Dec 29, 2020

પ્રકૃતિમાં વિવિધતા

 ઉદ્ઘાટક - હરીશ દવે 

આજનો વિષય છે  પ્રકૃતિમાં  વિવિધતા.

ચાલો, આજે પ્રકૃતિમાં  વિવિધતા પર સર્જન કરીએ. માનવ જીવનમાં પ્રકૃતિનાં  મહત્વ વિશે વિચારીએ. જીવન પર  પ્રકૃતિમાં  વિવિધતા ના પ્રભાવ વિશે વિચારો વ્યક્ત કરીએ.  

--

બહુરત્ના વસુંધરા છે આપણી સૃષ્ટિ! આપણી પૃથ્વી પર પ્રકૃતિ માતાએ મબલખ વૈવિધ્ય રેડ્યું છે.

આપણી ધરતી પર સજીવ  સૃષ્ટિ હોય કે નિર્જીવ સૃષ્ટિ, સર્વત્ર રોચક વિવિધતા છલકાય છે.  આકાર, રૂપ,  રંગ, કદ, લક્ષણો.... બધી બાબતોમાં  ભિન્નતા,  બધે જ વિવિધતા! પ્રકૃતિની વિવિધતા સૃષ્ટિમાં મનભાવન સૌંદર્ય રેલાવે છે.  આપણા જીવનમાં રંગો પૂરે છે, નાવીન્ય આણે છે. તે થકી તો જીવન ધબકતું રહે છે. વિશાળ  ફલક પર  જીવન સાતત્યની પ્રેરક પણ પ્રકૃતિની  વિવિધતા જ છે ને!

આપણે પ્રકૃતિની વિવિધતાને માણતા રહીએ! તેનું  સ્નેહથી જતન કરીએ! આપણે  સૌ શ્રદ્ધાભાવથી  પ્રકૃતિ માતાને ભરપૂર  પ્રેમ કરીએ!

સુરેશ જાની

આમ તો 'પ્રકૃતિની વિવિધતા' -  વિષય છે. પણ આપણે પણ પ્રકૃતિના એક ભાગ છીએ અને આપણી પ્રકૃતિ પર આ આક્રોશ અસ્થાને નહીં લાગે .

નિરંજન મહેતા
મુક્તપંચિકા
***
વહેતું જળ 
ફૂલ સુવાસ 
ચહેકતા પંખીઓ  
છે પ્રકૃતિની 
આ વિવિધતા 
---
પ્રકૃતિની વિવિધતા માટે તો ઘણું કહી શકાય. સજીવ અને નિર્જીવ પદાર્થોમાં આ વિવિધતા જોવામાં આવે છે. પણ તે માણવા માટે તેવી દ્રષ્ટિ જોઈએ. આજના ભાગમભાગના સમયમાં પ્રકૃતિમાં શું શું સમાયું છે તે જોવાની બહુ ઓછા લોકો ઈચ્છા કરે છે અને જે કરે છે તે તેને માણે છે. પક્ષીઓને જુઓ. વિવિધ રંગરૂપ અને કદના પક્ષીઓ પણ આપણને આનંદ આપે છે. તો મોટા વ્રુક્ષો સાથે ઉછરતા નાના છોડ પણ પ્રકૃતિની દેન છે અને તે વિવિધતા પણ અનેરી છે. નાના છોડ પરના ફૂલોને જોઈએ તો કેટકેટલ રંગોના ફૂલો જોવા મળે છે. આ વિવિધ રંગો જોઇને જોનારની આંખોને ઠરે છે. તળાવો, નદી જેવા જળપ્રવાહો જોવાનું ચૂકો તો તે તમારું કમનસીબ. પહાડ પરથી પડતો જળધોધ અને તેને કારણે રચાતું ઇન્દ્રધનુષ પણ મનને પ્રફુલ્લિત કરી દે છે. 

બાર મહિનાનાં સમય દરમિયાન સમયે સમયે પ્રકૃતિ તેના રંગ બદલે છે. શિયાળાની ઋતુમા જે નજારો જોવા મળે છે તે ઉનાળામાં બદલાઈ જાય છે અને અન્ય રંગદર્શન થાય છે. તો ચોમાસામાં વળી અન્ય સ્વરૂપ પ્રગટ થાય છે. ઉનાળામાં સુકાયેલી ધરતી ચોમાસામાં નવપલ્લવિત થાય છે ત્યારે તે જોઇને આંખો વિસ્ફારિત બની રહે છે. 
જગતભરમાં વાતાવરણ એક સરખું નથી હોતું. જે પ્રકૃત્તિદર્શન એક જગ્યાએ થાય છે તે અન્ય જગ્યાએ કદાચ જોવા ન મળે. તો ત્યાં અન્ય પ્રકારનો નજારો જોવા મળશે. આ જ છે પ્રકૃતિની વિવિધતા. 

