Jan 12, 2021

પતંગ અને પેચબાજી.

 ઉદ્ઘાટક -  હરીશ દવે

પતંગ અને પેચબાજી જોઈને આપણે જીવન વિશે કાંઈક  વિચારી શકીએ? તો ચાલો! પ્રયત્ન કરીએ. આજનો સરળ વિષય છે: પતંગ અને પેચબાજી.

--

દુનિયાના ઘણા દેશોમાં પતંગની બોલબાલા છે. વિવિધ સ્વરૂપે પતંગ અને પતંગ ચગાવવાની કળા લોકપ્રિય બની છે. પણ ગુજરાતમાં પતંગની પેચબાજીનો જે જુસ્સો છે તેની આગળ અન્ય પ્રદેશો ઝાંખા પડે છે. પતંગનો આકાશમાં વિહાર અને તેની પેચબાજી સાહિત્યસર્જકોના માનીતા વિષયો બને છે! કદાચ તેથી જ આપણે જાણ્યે અજાણ્યે જીવનની ઘટમાળ સાથે પતંગના સંબંધ જોડતા રહ્યા છીએ.

હવા પર સવાર થતા પતંગમાં કોઈકને સફળ વ્યક્તિ દેખાય છે, છાશ ખાઈને નીચે આવતા પતંગમાં નિષ્ફળ વ્યક્તિની ઝાંખી થાય છે. કોઈકને પતંગ અને દોરાના સંબંધમાં પતિની સાથે બંધાયેલી પતિવ્રતા સ્ત્રી દેખાય છે. કોઈકને પતંગની ચડ ઉતરમાં જીવનની ચડતીપડતી દેખાય છે. જે કાંઈ માનો તે- એક વાત તો સ્પષ્ટ છે કે જીવન યાત્રા પતંગના ગગન વિહાર જેવી જ અનિશ્ચિતતાઓથી ભરેલ છે. પતંગ ક્યારે ઉપર ચઢે, ક્યારે ગોથું ખાય તે નિશ્ચિત કહી શકાતું નથી. જીવનમાં વ્યક્તિ ક્યારે શિખરે પહોંચશે કે ક્યારે તળિયે પછડાશે તે કહી શકાય છે?

આકાશમાં એક પતંગ ઉપર ઊઠ્યો નથી ત્યાં આસપાસના પાંચ પતંગ તેને હટાવવા કટિબદ્ધ થશે. જીવનમાં પ્રગતિ પામતા માનવીને અવરોધવા દસ બીજા ઊભા થતાં આપે જોયા હશે. આભને ઝરોખે પહોંચેલા પતંગ સાથે અન્યની પેચબાજી સ્પર્ધાત્મક પણ હોય, કે દ્વેષભાવપીડિત પણ હોય. આમ જ જીવનમાં ય બને છે ને! એકની સફળતાનો દોર કાપવા અન્ય પેચ લડાવવા એવા તો તત્પર હોય છે! પેચ લાગી જાય અને પેચબાજીમાં ક્યારે કોનો પતંગ કપાઈ જાય કોને ખબર! જીવનમાં ઊંચે ઊભરતા માનવીને પ્રતિસ્પર્ધીઓ આમ જ પછાડી દેતા હોય છે!

પતંગ ચગાવવાની અને તેની પેચબાજીની મઝા તેની પડકારરૂપ અનિશ્ચિતતાઓમાં છે. જીવન માટે પણ આવું જ કાંઈક કહી શકાય ને!

સુરેશ જાની

નવું તો લખાય તો અને ત્યારે પણ ૨૦૦૭ , જાન્યુઆરીમાં લખેલ કવિતડું -

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં,
નહીં દોર તો વહે લ્હેરમાં
ગીન્નાયો તો વજન માંગતો,
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં,
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલે પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?
---
ભગવદ્ગોમંડળ પર - પતંગ 


ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
1 [ સં. ] पुं.
આંકડો.

2 पुं.
( જૈન ) એ નામની એક જાતના વાણવ્યંતર દેવ.

3 पुं.
એક જાતની ડાંગર.

4 पुं.
એક જાતનો કાચો રંગ.

5 पुं.
ચિનગારી; દેવતાનો અંગારો.

