ઉદ્ઘાટક - ચિરાગ પટેલ
હવે બહુ ઓછી પદ્ય રચનાઓ મૂળ સંસ્કૃત સાહિત્યમાં વપરાતા છંદોમાં કરવામાં આવે છે. પણ સાવ નથી એમ પણ નથી . ગુગમના સભ્ય મિત્રોએ આવી રચનાઓ બનાવવાનો પ્રયોગ આદર્યો છે. એ રચનાઓ અહીં સંકલિત છે.
ચિરાગ પટેલ
સ્રગ્ધરા - કુલ અક્ષરો: 21; યતિ: 7, 14
બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા
સાપેક્ષ –
આઈન્સ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
લાધ્યો સાપેક્ષવાદ, ખળભળ જે મચ્યો, જ્ઞાનનાં સાગરે જો.
મારી સાખે ય જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.
તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.
ધોળાં કાળાં હા ગર્તે, વમળ ઉમડતાં, સ્ફોટ ઉર્જા તણા શા;
ચક્રો રાતાં પીળાં, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.
વારી જાઉં છટાને, હર મહત તતે, ઝાકળે આભ સ્ફુરે;
સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું સ્મરે હા!
સમ્વાદ
(ઈન્દ્રવજ્રા: ગાગા લગાગા લલગા લગાગા, અક્ષરમેળ છન્દ)
————————————————–
કા’નો ત્યજે માર્ગ કદમ્બ ભાળી,
હીલ્લોળતાં પુણ્ય સલીલ સાક્ષી.
સ્વામી પધાર્યાં યમુના વહેણે,
ભુલ્યાં હરી આ તટ કેમ હૈયે?
હર્ષે વધાવે ફુલડે સરીતા,
ચોધાર મોતી દદડ્યાં કીનારે.
કીલ્લોલતાં વૃન્દ બધાં રમે જ્યાં
ગોપાલ સૌને દલડે વસેલાં.
રાધા અને કૃષ્ણ રચે અનોખા-
ત્યાં રાસ પ્રેમે, મધુરાં ઈશારે.
હોઠે લગાવી મુરલી અજાણી,
છેડ્યો પુરાણો લય એમ નાથે.
વ્હેતાં થયાં સુર અલૌકીક ત્યાં,
રોક્યાં અદીઠાં રુદનો ઉમટ્યાં.
શોધે સખી મોહન વેણુ ગાને,
વેરાન હૈયે ઉગતાં કટાક્ષો.
રાધા ઉપેક્ષીત લજાય રાગે,
ચોંકી, ઉભી થાય, તજે પથારી.
શાને મળે વ્હાલમ ગોકુળીયે,
દોડે કીનારે યમુના સહારે.
જોયા અનાથે ભવનાથ સામા,
ડુસ્કાં શમે ના ભરથાર ભાળી.
ઉઠ્યાં સવાલો અઘરાં હજારો,
રાધા અપાવે રુદને જવાબો.
“કાન્હા, સજા કેમ ઘણી વહાલી?
ના જાણતી જોગણ આ તમારી.”
“ઓ, પ્રાણ મારા, વચને હું પાક્કો,
હૈયે વસે પ્રેમ છતાં હું ઘાતી?
રાષ્ટ્ર મને ભારત જે વહાલુ,
તેની દશા કાજ ઉપાય ચીત્તે,
ના વીસર્યાં વેણ સદાય હૈયે.”
“વ્હાલે તજી વેણુ અને સખી સૌ,
માણો શું ગીતો, રમતો શહેરી?”
“શ્રોતા મળે ગોકુળ શા નહીં ત્યાં,
વૃન્દો નથી ત્યાં, યમુના નથી ત્યાં,
નીર્દોષ ના કૈં રમતો શહેરી.”
“ગોવર્ધને ગાય, સખા, ચરંતી,
ની:શ્વાસ નાંખે ધણ વીરહે, રે.”
“ઓ રાધીકા, યાદ હમેશ હૈયે,
ગાયો ચરાવી મનડે, અદીઠી,
પ્રશ્નો કરે સૌ ડચકાર સુણી,
અસ્થીર જાણે મન, શ્વાસ ભારે.”
“વૃન્દો રચે રાસ, રશેષ, સંગે,
ચાન્દો અજાણો કરમાય ભીનો,
જ્યાં રાસ ભુલ્યા વીણ નાથ ગોપો.”
“છોડ્યા રસો મેં સથવાર છોડી,
કોને સતાવી, હું મનાવું રાધા?
સાથી નથી ત્યા રચુ રાસ કેવાં?”
“સ્વામી, સખી યાદ નથી શું હૈયે?”
પોકાર ઉઠ્યો દુ:ખનો, સવાલે,
ચીત્કાર કર્યો મુરલીધરે કૈં,
ભાર્યા અજાણી ફફડી રવે આ,
નાથે શું ભાળ્યો ડર આ અટાણે?
છે દ્વારીકા, ગોકુળ દુર દેશે,
સ્વપ્ને જ રાધા મળશે મુરારી.
પ્રીયા તમારે વચને બન્ધાઈ,
જે પાઠવે યાદ સખી તમારી.
ભુલ્યા તમે સૌ વચનો પુરાણા,
પામો સજા આ વસમી વીદાયે.
સુરેશ જાની
એક જૂનું સોનેટ - ગ્રીષ્મ
છંદ – વસંતતિલકા
ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા
વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.
વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.
ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.
વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.
--
વસંત તિલકા
કવિતા લખું? અરર! શી રીત એ લખાશે?
આવે ન ભાવ દિલમાં, રણ સૂકું છે આ.
દોહરા
વલદા શીખવે દોહરા, લખ લખ કરે 'સુજાણ'
સુધારો આ દોહરો, જાણું દોસ્ત પ્રમાણ
દેવિકાબેન ધ્રુવ
‘એક અધૂરું કથન’
મંદાક્રાંતા )
રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી જ દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી જ દીધાં.
( અનુષ્ટુપ )
છોરું એ ધરતીના ને, ભેરું એ વનનાં હતાં.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે એ ભણતાં હતાં.
( હરિગીત )
ડાળો પરે પંખી તણા માળા મજાના સોહતા
મીઠા ટહૂકા કાનમાં એના સદાયે ગૂંજતા.
હો ટાઢ કે હો તાપ વા વર્ષા અને વંટોળ હો;
એ ગામના આબાલવૃધ્ધોના શિરે છાંયો હતાં..
( શાર્દૂલવિક્રીડિત )
યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યા,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યાં;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની, તીણી જ ચીસો સહી…
( મંદાક્રાંતા )
કાળી યાદો મનથી નિસરી, મીંચી આંખો નિતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને પલાળે,
નારી પ્રેમે હસતી અહીંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે. (*)
( અનુષ્ટુપ )
હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..
( મંદાક્રાંતા )
ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી જ દીધાં,
એ વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી જ દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!
No comments:
Post a Comment