Jan 10, 2020

મુશાયરો - ખાલીપો


     મુશાયરામાં કદી ખાલીપો ન જ હોય. પણ આપણે ખાલીપા પર મુશાયરો કર્યો ! જેમ જેમ સામગ્રી આવતી ગઈ, તે ક્રમમાં શાયરાના સામગ્રી પેશ હૈ !
નોંધ - 
વતનના વર્ણનનને લગતાં લખાણ અહીં લીધાં નથી. એ વિષયને 'ખાલીપા' સાથે જોડવો સુસંગત લાગ્યું નથી. 

સુરેશ જાની

ખાલીપો બાળપણનો....
પેલા ગીલ્લીદંડા-કોચમણી-લખોટી-માચીસ બોક્સ ને સીગારેટના ખોખાનો.
ખાલીપો શાળા જીવનનો....
માબાપ ભાઈ બહેનોની ત્યાગ સભર નિશ્રામા ભણતર ને ધીંગામસ્તીનો.
ખાલીપો એમ. જી- એલ ડી એન્જી.
એ સ્મીધી-કારપેન્ટરી- ફીટીંગ્સ- ઈલે. વાયરીંગ- એન્જી ડ્રોઈંગ ને અનન્ય દોસ્તો સાથે માણેલી ટેકનિકલ ટુર્સનો.
ખાલીપો લગ્ન જીવનના રોમાન્સનો ને માબાપની પ્રેમ સભર સેવાનો.
ખાલીપો! ના ના આ સીત્યોત્તેર વર્ષના બાળ વૃધ્ધ જીવનના ભરપુર ભરેલા નીજાનંદની સુનામિનો.
-અતુલ ભટ્ટ
-----------------------------------
હાઈકૂ
આંસું સૂકાયાં
નકર્યું આ વેરાન
ખાલીપો હસે.
- સુરેશ જાની
-------------------------------
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે
સ્મરણોના ફોટા
આજે અંતે એ સમજાયું
ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે…!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી
સઘળાં તાળાંઓ ખોલી દે
બંધ ગુફાને દ્વારે આવી
‘સિમ સિમ ખૂલ જા’-તું બોલી દે…..
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે …!

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા  ( લયસ્તરો પરથી )
---------------------------
ગઝલાવલોકન–૨૧, ઊંચકી સુગંધ  (વેબ ગુર્જરી પરથી )

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……
                                        – ભાગ્યેશ જહા
ભાગ્યેશ જહા, કવિ જીવ અને કાર્યક્ષેત્ર -સરકારી કાવાદાવા અને કાદવ, સરકારી માયાજાળમાં સુગંધ ઊંચકીને ઊભેલું ગુલાબ. એમની અંતરની વેદનાનું આ કાવ્ય છે. ભીડની વચ્ચે અનુભવાતા ખાલીપાની એ વ્યથા છે. કદાચ ઘણાના મનની એ વેદના. સર્વાઈવલ માટે જે કામ મળે તે કરવું પડે, પણ અંતરની આરજૂ તો અલગ હોય – એ મોટા ભાગની સંવેદનશીલ વ્યક્તિઓની મનોવ્યથા હોય છે.
ભાગ્યેશ ભાઈએ બહુ નાજૂકાઈથી આ વ્યથાનું અહીં આલેખન કર્યું છે. આપણે એ આક્રોશની અંદર થોડાક જઈએ. શું માણસે આમ અંદર ને અંદર રોતાં જ રહેવું જોઈએ? જીવનના એક દિવસમાં આપણને ૨૪ કલાક મળતા હોય છે. આઠ – દસ કલાકની એ વ્યથા શા માટે ઓથાર બનીને બાકીના સમયમાં જીવનના પ્રકાશને બુઝાવતી રહે? કોઈ કહેશે, ‘ઘેરે આવીને બીજી અકળામણો, નવા પ્લેટફોર્મ પરના સંઘર્ષો.’ કોઈ સામાજિક પ્રસંગે જઈએ અને ત્યાં વાર્તાલાપ અને ચર્ચાઓમાં પણ હૂંસાતુંસી – ‘પોતે જ સાચા છે.’ એ પુરવાર કરવા માટેની મલ્લકુસ્તી!
બહુ જાણીતી પઝલ યાદ આવી ગઈ –
પાણીથી ભરેલો પ્યાલો – અડધો ખાલી કે અડધો ભરેલો? નકારાત્મક નજર – અડધો ખાલી; હકારાત્મક નજ્રર – અડધો ભરેલો; અને ખરેખર સ્થિતિ? – અડધો ખાલી અને અડધો ભરેલો.
પુખ્ત વિચાર ત્રીજો છે. એ જ હકીકત છે. આમ છે અને તેમ હોવું જોઈએ – એ વિચાર વમળમાં ફસાયા વિના હકીકતનો સ્વીકાર અને એમાંથી જે મળે તે થોડી ઘણી સુગંધ આપણી પોતીકી કરવાનો આનંદ.
અને આ જ વાત અહીં કહેવી છે. શું આપણને બહુ જ વહાલી છે એવી આપણી જાત માટે એ ચોવીસ કલાકમાં એક અને માત્ર એક જ કલાક ન ફાળવી શકીએ? ભાગ્યેશ ભાઈએ આવી સુંદર કવિતાઓ લખી લખીને એમના મ્હાંયલાને સિંચ્યો જ છે ને? – એ રીતે?
- સુરેશ જાની
-----------------
શાંત ઝરૂખે વાટ નિરખતી 
રૂપની રાણી જોઇ હતી
મેં એક શહજાદી જોઇ હતી……

