Jan 6, 2021

રોજિંદા ઉપયોગમાંથી વિસરાતી જતી ચીજો

 ઉદ્ઘાટક -  હરીશ દવે

આપણે બે દાયકા – ચાર- પાંચ દાયકા પહેલાના આપણા જીવન પર નજર કરીએ. ઘણી બધી ચીજ વસ્તુઓ એવી હતી જે આપણા રોજિંદા ઉપયોગમાં આવતી હતી. આજે તેમાંની કેટલીક કાં તો આપણે વિસરી ગયા છીએ, તેને ભાગ્યેજ તેને યાદ કરીએ છીએ કે ક્યારેક જૂજ વપરાશમાં લઈ રહ્યા છીએ. બે-પાંચ દાયકા પહેલાની આપણને ઉપયોગી ચીજ આજે આપણા દ્વારા ઉપેક્ષિત થઈ રહી છે. 

આવી એક વિસરાતી જતી, ઉપેક્ષિત થતી ચીજ પર આપ ટૂંકું ને ટચ સર્જન કરી શકો? તો ચાલો! સજ્જ થાવ. આજનો વિષય છે: રોજિંદા ઉપયોગમાંથી વિસરાતી જતી ચીજ.

છ દાયકા ઉપરનો સમય વીતી ગયો. મને યાદ આવે છે ‘હાથ પંખો’ . 

એક જમાનામાં હાથપંખો ગૃહવપરાશની મહત્વની ચીજોમાં મોભાદાર સ્થાન ભોગવતો. આમે ય ગુજરાતને કાળઝાળ ગરમીના, બફારાના લાંબા મહિનાઓ વેઠવાનું કોઠે પડેલું છે. હાથપંખા વગર કોઈને ક્યાં ચાલતું? બેઠા હો કે આડે પડખે થયા હો, હાથમાં હાથપંખો ફેરવતા રહો! હા, બંગલાઓમાં ઇલેક્ટ્રિક પંખાઓ આવવા લાગ્યા હતા. પણ શહેર વિસ્તારમાં, પોળોમાં, મેડીવાળા મકાનોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં ઇલિક્ટ્રિક પંખાઓનો વૈભવ ક્યાંથી પોસાય? ત્યાં તો બધે હાથપંખાનું રાજ્ય. બપોરની ઊંઘ સમયે, રાત્રે બેડરૂમમાં અને ડ્રોઇંગ રૂમમાં પણ તેનો દબદબો રહેતો!

પંખાની ગુણવત્તા તેની બનાવટ, કારીગરી અને સુશોભન પર નિર્ભર રહેતી. મોંઘા શણગાર સજેલા હાથપંખાઓ ડ્રોઇંગરૂમની શોભા વધારતા અને તેના માલિકનો મોભો પણ!

અફસોસ! આજે હાથપંખો શહેરી જીવનમાંથી નામશેષ થયો છે.

નીતા ભટ્ટ

ઘંટીનું પડ
એવું ચાલે જાણે  છે
જીવનચક્ર

---

ઉપર નીચે
ડંકી વારાફરતી
સુખ ને દુઃખ

-- 

આગ્રહ' ગયા
મહેમાનગતિ યે
ગોઠણીયાં કયાં?

---

ભારે કપરો
આ તો કોરોના કાળ
છાપાં ય ગયાં.

---

યાદ આવે એ
પથ્થરપાટી પેન
જૂની નિશાળ

==

લખોટીઓનો
એ સંગ્રહ જાણે કે
મારો ખજાનો!

---

તાર લઈને
આવતો એ ટપાલી
ખુશી કે ગમ?

---

ગિલ્લી દંડાથી
રમતાં એ બાળકો
સ્ક્રીને ખોવાયાં

---

પથ્થર ટાંકયો,
સલાટે ટાંકણાથી,
બેલાં નું ઘર

---

મે'તા નું નામું,
ચોપડે લખે કિત્તો
ઘર ઘરેણાં.

---

ઉલેચે હૈયાં
જયારે ભરે છે બેડાં
પનિહારીઓ

---

ચોપાટે રમ્યાં
જે બાજીઓ જીતતાં 
જીવન હાર્યાં.

--

જિંદગીના વિસરાતા વર્ષો સાથે અનેક રોજબરોજની વસ્તુઓ વિસરાઇ ગઈ. ગુગમ મિત્રો એ જણાવ્યા મુજબની કેટલીક વસ્તુઓ ઉપરાંત થોડી અન્ય ચીજો જેવી કે 'ડામોચિયો'- ગાદલા ગોદડાનો ઢગલો, 'શીકું' - લોખંડની પટ્ટી ઓ ક્રોસમાં ગોઠવી બનાવાતી રચના જેને છતની હૂકમાં લટકાવી રખાતું અને ઉંદર બિલાડી થી બચાવવા દૂધ દહીં તેમાં રખાતા. શીકામાં અન્ય શાકભાજી અને ખાસ તો બટાટા અને લસણ ડુંગળી હવાની અવરજવરને કારણે દિવસો સુધી સાચવી શકાતા. રોટલી મૂકવાના 'જાકરિયા'નું સ્થાન આજે 'કેસરોલ'એ લીધું છે.

