પરપોટો!
આપે વહેતા ઝરણામાં કે તળાવમાં ઊઠતા પરપોટા જોયા હશે. સાબુના ફીણમાંથી આપે હવામાં પરપોટો ઉડાડ્યો છે? નાનામાંથી મોટો થતાં થતાં પરપોટો ફૂટી જાય છે, પણ આપના મગજમાં ઝબકારો કરી જાય છે!
આજે વિચારીએ પરપોટા વિશે. વિવિધ દ્રષ્ટિથી પરપોટાને નીરખીએ! શું વિચારો ઊઠે છે?
પરપોટાનું ક્ષણિક અસ્તિત્વ આપણને ક્ષણભંગુરતાનો સંદેશો આપી જાય છે.
પરપોટા પાસે આપણને કહેવા જેવી બીજી વાતો પણ છે!
આપે વિચાર્યું છે? પરપોટો પાણીમાં ઊઠે, અને તે હવામાં પણ ઊડી શકે!
પાણીમાં પરપોટો નીચેથી ઉપર આવી શકે! આરામથી આવી શકે! એવું તો સાદું-સીધું, સરળ તેનું અસ્તિત્વ છે! મનોવૃત્તિ ઉપર ઊઠવાની, પરંતુ ન કોઈ હુંપદનો ભાર, ન બીજાને પાડવાની વૃત્તિ! એવો તો હલકો! હળવાશથી નીચેથી ઉપર આવી જાય!
અને હવામાં ઊઠેલો પરપોટો! તેને પણ ક્યાં અહંભાવ છે? હલકો ફૂલકો કેવો મસ્તીમાં નીકળી પડે છે! તેને નથી કોઈ મનોરથ, નથી લક્ષ્ય પાછળ દોડવાની ફિકર! બસ, પવનની પાંખે આમતેમ ઘૂમી તેને મસ્તી કરી લેવી છે!
માનવી ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે. તેણે ધ્યેય સહ શિસ્તબદ્ધ જીવન જીવવું જરૂરી પણ બને છે. ધ્યેયપ્રાપ્તિ અને “પામવા-બનવા”ની દોડમાં અસ્તિત્વનો ભાર વેંઢારવો જરૂરી છે?
આપણે ઉર્ધ્વયાત્રા કરતા હોઈએ તો યે પરપોટાને ક્યારેક તો નજરમાં રાખી શકીએ ને? ક્યારેક જીવનની થોડી પળોમાં પરપોટા જેવી મસ્તીભરી હળવાશ અનુભવવી પણ જરૂરી નથી?
અર્ચિતા પંડ્યા
છે મઝા જાણે
હાથમાં પરપોટો
શોધું અક્ષર
એકાવન અક્ષરી:
જન્મ્યાં, જીવ્યાં કીધી
અગણિત ઊપાધી તે છતાં
પામ્યાં તો પરપોટા
જેવું સુખ ને ડુંગરો દુઃખ
જીવ્યાં જાણે અમર
થૈ પરપોટો કાલ ઊડીશું
--
છે ને સામે મળતું છળ, જીવન પરપોટો!
વીતે એની એવી પળ, જીવન પરપોટો!
કરીને કર્મોને જીવ્યાં છો એ રીતે
ના શોધી શક્યું છે ફળ, જીવન પરપોટો
હંમેશા એ પોકારીને બોલ્યાં સૌ ને
સારું છે જોડો જો દળ, જીવન પરપોટો!
સાથે રે'વાની ક્ષણો ઓછી છે જગ માં
છોડીને ઝંઝાને તું મળ,જીવન પરપોટો!
કાલે હારી છોડ્યાં રણ મેદાનો તેણે
આજે જીત્યાં જાણી કળ,જીવન પરપોટો!
સીધી વાતો તો છો નૈ બોલે એ લોકો
શંકા કરવા જોઈ સળ, જીવન પરપોટો!
નાની વાતે જો લાગે ખોટું બોલો, તો
હવે મૂક્યાં એણે જળ, જીવન પરપોટો!
વલી મુસા
પર પોટોએ
શું વળે નિજ કોઠી
તો ખાલીખમ!