એના હાથની મહેંદી હસતી’તી,
એની આંખનું કાજળ હસતું’તુ,
એક નાનું સરખું ઉપવન જાણે
મોસમ જોઇ મલકતું’તુ.
એના સ્મિતમાં સો સો ગીત હતાં,
એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન,
એને પગરવ સાથે પ્રીત હતી.
એણે આંખના આસોપાલવથી,
એક સ્વપ્નમહલ શણગાર્યો’તો,
જરા નજરને નીચી રાખીને,
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઉછળતી’તી,
ને પવનની જેમ લહરાતી’તી,
કોઇ હસીન સામે આવે તો ,
બહુ પ્યારભર્યું શરમાતી’તી.
તેને યૌવનની આશિષ હતી,
એને સર્વ કળાઓ સિધ્ધ હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા,
ખુદ કુદરત પણ આતૂર હતી……

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.
ત્યાં ગીત નથી, સંગીત નથી;
ત્યાં પગરવ સાથે પ્રીત નથી.
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી,
ને ઉર્મિઓના ખેલ નથી.
બહુ સૂનું સૂનું લાગે છે,
બહુ વસમું વસમું લાગે છે.
એ ન્હોતી મારી પ્રેમિકા,
કે ન્હોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરૂખે
વાટ નીરખતી જોઇ હતી.
કોણ હતી એ નામ હતું શું ?
એ પણ હું ક્યાં જાણું છું ?
એમ છતાંયે દિલને આજે
વસમું વસમું લાગે છે,
બહુ સૂનું સૂનું લાગે છે……
- સૈફ પાલનપુરી
 ( નંદન શાસ્ત્રી દ્વારા )
-------------------------------
ઝરૂખો એક અલગ નજરથી ...
શાંત ઝરુખે વાટ નિરખતી…..
અને
વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….
કયા કલા અને સાહિત્યપ્રેમીએ ‘સૈફ પાલંપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય? ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે?ઘણા વિચાર પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન જણાયું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-
અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક હોઇ શકે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી નથી લાગતી?

અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મ્રુત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સૂના સૂના નથી કરી નાંખતું?
- સુરેશ જાની
------------------------------------

ખાલીપો જીવનનો સર્વકાલીન સાથીદાર છે. જીવનના વિવિધ તબકકાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપે ખાલીપો સાથે હશે જ.
ખાલીપાને તમે એક તરફથી જ ન  જુઓ, મિત્રો!   બીજી બાજુથી પણ જુઓ તો મઝા આવશે.

જીવનની સભરતા ખાલીપાથી છે, જીવનની સધ્ધરતા પણ તેનાથી છે.

તે તમને વિચારશીલ પણ બનાવે, પ્રવૃત્તિશીલ પણ.

ખાલીપો 'ન હોવાપણા'નો અહેસાસ કરાવે છે, તે જ ખાલીપો હોવાપણાનું મહત્વ સમજાવે છે.
- હરીશ દવે 
--------------------------
કાર્ટૂન - જતિન વાણોયાવાળા

----------------------------
ખાલીપો= શુન્યાનંદ= પુર્ણાનંદ
- અતુલ ભટ્ટ
-------------------------

વિખૂટા પડ્યાનો વલવલાટ - પ્રો. મુકેશ  રાવલની  અંગ્રેજી કવિતા  Withdrawal symptoms નો ભાવાનુવાદ અને રસદર્શન

ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણ
ભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાય
જ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં !

