ્યાસ. એક જ લગન – સપન ભોમકાથીય આગળ ને આગળ.. ઊડ્યા જ કરવાનું … એને ભૂખ કે તરસ કશું રોકી ન શકે.  બસ ઊડ્યા જ કરવાનું.

---

અને... ગમતીલી હોબી - ઓરીગામીથી બનાવેલ પક્ષીઓના મોડલો આ વિડિયો ફિલ્લમ માં !



પોપટનો રંગ

 આ મજેની વાત સાચી ઘટના છે. મને બરાબર વર્ષ યાદ નથી; પણ આશરે ૧૯૮૫ માં અમારા જોડિયા શાહજાદાઓને પોપટ પાળવાનો તુક્કો સૂઝ્યો. બહુ સમજાવ્યા; પણ માને એ જ બીજા. બાળહઠ સામે છેવટે અમારે ઝૂકવું પડ્યું.

     અને એક સપ્પરમે દિવસે હું બન્નેને અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે રવિવારે ભરાતા, ગુજરી બજારમાં લઈ ગયો. ત્યાં તો નાનકડું પક્ષી બજાર ભરાયેલું જોઈને, બન્ને જણા હરખાઈ ગયા. એમની પસંદ સ્વાભાવિક રીતે સારામાં સારા પાંજરામાં રાખેલા સૌથી મોટા પોપટ  ઉપર જ પડે ને? એના ચીરી નાંખે તેવા ભાવ સાંભળી, મારો અમદાવાદી આત્મા ખળભળી ઊઠ્યો. આખા મહિનાનું મારું બજેટ પોપટમાં જ વહી જાય એવા ભાવ.

     પણ અમદાવાદી જણને ખર્ચ પર કાપ મૂકવાના રસ્તા ઓટોમેટિક આવડી જાય!

      મેં કહ્યું,” જો આ મોટો પોપટ લઈએ ને, તો એ બોલતાં ન શીખે. નાનો બાળ પોપટ લઈએ, તો એને આપણી રીતે ઝટ કેળવી શકાય.”

    સદભાગ્યે બન્ને દીકરા માની ગયા. અને મને પોસાય તેવી કિમ્મતનો પોપટ, સાદા અને સસ્તા પાંજરા સાથે લઈને અમારી સવારી ઘેર પાછી આવી. સાથે જમરૂખ અને મરચાં પણ એને માટે ખરીદી લીધાં.

નવા મહેમાનના સ્વાગત માટે ઘેર તો ઉત્સવ મંડાઈ ગયો. આજુબાજુના ઘરોમાંથી બધાં બાળકોએ આ નવાગંતુકને વધાવવા અમારા ઘેર ભેગા થઈ ગયા.

     ‘બોલો પોપટ! રામ. રામ.’ ના પાઠ શરૂ થઈ ગયા.

      પણ પોપટરામે તો મૂમતી બાંધી દીધેલી હતી.

      આમ ને આમ પંદરેક દિવસ થઈ ગયા. હવે પાડોશી બાળકોનો ઉત્સાહ ઓગળી ગયો હતો. બીજી નવાઈની વાત તો એ કે, પોપટે મરચાં અને જમરૂખ ખાવાનો ધરાર ઈન્કાર કરી દીધો. છેવટે એને રોટલી અને દાણા આપ્યા. રોટલી પણ એને ખાસ પસંદ ન પડી.

   ખેર, દાણા તો દાણા. પોપટ ભૂખ્યો નથી કે તરસ્યો નથી; એમ અમે મન મનાવ્યું.

  અમારે ઘેર નવા રહેવાસીને જોવા કુટુમ્બીજનો પણ આવવા લાગ્યા. બધા પોપટને જોઈ હરખાય, પોપટના વખાણ કરે; અને દીકરા ખુશ!  તે દિવસે મારા મોટા ભાઈ આવ્યા. એમની પ્રકૃતિ રહી સાધુ જેવી. એમનો જીવ તો આ મૂંગા પ્રાણીને પાંજરામાં પૂરાયેલા જોઈને કળીએ કપાઈ જાય.