6 पुं.
તીડ; તીતીઘોડો.

7 पुं.
દડો.

8 पुं.
પક્ષી.

ઉપયોગ 
9 पुं.
પાણીમાં થતો એક જાતનો મહૂડો.

10 पुं.
પારો.

11 पुं.
( પુરાણ ) લક્ષદ્વિપ માંહેના એક જાતના લોક. તેઓ હજાર વર્ષની આયુષ્યવાળા મનાય છે.

12 पुं.
ફૂંદુ; પરવાના; પતંગિયું; ચોમાસામાં થતું રંગબેરંગી નાજુક અને મોટી પાંખનું જીવડું.

13 [ સં. પત્રંગ ] पुं.
મધ્ય હિંદ અને કટક પ્રાંતમાં થતું એક જાતનું પીળું અને સુગંધીદાર ઝાડ. તેના લાકડાંનો રંગ લાલ હોય છે. તે...   Read More

14 पुं.
( પુરાણ ) મેરુકર્ણિકા પર્વતમાંનો એ નામનો એક પર્વત.

15 पुं.
સૂર્ય.

ઉપયોગ 
16 पुं.
હરકોઈ પાંખવાળો કીડો; ઊડતો કીડો.

17 पुं.
હવામાં ઊંચો ચડે એવા પાતળા કાગળની એક બનાવટ; કમાનદાર અને ઊભી એવી બે વાંસની સળી ચોડી ઊંચે ઊડાડવાની કરેલી કૃતિ; કનકવો; પડાઈ. તે ચોરસ કાગળની અથવા કોઈ કોઈ વાર બારીક કાપડ મઢીને બનાવવામાં આવે છે. તેની બે સળીમાંની સીધી સળીને ઢઢ્ઢો અને કમાનદાર સળીને કમાન કે કાંપ કહે છે. ઢઢ્ઢાના નીચલા છેડોને પુછલ્લો અને બીજાને મુઢ્ઢા કહે છે અને ત્યાં ત્રિકોણાકાર કાગળ ચોડવામાં આવે છે. કમાનના બે છેડાને કુબ્બા કહે છે. દેખાવમાં પતંગની ચારે બાજુની લંબાઈ સરખી હોય છે, પણ મુઢ્ઢા અને કુબ્બાનું અંતર કુબ્બા અને પુછલ્લાના અંતરથી વધારે હોય છે. બહુ મોટા પતંગને તુક્કલ કહે છે. બનાવટની ખામી , જોરદાર હવા વગેરે કારણથી પતંગ હવામાં ગોથ ખાય છે. તે અટકાવવા પુછલ્લાને લૂગડાની લાંબી લીર એટલે પૂછડું બાંધવામાં આવે છે. ભારતવર્ષમાં માત્ર મનોરંજન ખાતર પતંગ ઉડાડવામાં આવે છે, પણ પાશ્ચાત્ય દેશોમાં તેનો કેટલોક વ્યવહારિક ઉપયોગ કરવામાં આવે છે.  Read Less

રૂઢિપ્રયોગ 
18 न.
એક જાતનું ઘાસ.

19 न.
નૌકા; નાવ.

20 न.
રક્તસાર; એક જાતનું ચંદન.

21 न.
શરીર.

22 पुं.
( પુરાણ ) સ્વયંભૂ મન્તંવર માંહેના મરીચિ ઋષિના છ માંહેનો એ નામનો ચોથો પુત્ર