આપણા નાણાકીય વ્યવહાર માં વપરાતા ૧ પૈસો, ઢબુ પૈસો, આની, પાવલી, આઠ આના, પાંચીયું, દસિયું વિગેરે પણ વિદાય થયા. સ્કુલ ના શરૂઆત ના વર્ષો માં રીસેસ પડતાં જ એ ઢબુ માં થી ચણી બોર કે દાળિયા ની એક ડબ્બી મળતી અને તેનો બાળસહજ આનંદ અદમ્ય હતો. સ્કુલ ની સામે ઝાડ નીચે બેસતાં માજી ના ટોપલાં કે સાડીના ટુકડામાં રાખેલ બોર, આંબલી ના કાતરા, આંબળા કે નાની કાચી કેરીઓ હોંશે હોંશે ખવાતી. કેડબરી કે આઈસ્ક્રીમ થી પણ વિશેષ આનંદ લેવા માં હાથ ધોવાની કે 'સેનેટાઈઝ' કરવાની ઝંઝટ નહોતી.

ઓરડાના અંધકાર ને સ્વીચ દબાવી પ્રકાશિત કરતાં આજના બાળકો ને સાંજ પડતાં ફાનસ પોટા સાફ કરવા, કેરોસીન પૂરી તૈયાર રાખવા અને તેમાં થતાં અભ્યાસ ની કલ્પના પણ થઈ શકે તેમ નથી.

સાંજે રસોઈ માટે કરાતી સગડી, રાત્રે અભ્યાસ સમયે તાપણાં ની ગરજ સારે અને તેમાં શક્કરીયાં, નાની બટેટી, ઝીંઝરા ( લીલા ચણા), ઘઉંનો પોંક શેકાતા અને તપેલામાં મીઠું, અજમો અને પાણી ઉમેરી લીલા તુવેરાની શીંગો બફાતી.

વલોણાથી વલોવાતી છાશ અને મળતું માખણ, ઘંટી, બંબો, સૂપડું, બળદ ગાડાની સફર કે છુક છુક ગાડી માં મુસાફરી સમયે સાથે રખાતો પિત્તળનો, પેચવાળા ઢાંકળનો કૂંજો કે તે મુસાફરી દરમિયાન ધુમાડા અને કોલસી રંગે રંગાતા કપડાં ની યાદ 'વિસરાતી વસ્તુઓ' નો સુંદર વિષય લઈ આવ્યો. 

સાથે જ નવા વર્ષે બદલાતાં  કેલેન્ડરના 'દટ્ટા' ના રોજે રોજ ફડાતા પાનાંની સાથે જિંદગીના આનંદમય વર્ષોની યાદ તાજી કરાવી ગયો. 

શ્રુતિ ભટ્ટ

લખોટી ભાગ
જેવા, જો પાડે ભાગ
કોરટ રદ

----
પાંચીકે રમ્યાં
લડ્યા ઝઘડ્યા, પણ
અંતે ભાઈઓ

નિરંજન મહેતા

મુક્તપંચિકા

ભૂતકાળની
રોજીદી ચીજો
કાળે થઇ છે લુપ્ત
સાંપ્રત પણ
થશે જ લુપ્ત

---

રોજીંદી ચીજો

વિકાસ એ નિરંતર થતી એક પ્રક્રિયા છે જેને કારણે નવી નવી શોધો થાય છે અને તેને લઈને જૂની ચીજો લુપ્ત થતી જાય છે. સદીઓ પહેલા વપરાતી અને ઉપયોગી કેટલીયે વસ્તુઓનાં નામ સુદ્ધા આજની પેઢીને ખબર નહિ હોય. અરે, આપણે ખુદ અગાઉ વાપરેલી વસ્તુઓ ભૂલીને તેને બદલે નવી શોધાયેલી વસ્તુઓનો રોજીંદો ઉપયોગ કરતા થઇ ગયા છે. 

વર્ષો પહેલા ગ્રામ્ય જીવનમાં ઓછી ચીજોની જરૂરિયાત હતી અને ઉપલબ્ધ વસ્તુઓ સીમિત હતી તેથી જે મળતી તેનો ઉપયોગ થતો. પણ સમય જતા જરૂરિયાતો વધતી ગઈ તેમ જ તેને સ્થાને નવી વધુ સરળ અને ઉપયોગી ચીજો શોધાઈ અને તેથી તેનો વપરાશ થવા લાગ્યો. આમ જૂની ગઈ અને નવી આવી એવો ઘાટ થયો. 