   એમણે દીકરાઓને જીવદયા પર મોટું વ્યાખ્યાન આપી દીધું ; અને પોપટને મૂકત કરવા સમજાવવા માંડ્યું. પણ દીકરાઓ એમ કાંઈ માને? ભાઈ તો વિદાય થયા. પછી એમને સૂઝ્યું કે, ‘આપણે પોપટની બરાબર દરકાર કરતા નથી. સાબરમતીની ધૂળમાં એ કેટલો ગંદો થઈ ગયો છે? ‘ અને તરત પોપટના સ્નાન વિધિનો બંદોબસ્ત એમણે કરી દીધો. બાથરૂમમાં શાવર નીચે પોપટરામનું પાંજરું મૂકી દીધું. પોપટ તો ગભરાઈને ચીચીરાઈઓ પાડવા માંડ્યો.

   અને આ શું?

     પાંજરામાંથી લીલા રંગનું પાણી નીતરવા માંડ્યું. જેમ જેમ પોપટ ન્હાતો ગયો; તેમ તેમ એનો રંગ ઊતરતો ગયો. અને એ તો સાવ હોલા જેવો બની ગયો! ભીના ભદરક થયેલા પોપટને તડકે સૂકવવા બેસાડ્યો અને સૂકાતાં તો એનો રંગ સાવ કદરૂપો થઈ ગયો.

      હવે અમારા ભાઈઓને પોપટ વિશેનો રસ સાવ ઊડી ગયો – પોપટના રંગની જેમ સ્તો!

     અને બીજે દિવસે, બન્ને જણાએ પાંજરું ખોલી પોપટને ઊડાડી મૂક્યો. સાંજે હું ઓફિસેથી પાછો આવ્યો ત્યારે, ખાલી પાંજરૂં મારું સ્વાગત કરતું ઝૂલતું હતું!

       આ વાતને ૨૫ વરસ થઈ ગયા છે; અને એ શાહજાદાઓ પણ અત્યારે ૩૫ વરસના થઈ ગયા છે; પણ રંગ બદલતા કાચિંડાની જેમ રંગ બદલતા એ પોપટની યાદ પણ હજી એવી ને એવી તાજી છે.

અને આ પ્રસંગે બનાવેલ એક પીળો મોર !


નિરંજન મહેતા

મુક્તપંચિકા

***

ઉઠું પ્રભાતે

આળસભર

સાંભળી કલરવ

આરંભુ કાર્ય

પ્રસન્ન ચિત્તે

---

કુદરતે ભાતભાતની રચનાઓ કરી છે જેમાં માનવી, પશુ, પક્ષી, જીવજંતુ વગેરેનો સમાવેશ છે. હરેકની જાતિ અને પ્રજાતિ અનેક છે પણ તે બધાની ચર્ચા અહી અસ્થાને છે. આજે આપણે માણેલી પક્ષીસૃષ્ટિની વાત કરવાની છે.

નાના મોટા અનેક પક્ષીઓમાં તરેહ તરેહના લોકોને તરેહ તરેહના લગાવ હોય છે. કોઈને પોપટ પસંદ છે તો કોઈને ચકલી. એ દરેકની મનસા પર આધારિત છે. 

આમ તો મુંબઈના ફ્લેટમાં રહેનારને કેવા પ્રકારના પક્ષીસૃષ્ટિ હોય છે તેની કદાચ પૂરી ખબર પણ નહીં હોય કારણ શહેરી વાતાવરણ જ એવું થઇ ગયું છે કે કોઈ પણ પક્ષી તમારી નજરમાં આવે તો તે તમારૂ અહોભાગ્ય. પણ હાલના કોરોના કાળમાં વાતાવરણ સ્વચ્છ થતાં કેટલાક પક્ષીઓ જેવા કે ચકલી, કાબર, પોપટ પણ નજરે પડ્યા છે. જો કે કાગડા અને કબૂતર તો તે પહેલા પણ દેખાતા હતા. તો સવારના થતાં પક્ષીઓના કલરવ હવે સ્પષ્ટ સંભળાય છે અને તેથી એક આંનંદની લાગણી અનુભવાય છે. 