રમેશ બાજપાઈ 
નીલા અંબર ની છાયા માં 
પ્રેમ ધરા નો પાંગરતો જાય 

આમ જ જગ માં આવે  રોજ સવાર
આમ જ સાંજ પડી જાય 

ઝાકળના મોતી , ફૂલો પર વિખેરાય 
બેઉ ના ઓરતા પુરા થાય 

આળસ મરડી ને  લતાઓ , મસ્તી માં રમતી 
વૃક્ષો ને વિંટળાય. 

વહેળા નું પાણી , નદી માં ભળી ને 
સાગર મળવા જાય 

(લોકપ્રિય ગીત નો ભાવાનુવાદ)

રાજેન્દ્ર દિંડોડકર

મૂળ ગીત 

नीले गगन के तले, धरती का प्यार पले
ऐसे ही जग में, आती हैं सुबहें
ऐसे ही शाम ढले ...

शबनम के मोती, फूलों पे बिखरे
दोनों की आस फले ...

बलखाती बेलें, मस्ती में खेलें
पेड़ों से मिलके गले ...

नदिया का पानी, दरिया से मिलके
सागर किस ओर चले ...

साहिर लुधियानवी

સુરેશ જાની 

બીજો ભાવાનુવાદ

નીલ ગગનની નીચે, ધરતીનો પ્યાર ઝૂમે

આમ જ જગમાં, આવે સવારો, આમ જ સાંજ ઢળે. 

ઝાકળનાં મોતી, ફૂલો સજાવે; બન્નેની આશ ફળે.

અંગડાતી વેલો, મસ્તીમાં મ્હોરે,  વૃક્ષને વિંટળી ખીલે.

સરિતાનું પાણી, સાગરમાં ભળવા સાગરની દિશમાં સરે.

અંજના શુકલ

મુક્ત પંચિકા

પ્રકૃતિ મળી,
સંસ્કૃતિ બની,
વિવિધતા જ ભળી,
દેખી માયાવી
દુનિયા અહીં !
---
પ્રકૃતિ સર્જી,
અંજાયો જીવ
બન્યો ઘેલો માનવ
દેખી સર્જન 
વિવિધ રૂપ !
----
મનહર છંદ

જોઈ વિવિધતા અહીં,
બની પ્રકૃતિ જીવની,
જીવવા લાગ્યો એ જીવ,
સંસારમાં સ્વ ભૂલી!

પ્રકૃતિની સુંદરતા,
પ્રભાત સાંજ રાત્રિની
રમણીયતા દેખીને,
ચાંદ સૂર્યને નમ્યા .

ડુંગર પરથી નદી,
ઉતરતી સંગીતમાં,
ખળખળ રહી કરી,
તાલે ,નિર્ભય બની!

બનાવી રાહ બેબાજુ,
આવકારી જંગલને,
હર્ષ ભર્યા ઝાડપાન,
ડોલ્યા માનવ પણ !

બગીચામાં દેખી ફુલ,
ભ્રમર સંગીત કરી,
લેતા મધ ફૂલમાંથી ,
સંગીતમય કરી !

પતંગિયા આવી મળ્યા ,
સુંદરતા સાથ ભળી,
અનેરી પ્રકૃતિ ક્રિયા ,
મોહયો જીવ અહીં!

ફૂલનું ખીલવું અહીં,
કુંપળનું ફુટવું અહીં,
અનિલ સંગ ડોલવું,
સુસવાટા સંગીતે!

અજબ ગજબ છે જ,
પ્રકૃતિ પ્રક્રિયા અહીં,
વિવિધતા ધણી અહીં, પાર નથી દર્શવા !

રીટા જાની



 માઉન્ટ રેનિયર - વોશિંગ્ટન

 જયશ્રી પટેલ 


હું તો પ્રકૃતિ પ્રેમી છું..જ્યાં ઈચ્છું ત્યાં મને જો હરિયાળી મળેને ,ખળખળ વહેતું પાણી મળે તો હું પ્રભુનો આભાર માનું છું..