સદીઓ પહેલા પણ જે વસ્તુઓ ન હતી તેવી ચીજોનો સમયાંતરે આવિષ્કાર તો થયો પણ તેવી ચીજો પણ હવે બીનઉપયોગી થઇ ગઈ છે. નમુના રૂપે છે ઘંટી, પાટી, ટેલિફોન ડાયરી વગેરે. અરે ઘોડિયું તો ખાલી કહેવા પૂરતું યાદ છે. તો ટેપરેકોર્ડર, સીડી પ્લેયર જેવા આનંદના સાધનો એક ભૂતકાળ બની ગયો છે. 

હાલના સમયમાં જ્યાં જ્યાં નજર નાખશું ત્યાં આવા અનેક દાખલા જોવા મળશે કારણ આજના ઝડપી સમાજને ધીમી ગતિએ કામ કરવું વ્યર્થ લાગે છે. એટલે તો સાયકલની જગ્યાએ ટૂવ્હીલરનો વપરાશ વધી ગયો. હાથઘંટીનું સ્થાન ઇલેક્ટ્રિક ઘંટીએ લીધું. વલોણાનું સ્થન મિક્ષરે લીધું. આવા તો કેટલાય દાખલા આપણી નજર સામે આવશે. 

તો જેમ જેમ નવા નવા આવિષ્કાર થતાં જાય છે તેમ તેમ જૂની ચીજો બાજુ પર ધકેલાઈ જાય છે જેમ કે ટેલિવિઝન આવતા રેડિયો બાજુ પર ધકેલાઈ ગયો. પહેલા ચકરડાવાળા ટેલિફોન હતા જે સમય જતા બટનવાળા આવ્યા અને તે પણ હવે ઓછા વપરાય છે મોબાઈલ ફોનને કારણે. પણ મોબાઈલ ફોનમાં પણ કેટલો બદલાવ. પહેલા સાદો ટચુકડો ફોન હતો તેને સ્થાને હવે સ્માર્ટ ફોને માજા મૂકી છે. અને વાત ત્યાં નથી અટકતી. સ્માર્ટ ફોનમાં પણ રોજેરોજ નવા નવા મોડેલો બજારમાં મુકાયા નથી કે જૂના બદલાઈ જાય છે. આવું જ ઘણી ચીજો માટે કહી શકાય. 

આમ થવાનું કારણ મનુષ્યની જીવનશૈલીમાં બદલાવ અને તેણે અનુરૂપ મળતી કે શોધાતી ચીજો છે જેનો ગઈ સદીમાં વિચાર પણ કોઈએ કર્યો નહીં હોય. 

સુરેશ જાની



આપણા જીવનમાં રહેવાનું ઘર સદા એકનું એક નથી રહેતું . આ જણની જિંદગી ૧૨ જુદા જુદા ઘરોમાં વીતી છે. સૌથી જૂના ઘરમાં રહેવાની રીતમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. માત્ર આ 'સુજા' જ એનો એ છે - અથવા એમ એ માને છે ! તો અમારા એ શૈશવ કાળના ઘરની એક યાદ અસ્થાને નહીં ગણાય ...


૨૦૧૨, ડિસેમ્બર
રણછોડજીની પોળ
સારંગપુર
અમદાવાદ
    મારી બહેનને મેં કહેલું કે, આપણું મૂળ મકાન એક વાર જોવું છે. એણે કહ્યું , “જોઈને શું કરશો? એ તો વેચાઈ ગયે પણ દસ વરસ થયાં. અને પછી એમણે પણ વેચી નાંખ્યું. નવા ખરીદનારાએ આખું પડાવી નવેસરથી બંધાવ્યું છે.” પણ મનનો ભાવ હતો એટલે અમે તો ગયા. સાવ નવું નક્કોર મકાન હતું. પણ પ્રવેશ દ્વાર અમારી પછીતે આવેલા રસ્તા પર બદલેલું હતું. અમારો દરવાજો હતો ત્યાં તો એક બંધ બારી જ હતી. અમે પછીત વાળા રસ્તા પર ગયા. પાછળ વાળા પાડોશીને અમારા મનની વાત કહી. એમણે કહ્યું, ” એ લોકો કોક જ વખત અહીં આવે છે. ઉત્તર પ્રદેશમાં ક્યાંક રહે છે. પણ બાજુના ‘રામભવન’ વાળા પાસે એની ચાવી છે.”

