ઉદ ઘાટક - સુરેશ જાની
રમત / બાળક
'સુજા' ના મત મુજબ 'ગુગમિયત' નો એક અર્થ 'બાળરમત ' છે. ૮ મહિનાની વય હોય કે, ૯૦ વર્ષની - દરેકની અંદર એક બાળક હાજર હોય છે. એને રમવું હોય છે, એને કુતૂહલ હોય છે, એને ઘણું બધું જાણવું હોય છે. એને અવનવું બાળસુલભ સર્જન કરવાના ઓરતા હોય છે. જીવન સંગ્રામમાં ઝઝૂમતાં આપણી અંદરનું એ બાળક દબાઈને સૂઈ ગયું હોય છે. એ બાળકને ફરીથી રમતું કરવામાં ગુગમિયત છે,
તો ચાલો મિત્રો , 'બાળક / રમત ' વિશે લખવા માંડો - ગદ્ય , પદ્ય, નાટિકા, અથવા તમે જે કોઈ રમત તાજેતરમાં રમ્યા હો - તેનો ફોટો સૌની સાથે વહેંચો.
લો.... શરૂઆત કરું
આજે મેં બનાવેલી એક માળાથી ( અહીં નાની છોકરીઓ મેગ્નેટિક મણકા વાપરીને બનાવે છે - મારું એ પણ એક રમકડું છે ! તમે ભમરડો ફેરવી શકો છો - કૂકા રમી શકો છો !
અને...
સુડોકુ મારી પ્રિય રમત છે - રોજ ત્રણથી ચાર સુડોકુ છેલ્લા ૧૫ વર્ષની રમવાનો રિયાઝ છે. એની પર એક અવલોકન બાર વર્ષ પહેલાં લખ્યું હતું - પણ એ મારાં મનપસંદ લખાણોમાંનું એક છે.
સૌને એ ગમશે એવી આશા સેવીને અહીં રજુ કરું છુ -
સુડોકુ - એક અવલોકન
સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી.
નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ મૂડી છે. એ તમારા જીવનની : અરે! ભુલ્યો , રમતની સ્ક્રિપ્ટ છે - જાણે કે જન્મકુંડળીના નવ ગ્રહોથી રચાતું એક નાટક. તમારે બાકીના ખાનાં શોધી કાઢવાનાં છે. શરત એ કે દરેક હાર, સ્થંભ કે ખોખામાં નવે નવ આંકડા આવી જવા જોઈએ. કોઈ આંકડો બેવડાવો ન જોઈએ. જેમ જીવનનો દરેક અનુભવ એક અનન્ય અનુભવ હોય છે, તેમ આ નવે નવ આંકડા જુદા જ હોવા જોઈએ. બહુ જ તર્ક અને ધીરજ માંગી લેતી આ રમત છે. ક્યાંક એક ભુલ કરી દીધી અને તમે એવા ગૂંચવાડામાં પડી જવાના છો કે, રમત અધૂરી જ સંકેલી લેવી પડે. આ દારૂણ જંગ તો ખરાખરીનો ખેલ છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ક્યાંય શરતચૂક ન ચાલે.
શરુઆતમાં તમે શોધી કાઢેલી જીવનપધ્ધતિ, અરે! તર્કપધ્ધતિ પ્રમાણે ચાર પાંચ જગ્યાઓએ તો એક જ શક્યતા તરત જણાઈ આવે છે. તમે હરખાઈ જાઓ છો. એના આધારે એક માત્ર શક્યતાવાળાં બીજાં બે ત્રણ ખાનાં પણ, થોડા પ્રયત્નો પછી તમને દેખાય છે. તમે અડધો જંગ જીતી ગયાના ગર્વમાં મુસ્તાક છો. જેમ બાળપણ મધુર હોય છે, તેમ સુડોકુનો શરુઆતનો આ ભાગ પણ સરળ અને ગૂંચવાડા વિનાનો લાગે છે. પણ હવે આ અડધે રસ્તે જ ખરી કઠણાઈ શરુ થાય છે. જ્યાં જુઓ ત્યાં બે, ત્રણ કે ચાર શક્યતાઓ જણાવા લાગે છે. બધે ત્રિભેટા જ ત્રિભેટા! ક્યાંય આગળ વધાય જ નહીં. તમે અકળાઈ ઊઠો છો. ક્યાંય તમે આગળ વધી શકતા નથી. આ માયાજાળમાં આગળ ધપવાની ચાવી ક્યાંક ખોવાઈને સંતાયેલી છે. પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તમને પસીનો પસીનો થઈ જાય છે. જીવનની બપોરનો આ તાપ છે!
અને ત્યાં જ એકાએક પરમ તત્વની અસીમ કૃપાથી તે ચાવી આગળ તમે પહોંચી જાઓ છો. કોઈ પરીએ કરેલ પુષ્પવર્ષાની જેમ; ફરી એક વાર એક જ શક્યતાવાળાં ખાનાંઓની હારમાળા એક પછી એક તમારી ઉપર વરસવા માંડે છે. તમારા જીવનના મધ્યકાળના સુવર્ણયુગની જેમ તમારી સમ્પત્તિ અને સમૃદ્ધિ વધતાં જાય છે.
