Oct 28, 2020

બારી

 ઉદ્ઘાટક - હરીશ દવે

આજનો વિષય છે  બારી .

બારી માનવીના ઘરનું કેવું આવશ્યક અંગ છે! બહારની દુનિયાની ઝલક બતાવે બારી.

બારી વિનાના ઘરની કલ્પના તો કરી જુઓ! બારી વગરનું ઘર એક ઘૂટન આપે ને? 

--

ઘરને સૃષ્ટિના અસ્તિત્વનો એહસાસ કરાવે છે બારી. બારી પ્રકૃતિમાતાને આપના ઘર પર લઈ આવે. બારીમાંથી પ્રકાશ પ્રવેશે! ઘરના વાતાવરણમાં ઉજાસ ફેલાવનાર તે બારી. તે ઉજાસ આપમાં નવી દ્રષ્ટિ પ્રગટાવી શકે.

બારીમાંથી હવા પણ આવજા કરે! તાજગીભરી જીવંતતાનો પરિચય કરાવે.

બહારના અવાજો બારીમાંથી આપના કાન સુધી પહોંચે. આપ ભાતભાતનાં લોક કે તેમની વસ્તુઓની હાજરીની નોંધ લઈ શકો!

વિશ્વના ધબકારા આપ સુધી પહોંચાડનાર છે બારી. 

ખુલ્લી બારી વિનાના સ્થાનમાં એક અજીબ ઘુંટારો કે મૂંઝારો થાય, કે જે વિચારશીલતાને પણ બાંધી દે! 

કોઈક બારી મધુર ફોરમ લઈને આવે, તો કોઈક બારી બહારની રંગબેરંગી જીંદગીની ઝલક આપે! કોઈક બારી ફૂલછોડ, વૃક્ષો કે નાનાં મોટાં બિલ્ડિંગોની રૂપરેખા આપે. કોઈક બારી વળી દોડતી દુનિયાની ઝાંખી કરાવે! બારી જ તો આપને આસપાસની દુનિયાથી અવગત કરાવે છે!  

નસીબદાર એ બારી જેમાંથી આકાશનો એક ટુકડો જોઈ શકાય! આપ બારીમાંથી સૂર્ય, ચંદ્ર કે તારા જોઈ શકો તો ભાગ્યવાન! આકાશમાં દોડતાં વાદળાં જોઈ શકો તો ભાગ્યવાન!   

બારી વિનાનું ઘર એ કેવી થીજાવી દેતી કલ્પના છે! માત્ર ધ્રુવપ્રદેશોમાં વસતા ઇગ્લુવાસીને જ તે પરવડે! 

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બારીના સહારે તેમના બાળપણને ઓપ આપ્યો. બારીએ ગુરુદેવની મનોદુનિયામાં એવા રંગો ભર્યા કે આપણને એક સમર્થ સર્જક મળ્યા!

બારી ઘરની આંખો છે. બારી આપની દ્રષ્ટિ છે. બારી આપને વિશ્વ સાથે તાદાત્મ્ય કેળવવાની તક આપે છે.

સુરેશ જાની

એક જૂનું અવલોકન ...

સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.

     સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું.

કશું જ બદલાયું નથી. બધું જેમનું તેમ છે.  કે ખરેખર એમ છે? 

ના....

      મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે- જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં  ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.

       એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઉંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.

     પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાંય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.

      અરે! આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી. 

        પરિવર્તન… પરિવર્તન… પરિવર્તન… ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન… હર ઘડી, હર સ્થળ.

----

વેબ સાઈટો પર પ્રવેશ દ્વાર હોય છે, પણ ઈ-વિદ્યાલય પર અમે અવનવી એક બારી બનાવી છે, જેમાંથી બાળક/ કિશોર/ કિશોરીને અવનવી નજર મળી શકે છે - ફટાફટ ! ખાસ એમને માટે આ પાનું બનાવ્યું છે -

http://evidyalay.net/enter_window

એની મુલાકાત જરૂર લેજો. તમને પણ અવનવો નજારો જોવા મળશે .

---

ઘરની બહાર જોઈ શકાય તે બારી. અંદરના  દૃષ્ય કરતાં સાવ ભિન્ન જ નજારો જોઈ શકાય. બારી એક પ્રતિક છે - આપણી માનસિકતા માટે.  આપણે અમુક જ રીતે જોવા, મૂલવવા, અને એની પરથી કાર્યરત થવા ટેવાયેલા હોઈએ છીએ. 

એટલે જ ગાંધીજી કહેતા હતા કે, "મારા મનની બધી બારીઓ હું ખુલ્લી  રાખીશ, જેથી બધા પવનો મુક્ત રીતે મારા   મનના ઓરડાને તાજું રાખે. "

---

બારીની બહાર , આર્કટિક વાયરાની શીતળ બહાર ! ( આ ઘડીનો વેધર રિપોર્ટ)

નિરંજન મહેતા

મુક્ત પંચિકા 

*****

ખોલ મનવા 

મનની બારી 

ચૈતન્યના પ્રવાહે 

 થશે અનન્ય 

 રોમાંચિતતા 

--

        બારી એ મકાનના ચણતરનો એક નાનો ભાગ પણ તેનું કેટલું મહત્વ! તે બંધ રહે તો જીવ ગૂંગળાય અને     માની શકાય. તેના દ્વારા ન કેવળ બહારનું દ્રશ્ય પણ આકાશમાં ઉડતા પક્ષીઓની ચહલપહલ, વાહનોની અવરજવર, માનવીઓની દોડધામ વગેરે જાણી શકાય પણ બારી ખુલ્લી હોય તો જ. બારી ખુલ્લી હોય તો ચક્લી, પારેવાં, કાબર જેવા પક્ષીઓને પણ વિસામો મળે. આજના વ્યસ્ત જીવનમાં આ બધું માણવાની તક બારી જ આપે છે. 