સોબતમહીં એ ઝંખે એકલતા
તો વળી એકલતામાં શોધે ટોળાં
અને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય !

જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરે
ઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકી
અને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ !

તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયે
કશું ન પામે જોવા કે સૂણવા
ને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું !

આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *
Withdrawal symptoms

The post modern heart,
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.

In company wants loneliness
in solitude searches crowds
surfs books reaches nowhere.

When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.

Switches over and over to channels
to watch nothing listen nothing
but peeps into shallow surfaces

you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.

-Mukesh Raval

* * *
રસદર્શન :

આધુનિક માનવીની મન:સ્થિતિને ઉજાગર કરતું કવિનું આ વિશિષ્ટ વિષય ઉપરનું કાવ્ય સાહિત્ય ઉપરાંત તેમના અન્ય સામાજિક વિજ્ઞાનોના અભ્યાસને છતું કરે છે. આપણા આ કવિ પાસે કાવ્યના વિષયોનો કોઈ તોટો નથી અને તેથી જ તો આપણને મનોવિજ્ઞાનમાં આજકાલ બહુચર્ચિત એવી હાલના માનવીની મનોવૈજ્ઞાનિક સમસ્યા કે જે ‘Withdrawal symptoms’ તરીકે ઓળખાય છે, તે કાવ્યનો વિષય બનીને આવે છે અને કવિએ તેને જ શીર્ષક તરીકે મૂક્યું પણ છે. કવિશ્રી અને ભાવાનુવાદક એવા અમે બંનેએ આપસી વિચારવિમર્શ થકી સમાનાર્થી અને સમભાવી એવા ‘વિખૂટા પડ્યાનો વલવલાટ’ શીર્ષક માટે સહમતી સાધી છે, જે સ્વયં કાવ્યના મધ્યવર્તી વિચારને તો દર્શાવે છે; પણ સાથે સાથે વાચકને વાંચન માટે આકર્ષવા પણ સફળ બની રહે છે.

અહીં ‘કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય’ એવી આધુનિક માનવીની મનોવ્યથાની વાત છે. વિજ્ઞાનની અકલ્પ્ય શોધોએ માનવી માટે ભૌતિક સુવિધાઓનો અંબાર ખડકી દીધો અને છતાંય માનવી વ્યથિત છે, એને સુખચેન નથી. સાવ દેશી શબ્દોમાં કહીએ તો માનવી આંતરિક રીતે દુ:ખી છે; અને આ દુ:ખ બીજું કોઈ નહિ, પરંતુ સુખનું જ દુ:ખ છે. વળી કવિએ આ કાવ્યમાં માનવીના એ વલવલાટને માત્ર વાચા આપી છે, એ દુ:ખના નિવારણનો કોઈ ઈલાજ નથી સૂચવ્યો. માનવીએ આત્મનિરીક્ષણ દ્વારા એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ જાતે જ શોધી લેવાનો છે. ટોળાથી વિખૂટું પડેલું કોઈ પ્રાણી સૂનમૂન ઊભું રહી જાય અને સામે પડેલા ઘાસચારાને કે પીવાના પાણીને માત્ર જોયા જ કરે એવું કલ્પનાચિત્ર નજર સમક્ષ લાવવાથી માનવીની આ માનસિક અકળામણને સમજી શકાશે.

હવે આપણે કાવ્ય તરફ વળીએ તો પ્રારંભે જ કવિ આપણને કાંટાળા ઝાંખરામાં ફસાયેલા હરણનું દૃષ્ટાંત આપીને માનવીના દિલની ક્ષુબ્ધતા, ઉદાસીનતા અને એના અવઢવપણાને સમજાવે છે. આ માનવીની એવી દયાજનક મનોવ્યથા છે કે તેની પાસે બધું જ હોવા છતાં તેને કંઈક ખૂટતું હોવાનું તે મહેસુસ કરે છે. અહીં વિધિની વક્ર્તા એ જોવા મળે છે કે માનવી ખૂટતા એ ‘કંઈક’ને જાણી શકતો નથી. પેલી બાળવાર્તામાં આવતી ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી; અને છતાંય તે ઉદાસ રહ્યા કરે !’ જેવી સ્થિતિમાં પોતે મુકાઈ ગયો હોવાનું આધુનિક માનવી વિચારે છે.