હવે પોણો જંગ જીતાઈ ચૂક્યો છે. વિજયશ્રી તમારા હાથવેંતમાં છે. પણ હવે બે બે શક્યતાવાળાં જોડકાં – એ જ વિતાડતા ત્રિભેટા – ફરી ખડા થઈ જાય છે. તમારી અકળામણનો આ છેલ્લો તબક્કો છે. આમ તો હવે ઘણાં ઓછાં ખાનાં તપાસવાનાં બાકી છે. પણ ફરી ચાવી ખોવાઈ ગયેલી છે. તમે ચોપડીની પાછળ આપેલો ઉકેલ જોવા તત્પર બનો છો. પણ તમારી મર્દાનગીને, રમત રમવાની તમારી ચાલાકીને આ છેલ્લો પડકાર છે. તમે વળી એ પ્રલોભન બાજુએ મુકી, ફરી એ તર્કયુધ્ધમાં ખુંપી જાઓ છો. ખણી ખણીને સાવ નિર્વાળ (!) એવા તમારા ચકચકિત માથાનાં વધારે વાળ ઓછા થવા માંડે છે. વીતેલા સમયને કારણે તમારી શક્તિઓની પણ સીમા આવી ગયેલી છે. તમે અકળાયેલા, થાકેલા, અશક્ત છો. એ બાળપણની મધુરતા અને યુવાનીનો તરવરાટ આ વાર્ધક્યમાં હવે ક્યાં છે?
અને ત્યાંજ એ છુપાયેલી ચાવી તમને દેખાઈ આવે છે. બસ એક નાનીશી અને છેવટની સમજણની (જીવનની જાગૃતિ ) જ જરુર હતી, જે તમને મળી ગઈ છે. અને મંજિલ પણ હવે ક્યાં દૂર છે? બાકીના ઉકેલોનું અવતરણ પત્તાનાં મહેલની જેમ ફરફરાટ થવા માંડે છે. ૮૧ ખાનાંઓનો એ મહેલ હવે પૂરો ભરાઈ ગયો છે. તમારો ખેલ હવે પૂરો થયો છે.
તમે આ સમસ્યાના ઉકેલનું, જીવનયુધ્ધની પેલી પાર આવેલું એ પાનું ઉત્કંઠાથી ઉથામો છો. એક એક કરીને બધી હારોમાં તમારો શોધી કાઢેલો ઉકેલ સાચો છે; તેમ જાહેરાત થતી જાય છે. અને જીવનની ફળશ્રુતિ, આ જંગ તમે સફળતાથી પાર કર્યો છે તેની ખાતરી થતાં તમે નિર્વાણ અવસ્થાની લગભગ સમાંતર કહી શકાય એવી સુખસમાધિમાં લીન બની જાઓ છો. રમતના અને જીવનના ત્રણ ત્રણ તબક્કે ખેલાયેલા જંગોનો ભવ્ય ભુતકાળ પણ તમે ભુલી જાઓ છો. હવે કેવળ વર્તમાનના પરિતોષનો ભાવ ચિત્તમાં ધારી તમારી આ રમત તમે સંકેલી લો છો.
જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. સુડોકુનો, જીવનનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરિમા છે. કરી કો’ક દી કો’ક નવી જ સુડોકુ સમસ્યા ખેલવાનો સંકલ્પ કરી તમે નિવૃત્ત બનો છો. જીવનના અંતે પણ સુડોકુની આ રમત જેવો, આવો હાશકારો અનુભવી શકાય, એવું જીવન તમે જીવ્યા છો ખરા?
----
જેમણે સુડોકુ રમવાની શરૂઆત કરવી હોય તેમને સહેલી પઝલથી કરવી જોઈએ.
રમતની શરૂઆતની એકદમ સહેલી રીત હોય છે. આ વિડિયોમાં પાયાની ટેક્નિક સમજાવી છે.
એ એકવાર આવડી જાય પછી - અભિમન્યુના બીજા કોઠામાં પ્રવેશ કરવો .
અંજના શુકલ
હાયકુ
રમતથી જ
આનંદ બધા પામે
ગમ્મત કરી !
રમો રમત
ગાવાની,લખવાની
આનંદ મળે!
રમતા જતા
જોયું કંઈક રસ્તે
અવનવું જ!
ચાલો રમત
શરૂ કરી દઈએ
આનંદમાં જ .
રમત રમી
આનંદ જ આનંદ
પામીએ બધા .
જાત જાતની
રમતો ખૂબ મળે
પાર ન આવે!
રમત રમો
આનંદ કરો બધા
હળી મળીને.
આનંદ આવ્યો
રમી રમત નવી
ખૂબ જ ખુશ.