     સાદી બારીને સ્થાને હવે તો અવનવી બારીઓ પણ લગાડાય છે જે ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વળી જેવી જેવી ઘરની રચના તેવું તેવું બારીનું કદ. પણ મકસદ એક, ઘરમા બારી હોવી જોઈએ અને તે પણ ખુલ્લી. જેમ ખુલ્લી બારી પ્રસન્નતા આપે તેમ ખુલ્લું મન પણ જીવનને આનંદદાયક બનાવે છે. આ સમજવું જરૂરી છે કારણ આજકાલ લોકોની માનસિકતા સંકોચાઈ ગઈ છે જાણે એક બંધ બારી. આ સંકુચિતતાને ફગાવો અને જીવનને પ્રસન્નતાથી ભરી દો. 

-- 

બારી - વ્યુત્પત્તિ

સાર્થ જોડણીકોશ પ્રમાણે સંસ્કૃત શબ્દ દ્વારિકાનું પ્રાકૃત બારીઆ થયું અને તે પરથી બારી

[ અર્ચિતા પંડ્યા -  બાર એટલે બારણું. એથી નાની તે બારી]

[ વલીભાઈ મુસા - સરલગ્રાહ્યવૃત્તિ દ્વ નો બ સ્વીકારે છે. દ્વિતીય માટે બીજું એટલા માટે જ બોલાય છે. બાર મોટા કદને સૂચવે છે. ઈ પ્રત્યયથી બનેલો બારી શબ્દ નાનું કદ બતાવે છે‌. કેટલાક અંગ્રેજી શબ્દો માફી સાથે : Case > Cassette; Ball > Bullet; Cigar > Cigarette; Table (Round) > Tablet. બસ આમ બાર > બારી; બારોબાર, ઘરબાર, બારસાખ (ઉંબરો) વગેરે  શબ્દો 'બાર' શબ્દની ઓલાદો છે.

જુદીજુદી ભાષાઓમાં શબ્દસામ્ય હેરત જગાવે છે : દ્વિભાષી માટે અંગ્રેજી શબ્દ Bilingual છે; જુઓ દ્વિ ના બદલે Bi આવ્યો કે નહિ? આવું તો ઘણું છે. માનવ > Man; આદમી > Adam; God : Generator+ Organizer+ Destructor  >>> બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ઈશ્વર માટે નેતિ કહેવાય છે, ન+ઇતિ એટલે કે કશાય જેવો નહિ; ઈસ્લામમાં અલ્લા = અલ્+ લા (કશાય જેવો નહિ. અલ્ એ અરબીનો The જેવો આર્ટિકલ છે.]

અંજના શુકલ

મુક્ત પંચિકા

ખોલી જોયું જ

બારી બહાર

શિતળ પવનની

લહેર આવી

શિતળ કર્યું !

---

જોયું જરાક

બારી બહાર

ડોલી રહ્યા પુષ્પોએ

રંગબેરંગી

ખુશ થઈને

--

એકાવનક્ષરી 

અંતરમનની એ

બારી ખોલી વિચાર્યું ઝાંકીને,

કોણ હોઈશ અને

ક્યાંથી આવ્યો કરવા

શું કામ?ઈશ્વર સંકેત જ

છે ;અહીં મોકલવાને કાજ.

નીતા ભટ્ટ




જયશ્રી પટેલ
બારી     બહાર જોવા માટે જ છે એમ નથી..! મારે મન સરસ પવનની લહેરખી નો પ્રવેશદ્વાર છે બારી હું ઉદાસ હોઉં તો અંદર પ્રવેશતી પેલી બોગનવેલની ડાળી મને ઉલ્લાસમય બનાવી દે છે ત્યારે હું બારીનો આભાર માનું છું..કેવી સ્પર્શી જાય છે..તે. આંખો કામ કરી થાકે ત્યારે બારીની પાસેની પેલી આરામ ખુરશી પર આંખ મીંચી બેઠી હોઉં ને પેલું પારેવડું ફડફડાટ કરતું પ્રવેશે મારા રાજ્યની સીમા જેવા મારા આરામ કક્ષમાં ને મને અહેસાસ કરાવે કે હું ગૂટરગૂઁ કરી ગૂફતગૂઁ કરવા આવ્યું છું તો પેલી બારી નું ગર્વીલું પણું જાણે કહે..કે તારું એકલા પણું તો હું જ દૂર કરું ને!          એ બારી પર બેસતા પોપટ ને પારેવા જ્યારે બંટીના દાણાં ખાવા આવે ને એમનો કલરવ સંભળાવે ત્યારે પ્રેમી જેવી લાગે એ બારી..એના કઠેરાનો સ્પર્શ આશ્વાસન બની જાય..ને એક કવિતા ગુનગુનાવી લઉં હું ઉભી ઉભી... જુઓ મારી રચના...બારી







No comments:

Post a Comment