   સદભાગ્યે રામભવનમાં રહેતા સ્વ. સીતારામ શાસ્ત્રીજીનો ભત્રીજો હજી ત્યાં રહેતો હતો. એ અમને ઓળખી ગયો. એના કોઈ સંબંધીએ અમારું એ જૂનું મકાન  ખરીદ્યું હતું. એ ચાવી લઈ આવ્યા અને અમને ખોલીને બતાવ્યું. સરસ હવા ઉજાસ, નવું નક્કોર આધુનિક ફર્નિચર, બીજા માળે સરસ મજાનો ઝરૂખો.

   પણ અમને એમાંનું કશું જ ન દેખાયું . અમને તો દેખાયું …

એના પાયામાં દટાયેલું અમારું શૈશવ
     અમે ભારે હૈયે , જૂની યાદોને વાગોળતાં મારી બહેનના ઘેર પાછા આવ્યા. આખા રસ્તે એ જૂની યાદો મહેંકતી રહી. હવે એ ઘર અમારું નથી રહ્યું એનો તસુભાર પણ ખેદ અમને  ન હતો.  નીચલા મધ્યમ વર્ગના એ પૂણ્યશાળી મહાત્માઓનાં સંતાન,  એવા અમે પાંચે ભાઈ બહેન  બહુ જ સુખી છીએ. દરેકને સરસ મઝાનાં પોતાનાં ઘર છે.

     પણ એ ઘર જેવી યાદો હજી નવા ઘરોમાં ભેગી નથી થઈ. એ બધાં ઘર હજુ  ‘ખાલી’ જ છે. નવી યાદો એના નવા કબાટોમાં ધીમે ધીમે ……  હોલે હોલે ….. હળુ હળુ….. ભરાતી  જાય છે.

રીટા જાની


પરિવર્તન એ જીવનનો નિયમ છે. સમયની સાથે કેટલીય રોજિંદા વપરાશની ચીજો લુપ્ત થઈ જાય છે કે બિન ઉપયોગી થઇ જાય છે. હરીશભાઇએ આ વિષય આપી એ તાજી કરી આપી. મને યાદ આવે છે એ રેડિયો જેમાં લાંબુ નેટના જેવું એરિયલ લગાવતા.  પછી ચાવી વાળી ધડિયાળ, પેજર, વોકમેન, કેસેટ,  રોલ વાળા કેમેરા, મોટા પટારા (અમારા ઘેર લગભગ 6'×5'×3' ના બે પટારા હતા.બહારથી ખૂબ ડેકોરેટિવ હોય.), ટ્રાવેલિંગ માં લઇ જવાતા બિસ્તરા, કાથીના ઝોલામાં મૂકેલો માટીનો કુંજો, રમવા માટે કોડી, મોઈ - દાંડિયા, અનાજ દળવાની ઘંટી ને લાકડાના મોટા થાળાવાળા ઘંટુલા, દૂધ - દહીં મૂકવા માટે પીંજરા, માચી ( પલંગની નાની આવૃત્તિ જેમાં કાથી ભરેલી હોય અને એક વ્યક્તિ બેસી શકે. ) , પાણી ગરમ કરવાનો બંબો......

જયશ્રી પટેલ



ફાનસ..
સૂર્ય ને ચંદ્રને હરાવે.!
ઘરમાં પ્રકાશ ફેલાવે!
ઝીણી વાટે હૈયાને,
નજીક આણે પ્રેમની,
હેલી રેલાવે ને ધીરે,
ચાતકને પણ મલકાવે,
ખાટલે દાદાને પેલી,
ખાટલી પર દાદીને,
વિટળાયેલા સૂદને.।
સરસ વાર્તા સંભળાવે,
મધમ પરકાશે ફાનસ,
બધાના સુખ દુખનું તે,
સાક્ષી બનીને ઝગમગે!
ફાનસ ...!

----
હું સાત વરસની હતી ત્યારે મેનાનાની ને મોઢે સંભળાવી હતી રોજ ફાનસ સાફ કરવાના ને વાટ સરખી કરી પેટાવાના ,ઉત્તર ગુજરાતના ચાણસ્મા ગામમાં ત્યારે લાઈટ પણ ન હોતી.નાની ને મરણ પથારીએ મળવા ગઈ ત્યારે પાછી યાદ કરી ગવડાવી ને એના અક્ષરે ડાયરીમાં લખી રાખી બતાવી. નીચે રાધાબેન મારા પહેલા ધોરણના શિક્ષિકાબેનની સાઈન હતી.
---