રમી રમત
આનંદ મળ્યો ખૂબ
ગજબ જ !
રમત રમ
રમતા રમતા તું
આનંદ કર.
રમત કરે
આનંદ જ મળે
મને તમને.
આવા દોસ્તો જો
રમત રમાડે તો
કોને ના ગમે?
રમતવીર
રમત રમાડે એ
ગુગમવીર !
મુક્ત પંચિકા
ગુગમિયત
રમત રમી
બની બાળક બધા
રમતિયાળ
નિર્દોષ બન્યા !
બાળક બની
ઉમટયા બધા
એક્કાઓ રમતમાં
રંગોળી, ચિત્ર
કળા પ્રગટી .
સર્જન કર્યું
ગદ્ય પદ્ય જ
સાહિત્યનું રમતે;
શબ્દ રમત
બાળક રીતે.
બાળ સ્મૃતિ જ
પરોવી અહીં
માણ્યો આનંદ સર્વે
ભવ્ય રમત
ગુગમિયત !
નિરંજન મહેતા
મુક્તપંચિકા
વયસ્ક વયે
ઝંઝાવે સ્મૃતિ
આવે યાદ નિર્દોષ
આનંદમય
બાળરમતો
----
બાળરમત – બાળકોની રમત. આ શબ્દ સાંભળતા કે વાંચતા આપણને આપણું બાળપણ યાદ આવી જાય. હાલના વયસ્કો માટે તો તે એક અદ્ભુત સંભારણું બની ગયું છે. હાલની બાળરમતો આધુનિક વિચારસરણી પર છે જે માનસિક કસરત સમાન છે. પણ પહેલાના વખતમાં તો શારીરિક પ્રવૃત્તિ માટે વિવિધ પ્રકારની રમતો રમાતી કારણ ભણતર ઓછું અને રમત વધુ જેવો માહોલ હતો. ખાસ કરીને શાળામાં વેકેશન પડે ત્યારે આ બધી રમતો રમાતી. વિદ્યાર્થીઓ ક્યારે વેકેશન પડે તેની જ રાહ જોતાં.
આ બાળરમતો ઘરની બહાર ચોગાનમાં, મેદાનમાં કે ઘરની અંદર રમાતી ખાસ કરીને ઉનાળામાં જ્યારે સખત તાપ હોય. પાના, કેરમ, વ્યાપાર જેવી આનંદદાયક રમતોનો આવી રમતોમાં સમાવેશ છે. ક્યારેક અંતકડી પણ રમાતી જે ખાસ કરીને છોકરીઓને માટે પ્રિય રમત ગણાતી.
ઘર બહારની રમતોમાં ખો ખો, હું તુ તુ, ક્રિકેટ જેવી રમતો ઉંમરલાયક છોકરાઓમાં પ્રિય હતી. તે જ રીતે થપ્પો, રૂમાલદાવ, પક્ડાપક્ડી, નારગોલ જેવી રમતોમાં દોડાદોડ કરવાની જે મજા પડતી તે તો ઓર જ આનંદ આપતી. આ બધી નિર્દોષ રમતો હતી અને તેમાં બાળકો આનંદ લેતા.
પહેલાના વખતમાં આ માટે ખુલ્લા ચોગાન કે મેદાન મળી રહેતા જ્યારે આજના કોન્ક્રીટ જંગલમાં આ સૌને માટે અલભ્ય છે. હા, મોટી સોસાયટીઓમાં હવે ક્લબહાઉસ બંધાતા હોય છે અને તે દ્વારા બાળકોને સમય પસાર કરવાની, આનંદ મેળવવાની તક પણ મળે છે. પણ આ બધી જુદા પ્રકારની રમતો બની ગઈ છે. તેને કારણે વર્ષો પહેલા બાળરમતોનો જે આનંદ મળતો તે કદાચ ન પણ મળતો હોય.
આ તો થઇ શારીરિક રમતો. પણ નાના બાળકોને રમાડવા ઉત્સુક વયસ્કો બાળક આગળ જુદા જુદા પ્રકારના ખેલ કરે છે તેની પણ નોંધ લેવી જોઈએ. જેમ કે બાળકને હસાવવા દાદા મો પર જાતજાતના હાવભાવ લાવે, ઘોડો બની તેને પીઠ ઉપર બેસાડે જેને કારણે બાળકને તો આનદ મળે પણ સાથે સાથે પોતે પણ આનંદ લે. આમ દાદાને ખેલતા જોઈ અન્ય સભ્યો પણ ક્યારેક તેમાં સાથ પુરાવતા હોય છે.
એક વાત નક્કી છે કે બાળરમતો બાળકોના જીવનનું અગત્યનું અંગ છે અને તે વધુને વધુ પ્રમાણમાં રમાય તે જોવાની આપણી જવાબદારી છે.
નીતા ભટ્ટ
બાળરમત
રમતાં જાણે ક્યારે
થઈ ગ્યા મોટાં?

No comments:
Post a Comment