કવિ આગળ જતાં માનવીની વ્યથામાંથી બહાર નીકળવા માટેની મથામણ અને અંતે મળતી નિષ્ફળતાને સુપેરે સમજાવે છે. માનવીને સામાજિક પ્રાણી ગણાવાયું હોઈ એ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે, છતાંય વળી કોઈક વાર એકધાર્યા સમૂહજીવનથી તે કંટાળી જાય છે અને એકાકીપણું ઝંખે છે. તો વળી આવી એકાકી સ્થિતિમાં પણ તે ઝાઝો સમય રહી શકતો નથી અને ફરી પાછો ટોળાના આશરે જાય છે. પુસ્તકોના સહવાસથી કદાચ મનને શાંતિ મળી રહે તે આશયે તેમને ફેંદી વળે છે, પણ પરિણામ શુન્ય જ પ્રાપ્ત થાય છે. પુસ્તકોના વિકલ્પે આજકાલ સહજ રીતે પ્રાપ્ય એવા વિવિધ માર્ગે સેવાઓ આપતા કમ્પ્યુટર સાથેની માનવીની માથાફોડી પણ નિરર્થક સાબિત થાય છે. કવિ માનવીની અનિર્ણિત અને ચંચળ મનોદશાને સમજાવવા માટે મેળામાં ખોવાયેલા બાળકનું સરસ મજાનું દૃષ્ટાંત આપે છે. આવું આપ્તજનોથી વિખૂટું પડેલું બાળક આમથી તેમ વિહ્વળતાપૂર્વક ભટક્યા કરતું અને વલોપાત કર્યા કરતું હોય એવા શબ્દચિત્ર થકી કવિએ કાવ્યના લક્ષને સિદ્ધ કરી બતાવ્યું છે. કાવ્યની આ કડી વાંચતાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ વાચકોને ખ્યાતનામ એવા ‘The Lost Child’ કાવ્યની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

આધુનિક સમયની ટી.વી.ની સુવિધા વિષે કહેવાય છે કે હાથનાં આંગળાંના ટેરવાં થકી વિશ્વદર્શન (The world at the finger tips) કરી શકાય. પરંતુ આપણા કવિ તો એ ઉપકરણને પણ નિરર્થક સાબિત કરી આપતાં સમજાવે છે કે માનવીની સુખશાંતિની ઝંખના એના થકી કદીય સિદ્ધ નહિ થાય. હાથમાંના રિમોટ કન્ટ્રોલ વડે ચેનલો બદલાયે જશે અને અમથી અમથી ટી.વી.ના સ્ક્રીન ઉપર નજરો ફર્યા કરશે, પણ કશુંય હાથ નહિ લાગે; અને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર (Much ado about nothing) જેવું જ થઈ રહેશે ! ટી.વી.ની બિનઅસરકારકતા છતાંય માનવીનો દિવસરાત એની સાથેનો લગાવ એવો જળવાઈ રહેતો હોય છે કે તેનાથી તે અળગો રહી શકતો નથી અને સાથે સાથે એ કશુંય પામતો પણ નથી હોતો.

કાવ્યસમાપને કવિ કોમ્પ્યુટર અને ટી.વી. સાથે જળોની જેમ ચોંટી રહેતા એવા માનવીઓને અકળ એવા કોઈક રોગનો ભોગ બનેલા કલ્પે છે. કવિ એ રોગનું નામ આપવાના કેટલાક વિકલ્પો સૂચવ્યા પછી પોતે જ માનવીની આવી ઘેલછાને ‘વિખૂટા પડ્યાના વલવલાટ’ તરીકે ઓળખાવી દે છે અને ખરે જ તે યોગ્ય પણ છે. હવે આપણે નક્કી કરવાનું રહે છે માનવી કુટુંબ સાથે અને સમાજની વચ્ચે જ રહેતો હોવા છતાં એ કોનાથી વિખૂટો પડ્યો હશે અને એનો કયો વલવલાટ હશે ! કવિએ તો આધુનિક માનવીના આ આધુનિક દર્દનું નામકરણ દર્શાવી દઈને પોતાના હાથ ખંખેરી લીધા છે અને દર્દશામક ઔષધની ખોજ તો એ ખુદ માનવીએ જ કરવી રહી.
- વલીભાઈ મુસા
------------------------------------
લેક્સિકોન પર 'ખાલીપો' નથી !!