આમ તો મારે ત્યાં કાગડા, ચકલી અને ક્યારેક કાબર પણ દર્શન દઈ જાય છે. પણ નિયમિત આવનારમાં કાગડા હોય છે જે આવીને ગ્રીલને પકડીને બેસે છે. આવે ત્યારે એક-બે નહીં પણ ચાર-પાંચ સાથે આવે. તે એટલા હેવાયા થઇ ગયા છે કે કા...કા...કા.... પણ નથી કરતા કારણ તેમને જાણ છે કે અમારામાંથી કોઈની પણ નજર તેમના પર પડશે તો તેને  રોટલી કે અન્ય ખાદ્યપદાર્થ પણ મળશે, જાણીને નવાઈ લાગશે કે આ કાગડા ન કેવળ રોટલી પણ ઘરે બનાવેલ અન્ય નાસ્તાની વાનગીઓ જેવી કે સેવ, સક્કરપારા, ચેવડો જેવા નમકીન પદાર્થોનો પણ આરામથી આનંદ લે છે. અરે, વધેલો ભાત પણ ક્યારેક મુકીએ તો તે પણ ખુશી ખુશી લઇ જાય. 

આમ તો કાગડા ચતુર ગણાય એટલે કોઈ પણ વ્યક્તિ તેની પાસે જાય તો તરત ઊડી જાય. પણ મારે ત્યાં આવતા કાગડા એવા હેવાયા થઇ ગયા છે કે નજીક જઈ ખાદ્યપદાર્થ મુકીએ તો પણ ઉડે નહીં અને કાં તો બેસીને આરોગે કે પછી લઈને ઉડી જાય. 

ખરી મજા તો ત્યારે આવે જ્યારે તે વખતે ચકલી કે કાબર પણ આવે. તે પ્રયાસ કરે કાગડાની નજીક આવી થોડુક લેવાનો પણ કોની મગદૂર છે કે તે ચાંચ લગાડી શકે! જો કે ક્યારેક તે સફળ પણ થાય. આમ બને છે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. 

એક અન્ય દ્રશ્ય પણ હવે જોવા મળે છે. કેબલના વાયર પર થતી પોપટની પંગત. લીલા રંગની હારમાળા નજરને ઠારી દે છે. કોન્ક્રીટ જંગલમાં પણ કુદરતની આ રચના માણવી એ પણ એક લહાવો છે. 

શ્રુતિ ભટ્ટ

પા પા પગલી માંડતા , કોઈ પણ બાળકે અનુભવેલી પક્ષીજગતની પ્રથમ યાદ એટલે 'ચકલી'. આંગણામાં આવતી, ચીં ચીં કરતી, ફરરર ઉડતી ચકલી જોતાં જોતાં અને 'ચકીબેન'ના ગીતો અને વાર્તા ઓ સાંભળતા સાંભળતા કયારે મોટા થયા અને ચકીબેન શહેરીકરણ ને કારણે કયારે નામશેષ થવા લાગ્યા તે ખબર જ ના પડી.

   હાઈકુ

ચકલી આવે

ચીં ચીં મારે આંગણે

ગુમ હવે ક્યાં❓

અંજના શુકલ

હાયકુ

કલરવ કરે

જગાડે મીઠા સૂરે

પક્ષી ઘરમાં!


હતું એક ને

આવી મળ્યું બીજું જ

થયા બે પક્ષી!


મળ્યા સાથે જ

શોધી પક્ષીએ જગ્યા 

મુકવા ઈંડા!


કૂતુહલ જ

થયું જોવા પક્ષીએ

મુકયા ઈંડાને?


ત્યાં તો પક્ષીએ

ન પોષ્યા એ ઈંડાને

ઊડી જઈને.


ઘરમાં મારા

પક્ષી ઊડતા ખૂશ

બંને સંગે જ!


આનંદ થાય

જોઈ પક્ષી ઊડતા

રમતા ઘરે!

એકાવન અક્ષરી

૧.

હતી પક્ષીની ભેટ

દીકરીને નિશાળમાંથી જ

જાત હતી ફીંચની

મોટું થતાં બન્યું સુંદર જ

કાળું પણ લાગે જ

રંગબેરંગી ત્રણ રંગનું!

૨.

ભેટ હતી દીકરીની

બંનેને નિશાળમાંથી જ

પક્ષી નર-માદાની;

ઊડે ઘરમાં છૂટથી સાથે ,

કલરવ કરતા!