નિરંજન મહેતા

મુક્ત પંચિકા

પતંગ સમ
જીવનયાત્રા
થાય જો પેતબાજી
ના કરો ઢીલ
મુકશો ઢીલ
---
ઉતરાણ આવે અને પતંગની યાદ તાજી થાય. લોકો અગાશીમાં જઈ પતંગને ચઢાવે અને આજુબાજુના ઉડતી પતંગોને પેચ મારી કાપવાનો આનંદ લે. વરસનો આ દિવસ નાના મોટા સૌ માટે આનંદમય બની જાય છે. પતંગ ચગાવવા સાથે સાથે નાસ્તાની જયાફત થાય અને સંગીતની મહેફિલ પણ જામેં. તો રાત પડે ત્યારે પતંગની દોર સાથે ફાનસ, જે તુક્કલ તરીકે ઓળખાય છે, તે ચગાવવાનો લહાવો પણ લેવા જેવો હોય છે. અંધારામાં તમારા ફાનસને દૂર સુધી ઉપર જતા જોઈ એક આનંદની લાગણી અનુભવો છો. સાથે જો બાળકો પણ હોય તો તે આ આનંદમા સામેલ થાય છે. 
પણ પતંગની આ મજા સાથે પેચબાજી પણ સામેલ છે. સામાવાળાનો પતંગ કાપવા તનતોડ મહેનત કરાય છે અને જ્યારે તેમાં સફળતા મળે છે ત્યારે હર્ષોલ્લાસની ચિચિયારીથી વાતાવરણ છવાઈ જાય છે. આ માટે યોગ્ય માંજો અને કૌશલ્યની જરૂર હોય છે. વર્ષોથી આ લડાઈ લડનારા પોતાને મહાન યોદ્ધા માને છે અને જ્યારે તેમનો પતંગ પેચબાજીમાં કપાય છે ત્યારે તેમની હાલત જોવા જેવી હોય છે. 
પતંગ ચગાવવાની મજા મરી જાય જો યોગ્ય પવન ન હોય. તેવી રીતે યોગ્ય માંજો અને ફીરકી પકડી સાથ આપે તેવી યોગ્ય વ્યક્તિ ન હોય તો પણ નિરાશા જ સાંપડે છે. 
જીવનમાં ઉત્સવોનું અનેરૂં મહત્વ હોય છે કારણ તે આપણી રોજીંદી જિંદગીને એક બદલાવ આપે છે. ઉતરાણ પણ તેમાનો એક ઉત્સવ છે.
પણ દરેકની બીજી બાજુ હોય છે તેમ આપણે પતંગને પણ જુદા દ્રષ્ટિકોણથી જોઈએ તો તે એક મહત્વનો સંદેશ આપે છે. જેમ પતંગનું ઉપર જવું યોગ્ય દોરી સાથે સંકળાયું હોય છે તેમ આપણા જીવનમાં પણ યોગ્ય દોરીસંચાર કરનાર ન હોય તો આપણું જીવન પણ હાલકડોલક થવા લાગે છે. જેમ યોગ્ય પવન ન હોય અને પતંગ ઉપર જઈ ન શકે તેમ આપણા જીવનમાં પણ સાનુકુળ વાતાવરણ ન હોય તો આપણું જીવન પણ પ્રગતિ કરતા અટકી જાય છે. 
પતંગ માટે યોગ્ય કન્ના હોવી અને ફીરકી પકડવા યોગ્ય વ્યક્તિ હોવી જરૂરી છે નહિ તો તેને લુડકતા વાર નથી લાગતી. તે રીતે આપણને યોગ્ય વ્યક્તિઓનો સધિયારો ન મળે તો આપણા જીવનમાં પણ તેવો જ અનુભવ કરશું. 
દરેકે જીવનમાં અનેક પેચબાજીઓનો સામનો કરવો પડે છે. જે વખતે પેચબાજીમાં ઢીલ મુકવી જરૂરી હોય તેમ લાગે અને ત્યારે તેમ કરાય તો તે વ્યક્તિ પેચબાજીમાં સફળ રહેશે. આ મંત્ર પચાવનાર ભલભલી પેચબાજીઓનો સામનો કરી શકશે. 
આમ પતંગ અને જીવનનું સામ્ય સમજશો તો તે તમારા જ ફાયદામાં રહેશે.