પણ... ત્યાં જ થિસોરસમાં છે -

- હરીશ દવે 
----------------------------

"કોઈકે આજે દુઃખનો સમાનાર્થી પૂછ્યો , મેં કહ્યું એક " એના" મારી સાથે અબોલા થકી અનુભવતો ખાલીપો."     
-  નંદન શાસ્ત્રી
---------------------------------
એ બેશરમ પવન
મારી સાંજની ઉદાસીને
કંપાવી ચાલ્યો ગયો..
એને શું ખબર પડે
ખાલી ઘરમાં માત્ર અથડાવું જ પડે!
- પ્રજ્ઞા દાદભાવાળા
--------------------------------

- પરભુલાલ ભારદિયા
------------------------------
અલાયદો  ઓરડો  -  અર્ચિતા દીપક પંડ્યા
ભેટ
ઘડપણની
જુવાનીમાં
જ્યારે
જણ્યો
પરિવાર
હકડેઠઠ
ભીડમાં
ચાલતું'તું
જીવન!


છે
જગ્યા
સાવ
અલાયદી
તારા માટે
મા!
કારણ
બધાં
માટે
ઘસાઈને
તું
પરવારે
પહેલાં 
બધાં
એમના એમના કામે!


એક
અલાયદો
ઓરડો
મારા
દિલનો
બહાર
ઠઠ્ઠા મશ્કરી
કરતાં
અંતરંગી
મિત્રો!

અને એનું રસ દર્શન 
એક એકલવાયી મહિલાની વ્યથા આ ત્રયીમાં દર્શાવાઈ છે. 
ઘડપણ આવતા એકલ સ્ત્રીની શું હાલત થાય છે અને તેની મજબૂરી ને દર્શાવે છે. કુટુંબીજનો કઈ રીતે તેને સાચવે છે - એક અલાયદા ઓરડામાં - તેનું સચોટ વર્ણન છે. 
જ્યારે જુવાન હતી અને ત્યારે તેનું જે જીવન હતું તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિ તે અનુભવી રહી છે તેનું આ ત્રયીમાં નિરૂપણ છે.
- નિરંજન મહેતા 
----------------------------------

"દીપ"ની જ્યોતિના સૂનકારમાં,
લાગણીની રંગોળી પૂરતી "રોશની"!

હૃદયની ધડકનોના નિઃશબ્દ વિરામને,
પ્રેમગાને રણકાવી દેતી તું!

શ્વાસ-ઉચ્છવાસના મૃત અવકાશને,
પ્રાણશક્તિથી સંચારિત કરતી તું!

વિચારોના વમળમાં થંભેલી ક્ષણોને,
ચૈતન્યથી પ્રેરિત કરતી તું!

જીવનના કોલાહલમાં સ્તબ્ધ આયખાને,
માતૃત્વની હૂંફ આપતી તું!

સર્જન-વિનાશના ચક્રની સુષુપ્તિને,
ચાલક શક્તિ આપતી તું!

અણુ-પરમાણુનાં અતિરિક્ત સ્થાનને,
ધારક શક્તિથી સાંકળતી તું!

મારા સર્જેલા સર્વે મિથ્યા ખાલીપામાં,
પ્રગટાવતી નવું સત્ય સદૈવ તું!