સવારે કરે વાત

તો જાણવા આતુર બનીએ!

૩.

નામ બોલીએ એના,

બંને ચતુર સમજી જતા;

ચકલી જેવા પક્ષી

સૂર આપે ચકલી જેવા જ .

ખુશી થાય બહુ જ

એની સમજણ પામવાને!

૪.

પાર ન આવે વાત 

બંને પક્ષીની અહીં કહેતા!

લખી શકાય લેખ

પક્ષી જીવન કુશળતાનો,

આશ્ચર્ય જનક જ

લાગે જીવન પક્ષી શૃષટિનુ!

------

નાનપણમાં ચકલીઓ જોઈ એની વાર્તા સાંભળતા ને ખૂશ થઈ જતા. ખીચડી બનાવવાની વાર્તા બાળસમજ પ્રમાણે આનંદ માણતા. એ સિવાય કાબર, કાગડા અને કબૂતરો તો જયાં ત્યાં જોવા મળતા, કે પછી કૂતરા, ગાય, ગધેડા કે ઘેંટા પણ જોવા મળતા ! ઝૂ (zoo-પ્રાણી સંગ્રહાલય  નો તો વિચાર જ ક્યાંથી આવે? સમજદાર થતાં ઝૂ માં ખૂબ જ જાતજાતનાં પક્ષીઓ જોયા! કલરવ કરતા પક્ષીઓ શું વાતો કરતા હશે? કોઈ ગભરાઈને દૂર જતા તો કોઈ બહાદુર પાસે આવતા! રૂપ બતાવી આનંદ આપતા !

માનવજાત કેટલી સ્વરથી ! પોતાના સ્વાર્થ ખાતર પક્ષીઓનું સ્વાતંત્ર્ય  છીનવી લે; પૈસા કમાવવા અને સામે પૈસા આપી આનંદ માણવા ! ક્યારેક પક્ષીઓ પણ કલરવ કરી આ જ વાતો કરતા હશે!

અમારા ફેમિલીમાં બધાને પશુ-પક્ષી સાથે પ્રેમ ! પોપટ પાળ્યો પણ ઊડી ગયો ! પાછળ parkનાં ducks (બતક) દરરોજ આવે ને એને ખવડાવીએ, દરરોજ બહાર bread નાંખીએ અને ઢગલાબંધ કાબર જેવા પક્ષીઓ  આવે ને એને ખાતા જોઈ આનંદ માણતા અમે અમારા ચાપાણી કરતા. એક બે વખત અમે એને અંદરોઅંદર ઝઘડતા જોયા ! તો કોઈ મરી ગયેલું ને કોઈની આંખ ફુટેલી! ખૂબ જ દ:ખ થયું, મરી ગયેલાને દાટ્યું ! ઘાયલની થાય એટલી સારવાર કરી! પણ એ પણ મરી ગયું! તે દિવસ પછી અમે seeds અને bread આપવાના બંધ કર્યા, થોડા દિવસ પક્ષીઓ આવતા ખાવાનું શોધી જતા રહેતા ! એ પણ ગમતું નહીં પણ કોઈ મારેલું પણ જોવું નહોતું! Birdfeeder મુકયું , પણ ખિસકોલી જ આવી જતી ને પક્ષીઓને ઉડાડી મૂકે! હવે તળાવની પારે ક્યારેક મારી દિકરી સાથે જઈએ! જોકે એતો હમેશાં ત્યાં જાય ને ખવડાવી પાર વગરનાં કબૂતરોને ખવડાવી આનંદ માણે! આ થઈ આખી જીંદગીની પક્ષીસૃષ્ટિ સાથેની  ઘટમાળ.