અંજના શુકલ

આવી રહી મકરસંક્રાંતિ , લાવતી આનંદ પતંગ ઉડાવવાને
તૈયારી થઈ બધી ,પતંગ લાવ્યા ,દોરી લાવ્યા આવ્યા સૌ સંગાથે

છાપરે, ધાબે ચઢયા સહુએ ,એ રંગબેરંગી પતંગ ચગાવવાને
તલપાપડીની કરતા ઉજાણી,  નાસ્તા પાણી રાખી સંગે સહુએ 

મઝા માણે સહુએ એ પતંગની, લગાવી  પેચબાજી એ
સાદ આપે સહુએ જોરજોરથી, જો કપાયો પતંગ કોઈથી એ

રંગબેરંગી ચટાપટા ને વિધ વિધ આકારે ઊડે, હવામાં દોરી સાથે
ગાંઠે નહીં કોઈને એતો ઠણકા કરાવે જબ્બર સહુને  જવા ઉપર આકાશે,

પીછે હઠ કરે નહીં એ તો મળવું છે ઊંચે જઈ આભને એને
બીજો આવ્યો ધમધમાધમ કરતો ચગ્યો હરીફાઈ કરતો એની સંગે

પહેલ કરવા મંડયો એતો જોર કરાવે દોર આપનારને બહુએ
ત્યાં તો લાગી ગઈ પેચબાજી, હરાવવાને એકબીજાની સંગે

અચાનક તૂટી દોર બીજાની ,ભમવા લાગ્યો અહીં તહીં ગગને એ
ડોલતો ચાલ્યો પવન સંગે,  નહીં પરવાહ હારવાની એને જરીએ

લાગે જીવન જાણે પતંગ જેવું, ઊડતા રહીએ ઈશના સહારે
એ દોરે તેમ જીવન જીવીએ તદ્દન એના આધારે જગતે

કોઈને મળશે દોર સફળતાની તો કોઈ તૂટી પડે અધૂરે પંથે
ગતિમાં ખાઈ ઝોલા ડગમગતું જીવન પસારે અહીં તહીં જઈ ને.

હાઈકુ

પતંગ દોર
કરી દીધી પાકી જ
ન તૂટવાને !

જાય પતંગ
દૂર આકાશે ઊંચે
થાય આનંદ 

પતંગ ઊડે
રંગબેરંગી લાગે
મનોરમ્ય જ

પેચબાજી જલાગે જ પતંગની 
તૂટે કે ઊડે,

પેચબાજીમાં
આનંદ જ સહુને
કાપી પતંગ

અનલ ભટ્ટ

પતંગ દોરી,
નભ સમરાંગણ,
પેચ અનેરા.

દોરી હાથમાં,
નર્તન આકાશમાં,
પતંગ પેચ.

ચગ્યો ને નમ્યો,
પૂંછડીએ સંભાળ્યો,
નભ ને પામ્યો.

સૂરજ ગતિ,
ઉત્તરાયણે ફરી,
કર્ક વૃત્ત પ્રતિ.

વર્ષ બેસતાં, 
ઉત્તરાયણ શરૂ, 
ચૌદ તારીખે.

રમેશ બાજપાઈ

છે આ દુનિયા પતંગ, નિત બદલે આ રંગ 
કોઈ જાણે ના ચગાવનાર કોણ છે 

બધા પોતાની ચગાવે  કોઈ જાણી નવ પાવે 
ક્યારે કોની ચઢે ને કોની કટ થઇ જાય 
એ છે કોને ખબર ક્યારે બદલે પવન 
અને દોર અહીં થી તહીં  હટી જાય 
એ છે દોર કે કમાન કે જમીન આસમાન 
કોઈ જાણે ના ચગાવનાર કોણ છે

મૂળ ગીત

यह दुनिया पतंग नित बदले यह रंग
कोई जाने न उड़ाने वाला कौन है

सब अपनी उड़ाएं ये जान न पाएं
कब किसकी चढ़े किसकी कट जाए 
है ये किसको पता कब बदले हवा
और डोर इधर से उधर हट जाए
हो वो डोर या कमान या ज़मीन-आसमान
कोई जाने न बनाने वाला कौन है
ये दुनिया पतंग …

શ્રુતિ ભટ્ટ

માનવ મન
અન્યનો કપાતાં જ
કરે આનંદ

   ઉપર નીચે
પતંગ જેવા સહુ
   સુખ ને દુઃખ

    નાનો પતંગ
લઈ મોટાં સપનાં
    ઊંચે આકાશે

   લાવે પતંગ
ઉત્સાહ ને ઉમંગ
    જોશસભર

તલ સાંકળી
 પતંગ લઈ આવે
બોર શેરડી

   મમરા લાડુ
સીંગ તલ ની ચીક્કી
   ઉત્તરાયણ


    પતંગ સાથે
ઉંધીયું ને જલેબી
   અતિ આનંદ! 