        ભારતની ભૂમિને સ્વર્ગ કરતા પણ વધુ સુંદર ગણી છે. ચારે તરફ ઘૂ ઘૂ કરતો સમુદ્ર ને ચારે તરફ ખળખળ મીઠી વહેતી નદીઓ,
પર્વતો પરના ઊંચા ઊંચા વૃક્ષો..હિમાલયના ચીનારના વૃક્ષો..તેની પર છાયેલી બરફની છાંટ..પર્વતો પરનો પવનનો સુસવાટો..જ્યારે ગાલને સ્પર્શી જાય ત્યારે પ્રકૃતિની મીઠી ટપલીનો સ્પર્શ.
          વન ને વનની વનરાજીને તેની અંદર પેલાં હરણાં ને સસલાંની ઉછળકૂદ..પેલા સિંહની વાઘની ગર્જના પ્રકૃતિનો આનંદ લેતી તેમની જિંદગી કેવો આનંદ આપે.
         પર્વતો પરથી પડતા ઝરણાં ને તેનો મીઠો મધુર કલરવને પક્ષીઓને તેની પાણીમાં 
ફફડતી પાંખોનો સરસર અવાજ..!
        દૂર દૂર ફેલાયેલા લીલાછમ ખેતરો ને તેમાં પીળા સરસોના ફૂલ કે સફેદ કપાસની મલમલી છાંય . ગલગોટા ને ગુલાબની ગુલાબી ને પીળા સુવાળા સ્પર્શના સ્પંદનો..!
મને પ્રકૃતિનો ખોળે ખૂબ જ ગમે..કેવી વિવિધતા છે તેની પાસે..! મનને પ્રફુલ્લિત કરવાની.

ચિરાગ પટેલ 

સર્જનની પ્રક્રિયાના સ્ફોટ ઝબકે;
કાળનો હવન સઘળું કોળિયો કરે;
રજ્જૂખેંચમાં એક જીતે એક હારે!

સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના જૂથ મંડાતાં, 
અવકાશમાં વલોપાત પ્રચંડ શોભતા,
પ્રકૃતિના મહાલયમાં વાયરા વાતા.

અણુ પરમાણુ વીજાણુ ધનાણુ;
જીવાણુ વિષાણુ કીટાણુ કરકાણુ;
મત્સ્ય પશુ પક્ષી સરીસૃપ દાનવ;
કીટ ધન ધાન્ય ફળ ફૂલ દેવ માનવ.

ક્ષણ જ્યાં ખેંચાઈને અટકતી,
જીવન અંકુરમાં સૃષ્ટિ નીખરતી.

એક-એક પળને માયામાં પરોવી,
બ્રહ્મજાળ ગૂંથે "દીપ"ની "રોશની"!

દીપ્તિ દોશી

પ્રકૃતિ મા વિવિધતા અને વિવિધતા મા જ એક્તા.પ્રકૃતિના વિવિધ  સર્જન અને ઍ પ્રત્યેક સર્જન,પદાર્થ મા વિવિધતા. અંગ્રેજી મા કહેવાય છે, 'varietyis d spice of life'.તો પ્રકૃતિ ઍ આપણને કેટલી variety,વિવિધતા આપી છે?વૃક્ષ,પાન,ફુલ પ્રત્યેક મા કેટલી વિવિધતા!રંગો મા,આકર મા અને કદમા.
પ્રભાતે દ્રશ્યમાન આકાશમાં, પ્રકાશ,ઉર્જા નો સ્ત્રોત એવા ગરમી આપનારા સુર્યદેવ અને ઍ જ આકાશમા રાતે શીતળતા  પ્રસરાવતા ,ચાંદની પાથરતા ચાંદામામા અને ટમટમતા અગણિત  તારાઓ.
ધરી ક્યારે સુકી ને વર્ષા ઋતુ મા લીલી છમ લાગે જાણે લીલા લીલા ધરતીઍ અંગ પટકુળ ધર્યા.
જળ ના પણ કેટલા સ્ત્રોત......
શાંત સૌમ્ય નદી,ક્યારેક ખળખળ વહેતી નદી તો ક્યારેક ધસમસતી નદી.ક્યાંક ઘુઘવાતો સમુદ્ર અને એમા યે કેટલા પાણી ના રંગ.ક્યાંક સમુદ્રકલો,ક્યાંક ઝાંખો ભૂરો,ક્યાક લીલો તો ક્યાંક  બે ત્રાં રંગ નો સંગમ.શોર ફિલ્મ નુ ગીત યાદ આવે છે.'પાની રે પાની તેરા રંગ કૈસા'
ફુલો ના કંઈ અગણિત રંગ ને રુપ,પક્ષીઓ ના રંગ,કદ અને  કલરવ નો ધ્વનિ પણ વિવિધતા સભર.ક્યાક ખળખળ વહેતા ઝરણા તો ક્યાંક શાંત તળાવ,તો ક્યાંક  ઊંચે થી પડતો ધોધ.