બાયોસ્કોપ

      બગીચામાં જવાનું ગમતું કારણ પેલા બાંયોસ્કોપ લઈ મસુરચાચા લઈને આવતાને
તેમાં બે પૈસા આપી ફરતું ચિત્રોનું આવન જાવન જોતા એક રોમાંચ થતો કારણ તેમાંજ જોવા મળતો તાજમહાલ, કુતુંબમીનાર, મુંબઈની ચોપાટી કે ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો જોવા મળતા. ગંગા નદી કે હિમાલયની
મુસાફરી કરવા મળતી. બાપુનો આશ્રમ હોય કે પેલું તિરુપત્તિનું મંદિર વારંવાર જોવા ગમતાં
          આજે તો મોર્ડન બગીચા છે ને ઝૂલા કે રમતો છે ફૂલો છે તો જાત જાતનાં પ્રાણીનાં આકારમાં મહેંદીના ઝાડ છે. જાણે બધું જ કુત્રિમ લાગે છે, પણ બાયોસ્કોપ ક્યાંય વિસરાય ગયું છે. નથી એનાં લહેકા કે નથી તેને લઈ મસુરચાચા ..કેવા કાળા કપડાં નીચે કમરથી વાંકાવળી બે હાથનાં પંજાથી અંદર બે પૈસાથી ભારતની સફર કરી આવતા..આ
વિસરાય ગયેલું સાધન ક્યાં જોવા મળે છે..?
ચાલો આપણે આંખો મીંચી એ બગીચે લટાર મારી આવીએ..બે પૈસાનો જાદુ જુવો રે બેબીબેન આવો એ પણ વિસરાયેલો સ્વર માણી આવીએ.
---

ચીંદરડી 

કેટલા રંગ ભર્યા
રંગોથી ભરી ચીંદરડીઓ...!

કોઈએ ફેંકી ને
કોઈએ સંઘરી ને
આજે હું માંડવે સજી..!

ઢગલામાંથી ચુંટી
સફેદ ગુલાબી 
પીળી કેશરી
ભૂરી લાલ..
શ્વેત દિવાલે સજી...!

માંડવો બની તો
સાંધે 
રંગબેરંગી સંબંધોની
એક કડી...!

ચીંદરડી...!

નૂતન કોઠારી

એ જમાનામાં દરેક ઘરમાં ઢીંચણિયાં રહેતાં. જાતજાતના રંગરૂપ ધરાવતાં એ ઢીંચણિયાં આજે નામશેષ થઈ ગયાં છે. પણ એનું એક વૈજ્ઞાનિક મહત્વ હતું, છે અને રહેશે.
જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ચંદ્રનાડી શરૂ થાય છે.  દૂધપાક, બાસુંદી, લાડુ, વગેરે મિષ્ટાન્ન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચદ્રંનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય. આવું ક્યાંક વાંચ્યું હતું. અમારા ઘરે પરિવારના બધા જ સભ્યોના ઢીંચણિયાં હતાં. નાના બાળકો માટે નાના રહેતાં.મને કરિયાવરમાં પણ બે ઢીંચણિયા આપેલાં!
(એક નજરે જોયેલો પ્રસંગ: ક્યારેક એ ઢીંચણિયું હથિયારનું રૂપ પણ ધારણ કરી લેતું! પુરુષના ગુસ્સામાં હાથવગા હથિયાર તરીકે થતો નજરે નિહાળ્યો છે.)

કાલે જ કબાટ ગોઠવતાં મારાં હાથમાં એક એવા સાધનના બે મૉડેલ મળ્યા જેનું નામ હું ભૂલી ગઈ હતી એનો ઉપયોગ યાદ હતો. એમાં સીમકાર્ડ નાખીને ઈન્ટરનેટ ચાલુ કરી લેપટૉપ, કૉમ્પ્યુટર પર કામ કરી શકાતું હતું. સાવ નજીકના ભૂતકાળનું એ સાધન હતું. મારી દીકરીને પૂછ્યું તો એણે કહ્યું કે એ 'ડોંગલ' છે!
---
સગડી અને ગરમ પાણીનો બંબો પેટાવવાની પેટાવવાની કળા જ કંઈક ઓર હતી! તડતડિયા કોલસા સળગાવવાથી ઉડતા તણખાનો નજારો, ગારથી ઘર લીંપતા હતા એની જગ્યા આજે વિવિધ ટાઈલ્સે લઈ લીધી છે. ગારથી ઓંકળી પાડીને લીંપવાની કળા પણ અનોખી હતી. ઘરમાંથી આવતી એ ગારમાટીની ભીની ભીની સુગંધ, આહા! શિયાળામાં ઠંડી ન લાગે અને ઉનાળામાં ઠંડક આપે. ચટણી વાટવાના કૂંડી-ધોકાનું સ્થાન મિક્સરે લઈ લીધું છે.
--
[ગુજરાતી જોડણીકોશ પ્રમાણે ‘બંબો’ શબ્દ અરબી શબ્દ ‘મંબો’ અને પોર્ટુગીસ શબ્દ ‘પોમ્પો’ પરથી આવ્યો છે. પ્રાચીન ગીઝર બનીને બંબો પોતે ગરમ થઇને પાણી પૂરૂ પાડતો હતો]
----
ઓહહ! કેટકેટલીયે યાદો! આ વિષય તો આખો મહિનો ચાલે ને તો પણ ન ખૂટે. દરેકના સંભારણાંમાં સૌની યાદ સમાયેલી છે. દરેક નામશેષ સ્મૃતિઓ હૃદયને સવિશેષ હલાવી જાય છે. આજના 'ચેટ'ના જમાનામાં આંગડિયામાં આવતા પ્રેમપત્રોની યાદ તાજી થઈ આવી! અરે! ફૉન માટે પણ ટેલિફૉન એક્સચેન્જમાં કૉલ બૂક કરાવવો પડતો. ટ્રંકકૉલ. 'બાપુની ગાડી'માં મુસાફરીનો આનંદ! કામ પતાવીને પાછાં એ જ ગાડીમાં બેસી જવાનું! યાર! 

