Jan 12, 2020

ગુગમ, અહેવાલ - ૧


      બાળક જન્મે ત્યાર બાદનો પહેલો મહિનો, બાળકની હસ્તી જેટલો જ નાજૂક હોય છે. આપણો આનંદ છે કે, આપણો ગુગમ એક મહિના જીવી ગયો છે. એના સૌ સંવર્ધક અને હિતચિંતક મિત્રોને હાર્દિક અભિનંદન. એના પહેલા મહિનાના જીવનનો આ અહેવાલ અને ભાવિ વિકાસનું આયોજન  સૌને સમર્પિત છે.

વહિવટી

૧) આજની તારીખમાં આપણે ૩૨ સભ્યો છીએ. ત્રણ વયસ્ક મિત્રો અંગત કારણો સર આપણી સાથે નથી રહી શકયા. એમની ખુશહાલી અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા.
૨) ગુગમના શ્વેત પત્ર સાથે સુસંગત લોગો બની રહ્યો છે. અમરેલીના ભાઈશ્રી મનીષ ઝિંઝુવાડિયા અને તેમના ભાઈ નો આ સેવા માટે ખુબ ખુબ આભાર. જો અન્ય કોઈ મિત્રને વિકલ્પ તરીકે જૂદા વિચાર સાથેનો લોગો બનાવવા મન હોય તો આ અહેવાલના ત્રણ દિવસની અંદર જણાવે. જો આવો કોઈ વિકલ્પ રજૂ નહીં કરવામાં આવે કે, મનીષ ભાઈએ  બનાવેલ લોગો પર કોઈ ટિપ્પણી નહીં કરાય, તો એક અઠવાડિયા બાદ નવો લોગો ગ્રુપ તેમ જ બ્લોગ પર પ્રસ્થાપિત કરવામાં આવશે . 
૩) ગુગમના શ્વેતપત્રનો, એની ભાવના , આદર્શ, દર્શન અને શિસ્તનો સૌએ સ્વીકાર કર્યો છે. સૌ મિત્રોનો દિલી આભાર.

આપણે શું કરી શક્યા?

૧)  માઇક્રો ફિક્શન એક સર્જન વર્કશોપ
૨) શબ્દ રમતની ચાર વર્કશોપ
૩)  ચિત્ર પરથી એક હાઈકૂ વર્કશોપ
૪) બે  ગુગમ બ્રાન્ડ મુશાયરા
૫) થોડાક કોયડા કોર્નર
૬)  સહિયારા સર્જનને વરેલાં ચાર  અન્ય  અભિયાનોનું અભિવાદન
૭) આવાં મોટા ભાગનાં ગ્રુપોમાં પ્રચલિત ‘ફોર્વર્ડ’ કરવાની મનોવૃત્તિ પર લગામ/ બ્રેક!
૮) ‘ગમતાંનો ગુલાલ’ માંથી ‘ગુલાલને ગમતો’ કરવાના ગુગમના પાયાના સિદ્ધાંતનો સ્વીકાર.

શું બાકી છે?

ઘણું બધું ….
૧) નોંધાયેલા મિત્રોમાંથી ૧૦ / ૧૨ મિત્રો જ પ્રદાન કરતાં રહ્યાં છે. અન્ય મિત્રોની પ્રેક્ષક વૃત્તિમાં પરિવર્તન બાકી છે!
૨) સંગીત, નૃત્ય, અભિનય, શિલ્પકળા, ઈતિહાસ, પુરાતત્વ, ઓરીગામી, કિરિગામી, પૂંઠાકામ,ભરત, ગૂંથણ, રસોઈ કળા, હોબી પ્રોગ્રામિંગ, ટેન્ગ્રામ, વિ.વિ. લલિત કળાઓમાં સામૂહિક સર્જન.
૩) સાહિત્યના અન્ય પ્રકારોમાં નવું ખેડાણ
૩) અંગત રચનાઓ અને અંગત ગમા / અણગમામાંથી સર્વાંશ મુક્તિ ( અમે ત્રણ એડમિન પણ એનાથી પૂર્ણ મુક્ત નથી થઈ શક્યા – ક્ષમાયાચના )

હવે શું?

