ઉદ્ઘાટક - હરીશ દવે
ચગડોળ કહો કે ચકડોળ! ચગડોળ જોઈને આપને શું શું વિચારો આવે છે?
આજે વિચારીએ ચગડોળ વિશે. વિવિધ દ્રષ્ટિથી ચગડોળને નીરખીએ! શું વિચારો ઊઠે છે?
ચાલો, ઉઠાવીએ કલમ! ’ચગડોળ’ વિષય પર ગદ્ય કે પદ્ય સાહિત્ય સર્જન કરીએ. આપના નાનકડા લેખ, નિબંધ, અવલોકન, હાઇકુ, મુક્તપંચિકા, મુક્તક, લઘુકાવ્ય, કવિતા કે અન્ય અભિવ્યક્તિથી આપણા ‘સહિયારા સર્જન’ ની મઝા ઑર વધી જશે!
નીતા ભટ્ટ / શ્રુતિ ભટ્ટ
હાઈકુ :
મેળામાં મળે
મન એની મેળે જ
ચગડોળમાં
નિરંજન મહેતા
ચકડોળ કાં તો ઉપર નીચે ફરે અને નહીં તો ગોળ ગોળ ફરે, પણ તેનું સ્થાન જ્યાં મુક્યું હોય ત્યાં જ. જ્યાં સુધી ખસેડો નહીં ત્યાં સુધી મુક્યું ત્યાં જ અડીખમ. કેટલીક વ્યક્તિઓ પણ ચકડોળ જેવી વર્તણુક કરતા હોય છે. એકની એક વાત ગોળ ગોળ ફેરવીને પણ પોતાનો કક્કો ખરો કરવામાં માને. આવી ચક્ડોળવૃત્તિવાળી વ્યક્તિઓ ચકડોળની જેમ એક જ સ્થાને અટકી જતા હશે અને કદાચ પ્રગતિ પણ કરી નહીં શકતા હોય.
એટલે આપણે ચકડોળ પાસે એ જ શીખવાનું છે કે વર્તુળની બહાર આવો, પરિસ્થિતિને સમજો અને તે મુજબ વર્તો. જ્યાં લાગે કે નમતું જોખવું જરૂરી છે ત્યાં નમો અને અન્યોને પ્રિય થાઓ. કહેવાય છે ને કે નમે તે સૌને ગમે. જાગ્યા ત્યારથી સવાર માની આ શીખ લેશો તો તમે જે આનંદ પામશો તે આ પહેલા નહીં અનુભવ્યો હોય.
પણ જે વ્યક્તિ ચકડોળ બનીને રહેશે તે કદાચ તેનો આનંદ મેળવશે અને તેનું અભિમાન પણ કરશે પણ અંતે તેને માટે તે એક છળ પણ બની રહે.
****
મુક્ત પંચિકા
ચક્ડોળનું
નીચે ઉપર
અપાવે યાદ સૌને
સુખ દુઃખનો
જીવનરાહ
અર્ચિતા દીપક પંડ્યા
હું બેસું છું
ચકડોળમાં
હજૂ આજે પણ,
પણ મને નથી સમજાતું
કે
એક જગ્યાએ
ફરી ફરી આવવાનો આનંદ છે?
હું એકલી નથી
મારી સાથે
એક સમૂહ
એક કેન્દ્રની આજુબાજુ
ઘૂમે છે,
એનો આનંદ છે?
કે ગતિ મારી અંદર
એ ભાવ જગાવે છે
કે
હું ચિચિયારી કરું છું
એનો આનંદ છે?
અને બધાં
ચકડોળમાં
એ જ સમાન સ્થિતિમાં છે.
એ સહજીવનનો આનંદ છે?
જીવનમાં છે
એ બધું છે ચકડોળમાં
ઉપર નીચે
ગોળ ગોળ
થોડા આનંદ
થોડા ભયથી
એક જ કેન્દ્ર ફરતે
એક જ સમૂહ સાથે
જીવ્યે જાઉં છું.
મારી દ્રષ્ટિ ક્યારે શર સંધાન કરી
આ વર્તુળાકારથી
ક્યાંય ઉપર મને લઈ જશે?
જ્યાંથી હું આવું છું.
જયશ્રી પટેલ
મુક્ત પંચિકા
બાળ સહજ
ઉપર નીચે
થાવું મનને ગમે
હૈંસા હૈંસા રે
છે ચગડોળ !
ચગડોળને ઓળખતી થઈ તો તેનો સીધો સંબંધ મેળા સાથે તો ખરો.ભરૂચમાં શ્રાવણ એટલે મેળાની સીઝન.ચગડોળ, અને પારણાં ,મજા આવી જતી. ત્યારે હાથથી વજન વંઢારતા એ ચગડોળના માલિકો પાસે એક કાણાં પૈસાથી શરૂઆત કરેલી..પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ પાંચ પૈસા, વીસ પૈસા, ચાર આના..આપતા થયા. પૈસા વધતા ગયાને ચગડોળ વાળાના ચક્કર ઓછા થતાં ગયા. દસ બાર માંથી બે ત્રણ થયા.
મોંઘવારી અહીં દર્શન દેવા લાગી, સમજ વધતી ગઈ.ચગડોળની જેમ જ સંસારની ઘટમાળ પણ સમજાવા લાગી.. આજે રોકડાં ને કાલે ઉધારની વાત નાના નાના ફેરફારો લાવતી ગઈ. હાથ વડે મરાતા ધક્કા હવે આસાનીથી વીજળીની રફ્તારે પહોંચી ગયા. ઠેર ઠેર ભરાતા મેળા મેદાનોમાં સ્થાન પામતા ગયા..