'ते हि नो दिवसाः गताः।'

રમેશ બાજપાઈ

આજના વિષયથી આપણી ટેકનોલોજી કેટલી ઝડપથી બદલાતી જાય છે અને વસ્તુઓ કેટલી ઝડપ થી લુપ્ત થતી જાય છે એનો ખયાલ આવ્યો. આપણે ચાર-પાંચ દાયકા ની વાત જવા દઈએ અને ફક્ત પાછલા  દસ પંદર વર્ષ ની જ વાત કરીએ તો પણ ખ્યાલ આવશે કે ઘણી બધી વસ્તુઓ આપણી વચ્ચેથી આલોપ થઇ ગઇ છે. 

થોડા દિવસ પહેલા હું મારા ટેબલ  ખાનાની સફાઈ કરી રહ્યો હતો ત્યાં મને કમ્પ્યુટરની પાંચ ઇંચ વાળી ફ્લોપી ડિસ્ક મળી. મેં મારા દોહિત્ર ને બતાવી ને પૂછ્યું કે 'કહે આ શું છે?'  એને તત્કાલ ખ્યાલ ના આવ્યો. પછી મેં પીસી પર વિન્ડો ના મેનુ માં 'SAVE' નો આઇકન બતાવ્યું અને કહ્યું કે 'જો આ આઇકન જેવું નથી લાગતું ?' તો એણે તરત કહ્યું, ' હા નાના બનાવનારે આઇકન ની તદ્દન કોપી કરી છે' . મને હસવું આવ્યું . આઇકન બનાવનારે ફ્લોપી ની કોપી કરી પણ ફ્લોપી જ  હવે અદ્રશ્ય થઇ ગઇ છે. છેલ્લા દસ પંદર વરસ નો જ વિચાર કરીએ તો કંઈ કેટલી વસ્તુઓ આપણી  વચ્ચે થી ગાયબ થઇ ગઈ છે. ચકરડા વાળા ટેલીફોન, પીસીઓ ના બૂથ, પિકનિક કે પ્રસંગો પર સાચવી ને લઈ જવાતો કૅમેરા, બહાર નીકળતાં ગજવા મા યાદ કરી ને રખાતી ટેલીફોન ની પોકેટ ડાયરી, પરિજનોને લખાતા પત્રો, મસ મોટી મ્યુઝિક સિસ્ટમ: આ અને આવું ઘણું બધું જે પંદર વિસ વર્ષ પહેલા રોજિંદા જીવન નો ભાગ હતો - આજે ભૂલાઈ ગયું છે અને ભૂલાતું જાય છે. દસ વર્ષ પહેલા ડઝનેક બ્લોગ હતા જે હું પીસી પર બેસતાં જ ચેક કરતો હતો અને આજે જોઉં છું તો છેલ્લા ત્રણ ચાર વર્ષ માં એમાં કોઈ એન્ટ્રી જ નથી. 