પર=પરાયા; પોટો= ટુકડી ઘઉં (પરપોટાને જુદા અર્થમાં લઈને રચેલું હાઈકુ)
રીટા જાની
સુરેશ જાની
નિરંજન મહેતા
મુક્ત પંચિકા
પાણીનો જીવ
આ પરપોટો
યાદી આપે સહુને
જીવતર છે
ક્ષણભંગુર
વિચાર
પરપોટો એક નાની હસ્તી. પ્રવાહીમાં ઉત્પન્ન થાય અને પ્રવાહીમાં સમાઈ જાય. કોઈ મહત્વ નહીં. ઉકળતા પાણીમાં ક્ષણ માટે ઉત્પન્ન થતાં અને તે ઠંડુ થતાં તેમાં સમાઈ જતા પરપોટા બધાએ જોયા છે પરંતુ તે આપણને એક પાઠ ભણાવી જાય છે તેનો અંદાજ છે? મનુષ્ય જીવન પણ આવું જ ક્ષણભંગુર છે. આપણે માનીએ છીએ કે આપણી આવરદા બહુ લાંબી છે પણ આ જિંદગાની પણ એક પરપોટો જ છે તે સમજવું જરૂરી છે. જેને તે સમજાય તે જરૂર તેનો યોગ્ય ઉપયોગ કરશે અને પોતાનું જીવન સાર્થક કરશે.
બીજી રીતે જોઈએ તો આ પરપોટા નિર્દોષ બાળકો માટે એક રમતનું સાધન બની રહે છે. તેમને તેની ક્ષણભંગુરતાનો અંદાજ નથી હોતો અને તેમને માટે સાબુના પાણીની રમત દ્વારા થતાં નાના મોટા પરપોટા ઉડાડવાનો આનંદ માણે છે. તેમાંથી ઉત્પન્ન થતાં ક્ષણીક રંગીન દ્રશ્યો તેમના આનંદમાં વધારો કરે છે. પણ આપણે તેવો આનંદ નથી માણતા. કેમ? કારણ આપણા માટે તે કોઈ આનંદનું સાધન નથી હોતું. આપણે અન્ય સાંસારિક બાબતોમાં એવા ગૂંચવાયેલા અને વ્યસ્ત રહીએ છીએ કે આપણા માટે આવા પરપોટા ઉડાડવું એ એક ક્ષુલ્લક બાબત બની રહે છે. પણ ક્યારેક નાના બાળક બની જઈએ તો? તો તેનો કેવો આનંદ મળશે તેનો વિચાર કરજો. કદાચ અમલ પણ કરશો. તેમ કરો ત્યારે યાદ કરશો?
નૂતન કોઠારી ( નીલ)
એકાવનાક્ષરી: યાદોના પરપોટે
એક તારો સહારો,
જીવનને દેતો સધિયારો.
દૂર છતાં સમીપ,
અહેસાસ તારો બહુ પ્યારો.
યાદોના પરપોટે,
ઝીલું છું વિરહના પ્રહારો.
અંજના શુકલ
એકાવનક્ષરી
૧)
પરપોટો જીવન
બની, આવ્યો રહ્યો અદ્રશ્ય એ;
દિલમાં હોવા છતાં
ન પરખાયો કોઈનાથી એ,
ફુલવી માનવને
એ ,ચાલ્યો ગયો ન પરખાયો !!!
૨)
હું છું એક એવો જ
પરપોટો;પ્રતિરક્ષા આપું
બનાવી હવા શુદ્ધ ,
નવજીવન જીવવા માટે
અપાવું શ્વાસ શુદ્ધ ,
શક્તિશાળી જીવન માટે જ.
--
મુક્ત પંચિકા
૧)
પરપોટો એ
રમત રમે,
પાણીમાં જોયો જાણે
ફુટી વમળે
ભળી ગયો એ!
૨)
પરપોટો હું
જીવન આપું
જાણો છો તમે કેમ?
રાખી મારામાં
પ્રતિરક્ષાથી !
હાઈકુ
૧)
જોતા હવામાં
ફુલે ફાટે તરત
આનંદ આપે
૨)
ન વિચારાયું
ક્યારેય એે જોઈને
છે એ જીવન!
૩)
કદી સમજ
મળે ન એની કદી,
શોધમાં જ !
લેખ
પરપોટો , વિચાર કરતા જઈએ તો એ માત્ર પરપોટો નથી ! કેટલાય રૂપ આપણને બતાવી શકે !