- ચિરાગ પટેલ 
---------------
એકલતા

       દેશ કે પરદેશમાં કોઇ પણ વયમાં એકલતા અનુભવવી નવાઇ નથી. કેટલીક પરિસ્થિતિ માણસ જાતે ઉભી કરે છે. સ્વભાવગત. તો કેટલીક વાર આર્થિક કે સામાજિક પરિબળો ભાગ ભજવે છે.  સ્વભાવગત જોઇએ તો કેટલાક લોકો એકલસુરા હોય. પોતે આર્થિક ને શારિરીક  સ્તરે મજબુત હોય એટલે એ એમ જ માનતા થઇ જાય કે આપણને કોઇની જરુર નથી. આવા લોકો  બીજાના સુખદુઃખથી અલિપ્ત રહે છે.પોતાની દુનિયામાં પોતે જ રાજા. સમાજના લોકો એને ઘમંડી ને અભિમાની ગણીને દુર રહે છે. તો સામે એવા એકલસુરા એમ માને કે આપણે કોઇની પંચાત કરતા નથી કે, કોઇને નડતા  નથી. પણ એક સત્ય એને ત્યારે સમજાયછેજયારે સથવારા રુપપતિપત્ની કે બાળકો માળો છોડી જાય,ઉંમર આંબી જાય. ખબર પડે કે ગમે એવો ખેરખા પણ જન્મીને ચાલવા નથી મંડતો કે મરીને જાતે સ્મશાન નથી જઇ શકતો.જીવન ને મરણમાં બીજાની જરુર પડે જ છે. આ માટે આપણા રમણ પાઠક’વાચસ્પતિ’ નું કાવ્ય એની પોતાની પાછલી વયની એકલતા માં એની વ્યથા ઠાલવી છે. ચંદ્રકાંત બક્ષીએ lonly ને alone  બેશબ્દ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે.

       બીજી પરિસ્થિતિ બદલાતી સમાજવ્યવસ્થા છે. એક સમયે આપણે ત્યા સંયુંક્ત પરિવારો હતા.એ સમયે આપણી પાસે આજીવિકાના સ્ત્રોત બહુ મર્યાદીત હતા ને વંશ પરંપરાગત હતા જેમાં વડીલોના
 અનુભવો ને માર્ગદર્શનની જરુર પડતી. તો નાની વયે સાસરે આવતી કે જતી વહુ કે દિકરીને વડીલ સાસુ કે બીજી અનુભવી વ્યકિતની જરુર રહેતી. આવા સયુંક્ત પરિવારમાં આવી બિનઅનુભવી વહુ વડીલોના માર્ગદર્શન નીચે ઘડાતી ને તૈયાર થતી. બાળકો દાદા દાદીની મદદથી કયારે મોટા થઇ જાય એ ખબર પણ ન પડે તો સામે વડીલોને સંતાનોની હુંફ.પોતાના વિશાળ પરિવાર ઉપરાંત આજુબાજુ પણ આવા પરિવારો. પરિણામે માણસને એકાંત શોધવા છેવટે વનમાં જવુ પડે એટલે જ કદાચ આપણે ત્યા છેલ્લી વાનપ્રસ્થાશ્રમનો આદેશ છે.આ સિવાય પણ લોકોને એકલતા સતાવતી નહિ. કારણ સાંજ પડે વયસ્કો ગામને ચોરે કે ઘરની ડેલીના ખાનામાં એના જેવા લોકો, સાથે મંડળી જમાવીને બેસે. બહેનો સવારસાંજ મંદિરે જાય ને ઓટલે ચર્ચાસભા જમાવે. યુવાન વહુદિકરીઓ રાતે કામકાજથી પરવારી શેરી કે ચોકમાં રાસગરબાની રમઝટ બોલાવે.બાળકો ગામને પાધરે વડ નીચે ખુ્લા મેદાનમાં રમે, નદીતળાવમાં ધુબકા મારે ને અનેક રમતો રમે. ટુંકમાં સહુને પોતાને ગમતી પ્રવૃતિ ને સાથ મળી રહે,કોઇ ચાહે તો પણ એકલુ ન પડે. મનોરંજનના સાધનો સાદા,મદારી આવે, બત્રીસપુતળીનો ખેલ આવે,ભવાયા આવે,રાસલીલા ભજવાય, જાદુના ખેલ થાય. આવી અનેકવિધ પ્રવૃતિઓ માણસને એકલો પડવા જ  ન દે