એ દરમ્યાન નિશાળ વખતની વાત, નિશાળમાંથી science ના શિક્ષકે મારી દિકરીને zibra ફીંચ નર પક્ષી આપ્યું ! દેખાય ઉંદરના બચ્ચા જેવું! મને તો એ વખતે દેખાવથી જ ના ગમ્યું ! પણ દિકરીને એના માટે ખૂબ જ આનંદ , ને નાનું પાંજરું લાવ્યા! મોટું થતા સુંદર લાગવા માંડ્યું , અમારી સાથે ખૂબ જ હળી ગયેલું, છૂટથી ફરતું, જયાં જઈએ ત્યાં ઊડીને સાથે આવી જાય. Breakfast પણ કરવા આવી જાય ! મારી દિકરી વાયોલિન વગાડવા બેસે એટલે ત્યાં એની બો પર બેસી હાઈ ને લો પીચ એની સાથે આપવા માંડે! એ જોવાનું ખૂબ જ ગમતું! બોલાવવાની સાથે જયાં હોય ત્યાંથી ચીં કરતું આવી જાય! એટલામાં નાની દીકરીએ એની વાત કરતાં શિક્ષકે એને માદા પક્ષી આપ્યું ! બંને મળ્યા એટલે અમને છોડી બંને ઘરમાં સાથે ને સાથે ઊડવા ને ફરવા લાગ્યા! અને ઘરમાંથી નાનો નાનો કચરો શોધી મારા plantganger માં માળો બાંધ્યો ! ઈંડા મૂક્યા ! આનંદ આશ્ચર્ય સાથે જોતા રહ્યા ! પાસે જઈ જોયું ત્યાર પછી મા પાસે ન આવી અને બીજા planthanger પર ઊંચી જગા શોધી ફરી માળો બાંધ્યો ને ત્રણ બચ્ચા થયા. એક દિવસ એકનો ચીં અવાજ આવ્યો ત્યારે જ અમને ખબર પડી! પાંચેયને પીંજરામાં મુકવા માંડયા! ક્યારેક આખા ફેમિલીને ઊડવા દેતા, ખાસ કરીને રજાના દિવસે! 

આ રીતે થોડા વર્ષો વિતી ગયા, મા અચાનક મરી ગઈ! એ દિવસે મારી દિકરીને મેં પહેલીવાર એટલી બધી રડતા જોઈ!!!!!..... ને વારા ફરતી એક મરી ગયું તો એક ઊંડી ગયું ! માત્ર નર પક્ષી જે પહેલાંનું હતું તે રહ્યું પણ એક દિવસ બીજા સગાને ઘરે રાખતા એ એમના ઘરેથી ઊંડી ગયું! ઘણીવાર એવું અનુભવતા કે એ બહાર આવ્યું ને પસાર થયું ! પણ એનું શું થયું હશે એ ખબર પડે એમ હતું નહીં! આ હતી અમારી અમારા ઘરમાં પક્ષી સૃષટિ ! હવે મારી દિકરી પાસે પ્રાણી સૃષ્ટિ છે, એકને  ત્યાં કૂતરી ને એકને ત્યાં બિલાડો !

માનવ જાત સ્વાર્થી અને ક્રૂર માનવા છતાં , એ લાગણીશીલ છે ! હાલમાં પ્રાણી કે પશુપક્ષીને બચાવવા આખી દુનિયામાં ચળવળ ચાલે છે, ઘણાં માંસ ખાતા બંધ થયા છે! અને પ્રાણીઓને બચાવવાની કોશિશ કરે છે, જોકે ભારતમાં જે માંસાહારી નહોતા એવા લોકો ફેશનમાં માંસાહારી બની જાય એ ખૂબ જ દુ:ખ અને આશ્ચર્યકારક છે! હવે તો અમેરિકામાં એટલા બધા વેજી . અને વીગન  ખાવાના મળે છે કે નનવેજનો વિચાર જ ન આવી શકે! ઘણાં લોકો પ્રાણીને બચાવવા એને adopt કરતા હોય છે, વિગન બનવા માંડયા છે! ઘણાં તો અમારા જેવા જ વિગન પણ દૂધ કે મિઠાઈ જ વાપરતા તે પણ વિગન! તદન નનડેરી વસ્તુઓ વાપરે છે.

દુનિયા  ગજબ જ છે ને! સમજણ અને અસમજણથી ભરેલ!

 વલીભાઈ મુસા

આપણું તો રહ્યું ક્યાં સુખ! (વ્યંગ્ય કાવ્ય - અછાંદસ)   ###     

 "અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

વ્હેલી પરોઢે ચણ ચણીને,

જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;

ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,

બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’


મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,

વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,

નિજ પરસેવે ન્હાઈ લેવાનું, હાથલારીઓ ખેંચી ખેંચી!