પાણીમાં થતા પરપોટાની હારમાળા જાણે હારમજીત કરતાં જ થાકતી નથી , ભલે ફાટી
જાય નવો નવો તૈયાર ! જોતા જ રહો . છોકરાઓને આનંદ કરાવતા આપણે પણ એમાં મશગૂલ થઈ જઈએ ને સૂર્યને પણ એમાં મઝા આવી જાય ને રંગબેરંગી કલરથી ક્ષણિક સજાવી બધાને
ક્ષણભરનો આનંદ આપી જાય ! ને એ આનંદ મેળવી ફુલેલો પરપોટો પણ ફાટીને હવામાં લિન થઈ જાય !
આ પરપોટો આપણને આપણા જીવન માટે પણ સંદેશમય નથી લાગતો ? જીવન ભરોસા વિનાનું પરપોટા જેવું જ છે . કયારે એમાથી જીવ (આત્મા ) ફટ કરતો જતો રહે જે કોઈને જ ખબર નથી !
જીવાત્મા પોતાના કાર્યમાં સફળતા પામી ગર્વમાં ફુલી જઈ આનંદ માણતા જ ચાનક જીવન જતા વાયુમંડળમાં પ્રવેશી જાય છે . કોઈને પણ આ પરપોટાનું ક્યારે ફાટી જાય એ જ્ઞાન નથી .
આથી આ પરપોટા દ્વારા મળેલા આનંદથી જીવન જીવી જાણવું એ સંદેશ પણ મળી જાય છે .
છેલ્લી જાતનો પરપોટો જે રોગ પ્રતિકારક શક્તિ વિનાનાને પાતાનામાં રાખી અશુદ્ધ વાતાવરણમાંથી બચાવી જીવન જીવવા માટે શક્તિશાળી રાખે છે .
આ પરપોટા વિષે ઘણાંએ જાણ્યું જ હશે.
અમેરિકામાં એવા કિસ્સા થઈ ગયા ! બબલબોયનો તો ઘણાંને ખબર જ હશે.
ચિરાગ પટેલ
પ્રચંડ સ્ફોટ
એક સૂક્ષ્મતર બિંદુનો.
અનેક ઉતપૃષ,
અનેક ગણ્ડ,
અનેક બુદબદા,
અગણિત પરપોટા;
રચાયો મહત ફેનપિંડ.
વિસ્ફોટ પ્રકાશનો,
'ને રેલાયો
નાદ અનહદનો.
સચરાચરના
નૃત્ય અનંત,
વિસ્તાર અનંત,
વિચાર અનંત.
અનંત ઝળકે,
પાર વિનાના
સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ,
અણુસાગરમાં.
જયારે પ્રગટે "દીપ" એક,
"રોશની" ફેલાતી અનંત
-ઋચા જાની
ભલે નાનુ છે પરપોટા નુ જીવન
પણ જો પડે કિરણ એની પર
ઝળકી ઉઠે મેઘધનુષ ની જેમ
જયશ્રી પટેલ
જિંદગી એક પરપોટા સમાન છે. ક્યારેય તે તેની સીમાથી મોટો થાય તો ફૂટી જાય છે. નાશ થયેલા ફરી જોવા પણ મળતો નથી. તેવીજ રીતે સુખ કે દુખથી નિરાશ થનારો માનવી ક્યારેક પરપોટા જેવી સોચ ધરાવી
પોતાની જિંદગી પૂર્ણ કરી દે છે.આપઘાત એક પરપોટો છે, નાનો વિચાર પ્રગટે ફૂંકી ફૂંકી મોટો કરી માનવી એવો મોટો કરે છે કે અંતે પરિણામ આપી હાર માની આપઘાત
કરે છે.
અતિ સુખ જરૂર દુખની કલ્પનાનો પરપોટો બની જાય છે. અસંતોષ નામનો પરપોટો પ્રગટેને તુલનામાં ફેરવાય, નાનો કેમ મારો આ ભૂંગળીમાંથી નીકળેલો પરપોટો વધુ ફૂકથી હવામાના જોર દબાણથી ફૂટી જાય તેમ તુલના કરતા આવતા જોરને લીધે કલ્પનાનો પરપોટો
ફૂટી જાય.
માટે પરપોટો તો સર્જાય છે ફૂટવા ને ઓગળવા
સુંદર લાગતું સ્પ્તરંગી વર્તુળ રંગોની ઓળખ પહેલા જ વિલિન થઈ જાય છે.
નીતા ભટ્ટ








બહુ જ સુંદર👌🌹
ReplyDelete