૧) નીરાશ થવાની સહેજ પણ જરૂર નથી. આ બાળક ચાલી શકે, દોડી શકે તે માટે તેના હૈયામાં, એના વિચાર બીજમાં ….. એની બ્લુ પ્રિન્ટમાં  હિમાલયનું શિખર સર કરવાની હામ છે. એના જિન્સમાં વિશ્વ કક્ષાનું દર્શન અને ભારતીય સંસ્કૃતિની ગરિમા છે. ભલે એ એવરેસ્ટ પર આપણે પહોંચી ન શકીએ, આબુ કે પાવાગઢ પર પણ કદાચ નહીં. પણ અમદાવાદના કાંકરિયાના કાંઠે આવેલ બગીચામાં આવેલી વન ટ્રી હીલ પર તો આપણે જરૂર પહોંચી શકીશું – એવો આશાવાદ સેવીશું ને?
૨) આગંતુક સમયમાં આપણે વધારે ને વધારે ઝોક સામૂહિક સર્જન પર આપીશું. નવી નવી સંઘ રમતો શોધી કાઢીશું. બાળકનો તંદુરસ્ત વિકાસ ( શારીરિક તેમ જ માનસિક ) રમત ગમત દ્વારા જ થઈ શકે ને, વારુ?  સિદ્ધ હસ્ત સર્જકો પાસેથી પ્રેરણા લઈને આપણે પણ એકડો બગડો ઘૂંટતા થઈશું ને? નોંધી લઈએ કે, સામૂહિક / સામાજિક ઉત્થાનનો પ્રારંભ ‘સ્વ’ ના બદલાવથી જ થઈ શકે.
૩) જે મિત્રને ગુગમના વિચારને આગળ ધપાવવાની ઇચ્છા હોય અને પોતાના સંચાલન હેઠળ  પોતાના સમ્પર્કોમાં આગવું ગ્રુપ શરૂ કરવું હોય - તેમને છૂટ જ નહીં, ઉત્તેજન અને આશિર્વાદ છે. પણ જો તેઓ ગુગમનો લોગો અને નામ વાપરવા ઇચ્છતા હોય તો તેમના નવા ગ્રુપમાં ગુગમનો શ્વેત પત્ર પણ જરૂર સામેલ રાખે. એનું શિસ્તપાલન થાય તેનો આગ્રહ પણ રાખે. પોતાની આગવી રીત અપનાવવી હોય તો પણ તેને આપણા આશિષ છે.
૪) હાલમાં સંચાલનનો બધો ભાર શ્રી. સુરેશ જાની પર છે. અન્ય મિત્રોને એ ભાર થોડોક હળવો કરવા આમંત્રણ/ વિનંતી છે. એ જ રીતે આપણા બ્લોગની કામગીરીમાં મદદ કરવા  પણ ઈજન છે.( ખાસ તો બ્લોગર મિત્રોને)
૫) સામૂહિક સર્જનની કામગીરીમાં કોઈ એક પ્રવૃત્તિનું સંચાલન કરવાની જવાબદારી માથે લેવા પણ મિત્રોને આમંત્રણ/ વિનંતી છે.
૬) આપણા નિયમોમાં થોડાક ફેરફાર કરવા ઉમેદ છે.  અંગત વિગતો, સિદ્ધિઓ ની પ્રસિદ્ધિ ન કરાય તો વધારે સારું . પણ કમ સે કમ એ અંગે  મુબારકબાદીઓ અને અભિનંદન સંદેશા વ્યક્તિગત રીતે જ આપવાની શિસ્ત ઉમેરવામાં આવે  છે.
૭) હવે પછીનો અહેવાલ ૧, એપ્રિલ- ૨૦૨૦ ની આસપાસ રજૂ કરવામાં આવશે !

સમાપનમાં ….

નિશાન ચૂક માફ
ન કદી નીચું નિશાન


Miles to go before I sleep.

Miles to go before I stop, 

- Robert Frost

- તંતરી મંડળ

No comments:

Post a Comment