પર્વત અને પહાડો.કેટલાયે  રંગ અને રુપ.કોઇક હરિયાળી થી ભરપુર તો કોઇ બરફ આરછાદિત તો કોઇ લાલ માટી થી ભરપુર.પતંગિયા મા શુ વિવિધતા.અને શાકભાજી ને ફળો માં રંગ રુપ અને સ્વાદ મા શુ વિવિધતા.લાલ ચટાક ટામેટા,સાથે લીલા  ભીંડા ને વટાણા,કાળા વેગણ,સફેદ ફ્લાવર ,પોપટી સાથે લાલ મરચા..

માણસ જાત પણ પ્રકૃતિ ની ,કુદરત ની જ દેન છે અને એમા યે શુ વિવિધતા?રંગ,રુપ,કાળ અને સ્વભાવ....
પ્રકૃતિ અને એમા વિવિધતા ને  શબ્દો મા પૂર્ણરૂપે વર્ણવવી મુશ્કેલ જ નહી લગભગ અશક્ય છે.પ્રકૃતિ ને  વિવિધતા જોતા ગાવાનું મણ થાય છે....યે કૌન ચિત્રકાર હે!

અનલ અને નીતા ભટ્ટ

નિતાંત સૌંદર્યની સ્વામિનિ પ્રાતઃ કાલિન ઉષા ની લાલિમા ના દર્શન વડે ઋષિ વિશ્વામિત્ર ૐ भुर्भुव: स्व: ના સ્વસ્ફુરિત મંત્રો વડે સૂર્ય ને  આવાહન આપે ત્યા૨ે રાજર્ષિ ને બ્રહ્મર્ષિ બનતા નિહાળી સમગ્ર પ્રકૃતિ સ્વાગત ની ભેરી સ્વરૂપે      
 કલકલ ધ્વનિ વગાડતી હોય તેવી કલ્પના પણ રોમાંચિત  કરી શકે છે.  સજીવ અને નિર્જીવ ગણાતું વિશ્વ એકાકાર બને  ત્યારે પ્રકૃતિ માં સમાયેલી વિવિધતા અચૂકપણે દ્રષ્ટિગોચર થાય છે. પ્રકૃતિ માં જોવા મળતી વિવિધતા નું કારણ શક્તિ  સાથેના વિવિધ સંયોજનો છે. આના કારણે ક્યારેક પ્રકૃતિ આનંદજનક તો ક્યારેક ભયજનક રૌદ્ર સ્વરૂપે જણાય છે. નિષ્ચેત જણાતાં પૃથ્વી, પાણી,  વાયુ, કે આકાશ અને અગ્નિમાં શક્તિનો સંચાર થાય ત્યારે ધરતીકંપ, હેલી, આંધી, વાવાઝોડું, સુનામી કે પૂર જેવી પરીસ્થિતિ નું નિર્માણ થાય છે. 
પ્રકૃતિ પર કાબુ મેળવવાનું કામ મુશ્કેલ છે માટે પ્રકૃતિ સાથે તાલ સાધવો જરુરી બને. માનવી પોતાની સુખાકારી માટે ઉર્જા મેળવવા લાખો ટન કોલસા, ડીઝલ કે ગેસ ના જ્વલન વડે જાણ્યે અજાણ્યે વાતાવરણ પ્રદુષિત કરે છે. આના પરિણામ સ્વરૂપે પ્રકૃતિ પણ તાંડવ લીલા પ્રગટ કરે છે. આપણે ત્યારે નિસ્સહાયપણે આને પ્રકૃતિની વિવિધતામાં ખપાવીએ છીએ. પૃથ્વી પર શક્ય તેટલું પર્યાવરણ નું જતન કરવાની જરુર છે.  બાકી પરિવર્તન આ સંસારનો અફર નિયમ છે જે વિવિધતા નો જનક બની ક્યાંક સુખ ક્યાંક દુ:ખનો અનુભવ કરાવે છે. 
પ્રકૃતિ વિશ્વ સર્જન સમયે જન્મ પામી છે. તે અચળ અવિનાશી અને સ્થિરત્વ નો અનુભવ પણ કરાવે છે. તેને પ્રાપ્ત કરવામાં વર્ષો વહી શકે. 
ખરેખર પ્રકૃતિ ની વિવિધતા નિરાળી છે. 

No comments:

Post a Comment