   બીજાની ડોરે
નાંખીને લંગશિયા
   વિઘ્નસંતોષ

    પતંગ આપે
સ્થિરતાનો સંદેશ
    થઈ વિજેતા! 

   પેચમાં નહિ
સહિયારા ઉડને
   ખરો આનંદ! 

   રાત્રિ આકાશે
ચડે તુક્કલ, જાણે
   આશા દીપક! 

જયશ્રી પટેલ

પતંગ એટલે રંગબેરંગી કાગળની સુંદર ચોરસ આકારમાં શળીને ધનુષ આકારમાં વાળી ચોંટાડેલી અદ્ભૂત કળા..જે જુદા જુદા નામથી પણઓળખાય..કનકવો,ચંગ,ઢબૂડી, દુગ્ગલ. રામચરિત માનસમાં ઉલ્લેખ છે કે બાળ રામ ભાઈઓ સાથે ચંગ ઉડાડે છે.તો તે સમયે પણ પતંગની એ ઉત્સાહિત અનોખી ભાત પ્રચલિત તો હતી જ.
          ઉત્સાહિત બાળકો રાત્રભર કન્ના બાંધવામાં કાઢે છે. પતંગને બંધાયેલી કન્ના કે કન્યા જો સીધી બંધાય તો નભના બધાં પતંગોની સામે જંગ જીતી જાય..જેમ માનવીના જીવનમાં કન્યા આવે ને તે તેના સંસ્કારથી તેના જીવનની જંગ જીતી જાય.પતંગને મોટો સાથ તેની દોરી આપતી હોય છે..તેને કેટલાય દિવસ સુધી કાચના ભૂક્કા અને રંગબેરંગી રંગ ચડાવામાં આવે છે. 
     જે ધાબાનો ઉપયોગ બાર મહિનામાં નથી કરતાં તેનો ઉપયોગ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાણને દિવસે થાય છે.લાઉડસ્પિકર અને નાસ્તા પાણીની મિજબાની થાય છે..મસ્ત ચીકીઓની મજા લૂંટાઈ છે..ગુપ્ત દાનમાં મળતા એક આનો, પાંચ પૈસા કે પચ્ચીસ પૈસા કે પચાસ પૈસા વહાલા લાગે છે.
          આજ કાલ તો રાત્રે કેક પણ કપાય છે. હેપ્પી ઉતરાણની.
        ર્સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. તે દિવસે બ્રાહ્મણ દાન ને કાળા તલના દાનનો મહિમાં હોય છે.

પતંગ લાલ લીલો પીળો
નભે છાયો તેનો મેળો.. પતંગ

દોરી સંગ બંધાય તે કરે ઝમેલો,
દોસ્તી તેની હવા સંગ કરે હલ્લો...પતંગ

ચારે કોર હલ્લા ગુલ્લા ને મેળો,
કાપ્યો છે નો નાદ ગગને ગુંજે લોલ..પતંગ 

દોરી બને બીજે દિવસે લંગર ઘોલ
ઝાડે,વાયરે,રસ્તે દોરીનો ગૂંચનો ગચ્ચો.પતંગ

ઘાયલ પંખી લાચાર ને તરફડે ત્યાં
આનંદ કેવો મેલો,સુરક્ષા કરો પહેલા..પતંગ

કનકવો, દુગ્ગલ,ઢબૂડી ને ચંગ કહો,
પતંગ ઉત્સવ છે અનેરો..અનેરો..પતંગ.

         મે કદીય પતંગ ચગાવ્યો નથી, પણ એવા પ્રેમી મે જોયા છે કે આંગળા કપાયને અઠવાડિયા સુધી સિસકારા બોલાવીને જમે. છાપરાની ધાર પરથી પડેને ડોક્ટરના ઘર ગણે..    ભારત ખેતી પ્રધાન દેશ તેથી લણણી પણ તે દિવસથી શરું થાય.આમ ઉતરાણ એ ઉત્સાહ વર્ધક ઉત્સવ છે

રીટા જાની



ફોટો : પતંગ મહોત્સવ, 2018




No comments:

Post a Comment