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’


જો ને પેલો છોરો બિચારો,

વાણ તૂટેલી ખાટલીએ ઘોરે, આખી રાત તન વલોર્યું

તડકો જગાડે તોય ના જાગે, આસપાસ કોલાહલ છતાંયે!

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’


‘ભૂખ ભૂંડી કે ભીખ?’, એવો વિચાર તજીને

પાઠ ભણે ભીખ માગવા તણા, પડખે નિશાળ છતાંયે;

કકળતું તો હૈયું મારું, તેઉને જોતાં, વાલમ, કેવું તો તેઉનું દુઃખ?

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’


હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા,

કહો તો દત્તક લઈએ, નાગીપુગી એ છોરીને,

મારો તો જીવ બળે છે, પણ આપણે તો લીલાલહેર!

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“’હા,અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’,

એય ગાંડી, આજ સવારે ચણ ચણતાં, ચણ્યો શું ઝેરી દાણો?

સાનભાન વણી વાત કરે તું, શું છોરીને મારવી તારે?

‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’


રાંધ્યા વગરનો એ કાચો દાણો, કરાવે બિચારીને ઝાડા,

એ માણસ છે, વ્હાલી, કાચું તો ખાય જો અન્ન,

માવતર પાપે દુઃખી થાતાં,  આપણો ક્યાં વાંક લગાર?

‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“માવતર પાપે? ના સમજાયું, ફોડ પાડીને કરો વાત,

વાંક તેઉનો ને નવસ્તરી ફરે, એ બિચારી છોરીની જાત

પાડાના વાંકે પખાલીને ડામ, એ તો ખોટું સાવ હળાહળ.

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

“ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા,

તેઉની નજરું આગળ, શ્વાનગાડી લાગે ખસી કાજે

તોય, ‘અમે બે, અમારાં બે’ ન જાણે, કેવી નઘરોળ જાત!

‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“આવું સાવ ઊઘાડું કહેતાં, ના’વી આવી શરમ લગારે?

વાલમડા, હું તો લાજી મરું, ભલે તોય આપણે તો નસીબદાર,

આપણને એવો કાનૂન નોં લાગે, ને આપણે પિંજર બા’ર

‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી

‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’

નહિ તો પછી વાંઝિયામેણાં, સરકારી બસ ગાડીઓ તૈયાર!!!

‘અલ્યાં સાંભળ્યું કે, સૌ જન, પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!’”

રીટા જાની

પહેલેથી જ મને પક્ષીઓ સાથે ને પક્ષીઓને મારા સાથે લગાવ રહ્યો છે.  હરીશભાઇએ વિષય આપ્યો ને એક બે જૂની યાદ તાજી થઈ ગઈ. મારી 3વર્ષની દીકરી રુચિને લેવા સ્કુલ રિક્ષા સવારે 7વાગે આવે. શિયાળામાં એને ઉઠવું આકરું લાગે. એને પણ પંખી બહુ ગમે. એટલે હું એને ઉઠાડીને સીધી પંખીડા જોવા લઈ જાઉં ને એ ખુશી ખુશી તૈયાર થઈ જાય.

1990ની વાત છે. આ ઘરમાં જેમ મોર આવે છે એમ એ ઘરમાં કબૂતર બહુ આવે. પણ ગંદકી કરે એટલે હું એને ભગાડું. તો એ એવા સ્માર્ટ થઈ ગયેલા કે બારીમાં આવી બેસે ને મારું ધ્યાન ન હોય ત્યારે ચોર પગલે આખા ડ્રોઈંગ રૂમમાં ઠુમક ઠુમક ચાલીને આખા ઘરમાં પહોંચી જાય. ઉડીને ન જાય એટલે અવાજ ન આવે ને અમને ખબર ન પડે.