આવતા પાંચ દસ વર્ષ નો વિચાર કરું છું તો મને લાગે છે કે વાંચવાના પુસ્તકો,  ફોલ્ડ કરવા વાળા નકસાઓ, ડીવીડી અને વીસીડી, લગ્ન જેવા પ્રસંગોએ ભેગા થતા દૂર દૂર ના સબંધીઓ, વડીલો પાસે વાર્તા સાંભળતા ભૂલકાઓ, પાડોશીઓ સાથે નો વાટકી વ્યવહાર અને એવું ઘણું બધું નામશેષ થઇ ગયું હશે.
--
છેલ્લા પંદર વીસ વરસ થી લુપ્ત થવા માંડેલી અને  પાંચ સાત વરસ માં નામશેષ થઇ જનારી એક બીજી ખૂબ અગત્ય ની જણસ છે તમારા ઘર થી એક કિલોમીટર કરતા ઓછા અંતરે આવેલો જનરલ પ્રેક્ટિશનર જે ખૂબ આત્મીયતા થી ફેમિલી ડોક્ટર કહેવાય છે અને જેની પાસે ફુનસી થી અલ્સર સુધીની તમારી બધી સમસ્યાઓ નો ઈલાજ છે.
--
દસ પંદર વરસ પહેલાં અનિવાર્ય ગણાતી અને હાલના વરસો માં જ ગાયબ થઈ રહેલી વસ્તુઓ માં એક છે ઘડિયાળ. બેડરૂમ ની એલાર્મ ક્લોક તો હવે લગભગ ગાયબ થઈ ગઈ છે અને થોડા વરસો માં કાંડા ઘડિયાળ પણ નામશેષ થઈ જવા ની.
---
વિસરાયેલી વસ્તુઓ પર થી યાદ આવ્યું : આપણાં ગ્રુપ માં થી ખરવસ  કે બળી નામે ઓળખાતી  એક વિશિષ્ટ દૂધ ની વાનગી કેટલાયે ખાધી છે અને જેને પણ ખાધી છે એને છેલ્લે ક્યારે ખાધી છે ?

પાર્મી દેસાઈ

વર્ષો પહેલા ખાધેલી. ક્યારેક(જ) અહીં લારીમાં વેચાતી જોવા મળતી હોય છે.

અંજના શુકલ

હાયકુ

પોતા મસોતા
ભુલાયા રસોડામાં
ઘરે બધા જ!

---

રીત રિવાજ
થવા માંડયા એ પણ
વિજ સંગાથે!

---

ભુલાઈ ગયા
પાંચીકા રમતા’તા
નવી રમતે!

---

ફોન કરો જ
રજા દિવસે મંડો
લાગે ના તોયે!

---

બગાડો રજા
સગાને સાંભળવા
મળે નિરાશા!

---

કિત્તો હતો એ
લખે સંદેશ બધા
હવે પેને જ.

---

મગજે ગણી,
થતી ગણતરી જ
ગઈ ભુલાઈ !

----

કેમ ભૂલો છો?
લોટો લઈને જવું!
દિનચર્યા જ!

મુકતપંચિકા 

ખટ ખટ જ
કાન સાંભળે,
જઈ જુએ વણાતી
દેખી બનતી
સેતરંજી જ.

----

વણકર તો
વણતો હાથે
કાપડ સેતરંજી!
માંડયા બનવા
।મશીનથી જ.

|--

મળતા છાપા
વાંચીને ફરી,
રખાતા સાચવીને,
આપી પસ્તીમાં,
મળતા પૈસા!

----

દળતી માતા
ઘર ઘંટીથી,
તાજો બનાવી લોટ
ખવડાવતી,
હાંડવો તાજો!

----

ઘંટી ગઈ જ
માં પણ ગઈ,
મળતો થયો જ
લોટ તૈયાર
મસાલા સાથે!

----

મોસમ ઠંડી,
ગરમી કરી
શેરડીના કૂચાથી,
તાપણું કર્યું
બેસી ફરતે.

----

વહેરની જ
સગડી ભરી,
સળગાવી સવારે
પાણી ગરમ
નહાવાને જ.

----

રાંધ્યું ઘરમાં
સગડી પર,
ફૂંક મારી મારીને
ધુમાડો ખાઈ
રાંધ્યું ખાવાને!

----

મઝા જ હતી
ચઢવા ઝાડે,
બોર તોડતા ચઢી
પરવા’ નહીં
કાંટાની પણ!

---

વીજળી નહીં
વર્ષો સુધીયે,
ભણ્યા જ ફાનસથી,
વિચારે કેમ?
વિજળી વિના!

એકાવનક્ષરી 

૧.

યુગ આવ્યો નવિન
દોડ્યા બધા નવિનતા દેખી,
કોમ્યુનિકેશન જ
ચાલવા માંડ્યું મશીનથી જ.
ગણતરી ભૂલાઈ,
થતી મગજથી જે શિખેલી!

૨.

ગયા પંખા બધે જ
ગરીબ હજી વાપરે પંખા.
ટેવાય ગરમીથી,
વાપરી રહે હાથ પંખા જ.
સપનાં સેવી રહે
વિજળીથી ચલતા પંખાના!

૩.

ભૂલાઈ રહી છે જ,
આત્મિયતા ન જોવા મળતી.
ગુંથાઈ ગયા બધા,
દોડાદોડીમાં જીવનની જ.
સંતોષે વોટ્સએપ
ફોન કે માત્ર ઈમેઈલથી!