        પછી આજીવિકાના સાધનો ને નવા  રસ્તા ખુલ્યા. માણસ વતન છોડી દેશાવર ખેડતો થયો. ગામડા છોડી શહેર ને દેશાવર પંહોચી ગયો.વડીલો એકલા પડવા લાગ્યા. હવે માહીતિ ને આજીવિકા કે પરિવારની પરવરીશમાં એમની જરુરિયાત ઓછી થઇ ગઇ.શિક્ષિત દંપતિમાં બે જણની આવક, બાળકોને સાચવવા આયા, બાલમંદિર ને શીશુવિહાર જેવી સગવડ ઉભી થઇ. તો રસોડામાં વાનગીબુકો, મંડળોની મદદ મળતી થઇ. એ સિવાય શહેરોમાં રહેઠાણની તંગીને કારણે માબાપ જ સમજીને વતનમાં એકલા રહેવાનું પસંદ કરે
.      હવે જયા  સુધી ચાલીમાં રહેતા હોય તો પાડોશનો થોડોઘણો ય સબંધ હોય પણ ફ્લેટની જીંદગી એટલે સંપુર્ણ ઉભી કરેલી કેદ. બારણુ બંધ કરો  પછી અંદર એજ તમારી દુનિયા.સાજા માંદા થાવ.એકસો આંઠને ફોન કરો. પાડોશીને જાણ પણ નથાય. જાણે સહુ બીજા જ ગ્રહ પર રહેતા હોય. એક કારણ એ પણ હોય કે ગામડામાં લગભગ એક જ ધર્મ કે માન્યતાના લોકો જે એકબીજાને પેઢીઓથી જાણતા હોય. કોઇ અજાણ્યુ નહિ. સામે શહેરમાં પાડોશી પરપ્રાંતિ, અલગ ધર્મ,રીતીરિવાજ,તહેવાર,ભાષા. પરિણામે એકબીજાને સમજવાની મુશ્કેલી ને કોઇને એવો સમય પણ નથી. .હવે ગમે ત્યારે કોઇને ત્યા વગર આમંત્રણે કે કસમયે ટપકી પડવુ એ અવિવેક ને અસભ્ય ગણાય. સબંધો પણ ગણતરીના બાંધવાના. આજે માણસ માણસ સાથે નહિ પણ બહુધા મશીન સાથે જીવે છે. પછી ભલે કહેવાતુ હોય કે પહેલો સગો પાડોશી કે જીસસ કહ્યુ હોય કે love your neighbour as you love uour self

      તો આ સમયનો  તકાજો છે.આજની પેઢીને સ્વતંત્રતા કે પ્રાઇવસી કે our space માટેની માગ વધતી જાય છે. સમજુ માબાપ સારા સબંધો જાળવી રાખવા સંતાનોને પરણીને અલગ ઘર વસાવવાની સલાહ આપે છે. કારણ સાથે રહીને લાંબા સમયે મનદુઃખ થાય એવા સંજોગોમાં પરિવારો જે વિખુટા પડે પછી એ તિરાડ સાંધવી  બહુ મુશ્કેલ હોય છે. એટલે સાથે રહીને જુદા રહેવું એના કરતા જુદા રહીને સાથે રહેવું એમાં શાણપણ  છે.  મને કે કમને એકલતા સહન કરવી પડે છે.એક આધુનિક રોગ કે પ્રગતિની આડઅસર જે ગણો તે.

- વિમળા હીરપરા
-------------------------
ખોબો ભરીને અમે એટલું હસ્યાં -જગદીશ જોષી
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.


-  મનીશ ઝિંઝુવાડિયા
-------------------------
બે મુક્તપંચિકાઓ


 - હરીશ દવે
---------------------
ખાલી

ઘર ઘર રમતા રમતા
નહોતી ખબર કે હું...
વાસણોના રમકડાંઓ..
વસાવતા વસાવતા...!
બધાને ચાહવા લાગીશ..!
ખાલી...

આજે બધા વાસણોને
ભરી એક કોથળામાં...
નીકળી પડી ઘરને
ખાલી કરી ફરી મારા..
નવા મુકામે જ્યાથી ..
ખાલી...

બધા નાનામોટા સર્વે
ઘર ઘર રમતા સાધનો...
તને ક્યા શોધું ..?
વાસણો માં કે ફ્રેમમાં..?
જેને ખાતર શરૂ કર્યો હતો..!
ખાલી...!

કરી મે એ ફ્રેમ ખોલીને,
કરી દીધું એ મન ખાલી
હવે નવે આંગણે રાખીશ
બધું જ ખાલી..
*ખાલી...ખાલી...!

-  જયશ્રી.પટેલ
--------------------------




1 comment:

  1. સુરેશભાઈ! થોડા દિવસો પહેલાં આપણા અંગત વિચાર વિનિમયમાં સહિયારા સર્જનના પ્રયાસ વિશે આપણને સચિંત નિરાશા ઉપજી હતી.
    પણ હવે આનંદો.. 'ખાલીપો'ને જે હૂંફાળો પ્રતિસાદ મળ્યો છે તે આશાનાં કિરણો લાવે છે. ધીરે ધીરે સૌ જોડાતાં જશે.
    હરીશ દવે .... અમદાવાદ

    ReplyDelete