લંડન કે ન્યુઝીલેન્ડ આપણે જોઈએ છે કે જાઈન્ટ વીલ તરીકે ઓળખાવા લાગ્યા, લંડનના બ્રીજ પર જે ચગડોળ છે, કહેવાય છે કે તેની પર ચક્કર મારે ને ઊપર ઊભી રહી જાય તો એનો નજારો સુંદર છે..
નદી કિનારે નવચોકીને ઓવારે ભરાતો બળેવનો મેળો...ખાસ નર્મદાનો નજારો જોવા જ હું ચગડોળમાં બેસતી..
યાદ છે? પેટમાં થતી ગરબડ આપણે તુલના કરી શકીએ સંસારમાં થતાં એ પેટમાંના વિણાચૂટા સંસાર સાથે.
ઊંચી નીચી થતી ચગડોળ માનવના થતાં ઊંચાનીચા સંસાર જેવી જ છે.. વીજળીથી ચાલતી ચગડોળ નવી રફ્તાર જેવી છે..હવે એમ્યૂઝમેન્ટની શોભાને અધધધ રૂપિયા લઈ આનંદ આપતી ચગડોળ...! વધી રહેલી લક્ઝરી (જાહોજલાલી ) ની પ્રતિક છે...!
અવિનાશ વ્યાસનું સુંદર ગીત યાદ કરીએ..
ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦
ઓ લાલ ફેંટાવાળા ! ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા ! ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦
અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦
ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે ચરર. ચરર ચરર ૦
– અવિનાશ વ્યાસ
રીટા જાની
અંજના શુક્લ
હાયકુ
ચગડોળ એ
બની જીવન જેવું
ફેરવે ફેરા.
ભુલકાને એ
આનંદ જ અપાવે
એ ચગડોળ.
દિલ ડહોળી
આનંદ જ મણાવે
એ ચગડોળ.
જીવનનો એ
પાઠ ખરે ભણાવે
એ ચગડોળ.
મુકત પંચિકા
ચરરર એ
અવાજ કરે,
ચગડોળ ફેરવે
ગોળ ને ગોળ
ચક્કર લાવે.
કીકીયારી એ
કરાવે બહુ
ખુશી ગભરાટની
ચગડોળે જ
મળે આનંદ .
એકાવનક્ષરી
૧.
ચગડોળ એ જાય
ઊંચે નીચે ગોળ ગોળ ફરી,
કરે ભાવાત્મક એ
મગજને જ ડહોળાવીને
કદી ઉપર નીચે જ
આભાસ અસ્તિત્વનો અપાવે.
૨ .
ગભરાવે કોકને
આનંદ સહુને અનહદ
આપે એ ચગડોળ
વિચારે કયાં પડીશું નીચે?
ઉપર નીચે ફરી
કરી જ દીધું સ્થિત જગાએ.
૩,
જીવન ચક્ર એવું
ચગડોળ જેવું જ ફેરવે
જન્મોજન્મનાં રૂણ
ચૂકવવા ઉંચે નીચે કરે,
મનથી સમજેલો
જીવ જીવનનાવ હંકારે.
૪.
ચગડોળ એ બધા
ફર્યા કરે રાહે જુદા જુદા
આજુબાજુ ઉપર ,
કદી અટકાવે માથે ઊંધા
સ્થગિત થઈને સૌ
વિચારે જશુ ઊંચે કે ગોળ.
સુરેશ જાની
ભાઈલા ચગડોળ! કેમ દુઃખી દુઃખી થઈ ગયો? આ બધા ક્રુતઘ્ની માણસો તારી પર જ સવારી કરીને તારી જ ખોદણી કરે છે, એ જોઈ દુઃખી કાં થાય? એમની નપાવટ જિંદગીને તારી સાથે સરખાવે છે. એ તો જાત જ એવી. જેનું ખાય એનું જ ખોદે.
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
પણ બધા એવા નથી હોં ! જો ને, આ અવિનાશ વ્યાસે તારી કેવી મોટી મસ કદર કરી છે?
અદ્ધર પદ્ધર હવામાં સદ્ધર
એનો હીંચકો હાલે, એનો હીંચકો હાલે
નાનાં મોટાં સારાં ખોટાં બેસી અંદર મ્હાલે
અરે બે પૈસામાં બબલો જોને
આસમાનમાં મ્હાલે
ખેર, છોડ એ વાત. તારી ઉત્પત્તિને યાદ કર. તું કેવો નિલગિરિ પર્વત પર સાગના ઝાડ પર મ્હાલતો હતો? એ ઠંડી હવા, એ પર્વતોની ટોચ પર તારો મુક્ત સ્વૈરવિહાર. એ વનપંખીઓની તારી ડાળ પર ઝૂલીને મધુરાં ગીતો ગાવાની મજા. એ સુગ્રીવ અને વાલીના વંશજોની તારી ડાળો પકડીને હૂપાહૂપ. એ બધી મહોલાત આ માનવજંતુઓનાં નસીબમાં ક્યાંથી?
તું કહીશ, “ ते हि न दिवसाः गताः । “
પણ, ભાઈલા મારા! પેલા મહાન ગુજરાતી દાદા કહી ગયેલા તે યાદ કર –
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
તેથી જ શાણા સજ્જનો લવલેશ મૂંઝાતા નથી.
[ ‘રાઇનો પર્વત – રમણ ભાઈ નીલકંઠ ]
માટે જ મારા ભાઈ! આ તરણેતરના મેળામાં મ્હાલ . જલસા કર ભાઈ, જલસા !





No comments:
Post a Comment