૪.

છાણથી બનાવતા,
રમકડા જ હોળીકા માટે.
 કાંણા પાડી સુકવી,
હાર પહેરાવવા આનંદે .
હાર ચઢે હોળીએ,
ખૂશ થતા હોળિકા દહને!

વલીભાઈ મુસા

રોજિંદા ઉપયોગમાંથી વિસરાતી જતી ચીજ હેઠળ ચીજ નહિ, પણ પ્રથા  એટલે કે 'સંયુક્ત કુટુંબપ્રથા વિસરાતી જાય છે' વિષયે મારો વેબજગતમાં પદાર્પણ વખતનો પહેલો લેખ અહીં પ્રસ્તુત કરું છું. 

* મુક્ત ઘર *

મેં વિચારી કાઢેલો એક વિચાર અહીં શબ્દોમાં વ્યક્ત કરું છું, એ લોકો માટે કે, જેઓ તેમાંથી કોઈક ફાયદો ઊઠાવવા ઉત્સુક હોય; નહિ તો પેલી વાત જેવું પુરવાર થાય કે, જો દાન અને સલાહ પ્રાપ્ત કરવાપાત્ર તેનો અસ્વીકાર કરે તો દાતા કે આપનાર પાસે જ તે રહી જાય છે, જેમાં તેને કંઈ ગુમાવવું પડતું નથી હોતું, પણ એ જતાં કરનારને જ મોટું નુકસાન થતું હોય છેઃ

“સંયુક્ત પરિવારના ફાયદાઓ ઘણા જ છે, પણ કેટલાકનું તો વધારે મહત્વ હોય છે. જો આ ફાયદાઓનો કોઈ લાભ ઊઠાવવા ન માગે તો તે પેલા ગ્રીક દંતકથાના રાજા ટેન્ટેલસ (Tantalus) જેવો છે કે જેને કોઈક ઘૃણાસ્પદ વર્તણુંકના ફલસ્વરૂપે શાપિત હોવાના કારણે શાશ્વતકાલીન ભૂખ અને તરસની વેદના વેઠવી પડતી હોય છે. તેને ઝાડની ડાળીએ એવી રીતે લટકાવી રાખવામાં આવે છે કે તેના પગ ઊંચે હોય અને માથું નીચે હોય! આમ તેને સતત એવી શિક્ષા કરવામાં આવતી હતી કે તે પાણી અને ખોરાક (ફળ) માટે અહર્નિશ ઝંખ્યા કરે! તેને એવી રીતે ઊંધો લટકાવી રાખવામાં આવતો હતો કે પાણી અને ફળ તેના મોઢાને સ્પર્શતાં હોવા છતાં પણ ગેલનો જેટલું વિપુલ પાણી અને ફળોનો મોટો ઢગલો હોવા છતાં તે એક ટીપુંય પાણી ન પી શકે કે એકાદ ફળ પણ ન આરોગી શકે; અને આમ તે જાણે કે બલબળતા રણમાં હોય એવી દયનીય સ્થિતિમાં તેને રહેવું પડતું હોય છે..        

આ ફાયદાઓ નીચે પ્રમાણે છેઃ

(૧) કુટુંબના સભ્યોએ આપસમાં સુખ વહેંચવું.

(૨) દુઃખના પ્રસંગે રાહત પ્રાપ્ત થવી.

(૩) બાળકોનો સહિષ્ણુતા અને સમર્પણની ભાવનાઓના સુયોગ્ય વિકાસ સાથે ઉછેર થવો.

નિષ્કર્ષ એ કે આવું કુટુંબ ‘મુક્ત ઘર’માં વસતું હોવું જોઈએ, નહિ કે ‘ભૌતિક ઘર’માં કે જે દિવાલોનું બનેલું હોય છે અને તેમાં વસવાટ કરનારા સભ્યોને હોટલ કે હોસ્ટેલ જેવી સુવિધાઓ મળતી હોય છે. પરંતુ સાચું ‘મુક્ત ઘર’ તો એને જ કહેવાય કે કે જ્યાં આકાશની પેલે પારનું સ્વર્ગ પોતે જ ત્યાં નીચે આવી જતું હોય છે.

(લખ્યા તા.૦૪-૧૧-૧૯૯૭ : મધ્ય રાત્રિ)

નોંધઃ- બ્લોગજગતમાં પ્રવેશનું મારું પહેલું પદાર્પણ જે ‘A Free Home” શીર્ષક હેઠળ અંગ્રેજીમાં તા.૦૫-૦૫-૨૦૦૭ના રોજ થએલ તેનો અનુવાદ આજરોજ ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે રજૂ હું કરતાં અત્યંત આનંદ અનુભવું છું.


No comments:

Post a Comment