ફોટા તેમના ઘર અને આંગણાના 
દીપ્તિ દોશી
અમે કબુતર ને  રોજ અમારી  પોતાની અગાશી માં ચણ નાખીએ  અને  રોજ નાખ્યા પછી મારે ગાવાનુ...મારા વ્હાલા કબુડાઓ આવો ને.પછી ડબ્બા  પર  ધબબ દઇ અવાજ કરુ પછી જ આવે.અમારા બેડરૂમ ને એ લોકો પોતાનો બગીચો તેમ જ   બેડરૂમ માને છે.તેથી અમુક સમયે બારી બંધ કરી દઇએ.
------
શ્રી નિનુ મઝુમદારની રચના...
ગાયક: મન્ના ડે
હો..હો...પંખીઓ કલશોર કર્યો, ભાઇ...
ધરતીને સૂરજ ચુમ્યો...

કૂથલી લઇને સાંજનો સમીર...
આજ વને-વન ઘૂમ્યો, વને -વન ઘૂમ્યો....

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ...
કળીએ કળીએ જાણ્યો...

શરમની મારી ધરણીએ, કાળી રાતનો...
ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો....
.
એ પ્રગટ્યા દીવા કંઈક ચપોચપ...
ઉઘડી ગગનબારી...

નીરખે આભની આતુર આંખો...
દોડી આવી બ્રિજનારી, આવી બ્રિજનારી...

તાળી દઈ કરે ઠેકડી તીડો.....
તમરાં સિસોટી મારે...

જોવા તમાશો આગીયા ચાલ્યા...
બત્તી લઈ દ્વારે દ્વારે

અરે જોવા તમાશો આગીયા ચાલ્યા...
બત્તી લઈ દ્વારે દ્વારે,
એ રાતડીનાં અંધકારની ઓથે...
નીંદરે અંતર ખોલ્યા...

કુંચી લઈ અભિલાષની સોનલ...
હૈયે શમણાં ઢોળ્યા, શમણાં ઢોળ્યા...

હો..હો...પંખીઓ કલશોર કર્યો, ભાઇ....
ધરતીને સૂરજ ચુમ્યો....

કૂથલી લઇને સાંજનો સમીર...
આજ વને-વન ઘૂમ્યો, વને-વન ઘૂમ્યો.......

જયશ્રી પટેલ
       મારી આંખ ખુલેને નાનું પણ ચંચળ પક્ષી એટલે ચકલીબેન ને ચકાભાઈ..મને ઉઠાડે ને હું ખુશ ખુશાલ ઉઠું. બા રોજ શીખવાડે ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ...આવશો કે નહિ..
શિક્ષિકા બહેન શીખવાડે એક હતી ચકલી તે લાવે ચોખાનો દાણો ને ચકાભાઈ દાળનો દાણો ને ખીચડી બને..પણ આ કલ્પનાની દુનિયામાંથી..બહાર આવતા..યુવાની આવી ને કોયલનો મીઠો મધુર અવાજ હૃદયના ખૂણામાંથી એક સ્પનંદન જગાવી ગયો..કોઈકના હોવાની આશા જાગી..ત્યાં તો ચાતકને ચંદ્રમાં તરફ રડતો જોઈ આ સૃષ્ટિની યાદ આવી ગઈ કે દરેક કુદરતી તત્વો કેવા એકબીજા સાથે સંકળાયેલા છે?
મીઠાં કડવા સ્વાદો ને સૂરોથી જોડાયેલા છે.
          ઉડી ઉડી બારીએ કબૂતર કે પોપટ બેસતા ત્યારે જે અનેરો આનંદ આવતો તે તો કંઈક અનેરો જ રહેતો..પણ શહેરોમાં રહેવાથી ચકીબેન જવી સખી ન રહી, ન રહ્યા એ પોપટના જયલીતારામ ધ્વનિના સૂર..ફક્ત મુંબઈમાં તો કાગડા જ કા કા કરી મહેમાન બનતા..પણ જ્યારે મારે ગામડે મે મારા આંગણાંમાં કબૂતર પોપટને ચણતાં જોયા ત્યારે પળનો આહ્લાદાયક અનુભવ મે મારા ફોનના કેમેરામાં વીણી લીધોને આનંદ માણતી રહી..
        કુદરતનો ખરેખર આભાર કર્કશા વચ્ચે પક્ષીઓના સ્વરની મીઠાસ અર્પી છે.



પાર્મી દેસાઈ
વિડિયો -  વીક એન્ડ વાર્તા




No comments:

Post a Comment