ઉદ્ઘાટક - હરીશ દવે
આપણા હાથમાં માત્ર આ જ ક્ષણ છે. આપણે જે કરી શકીએ છીએ, તે માત્ર અત્યારે જ, આ જ ક્ષણમાં કરી શકીએ છીએ. ગઈ કાલની પળો સરી ચૂકી છે, ભવિષ્યની પળોને આપણે જાણતા નથી. જે આપની સંપત્તિ છે, તે વર્તમાન ક્ષણ છે. જી હા, આપની બહુમૂલી સંપત્તિ આ ક્ષણ છે. આ ઘડી વીતી જશે, આપના જીવનનો મૂલ્યવાન સમય ચાલી ગયો હશે. આજે આપણે ‘આ ક્ષણ’ ની જ વાત કરીએ. આવો! આજે ‘આ ક્ષણ’ વિષય પર મનપસંદ સર્જન કરીએ.
--
અનંત ફલક છે કાળનો!
જીવનયાત્રા તો જૂજ ઘડીઓની છે. અલ્પ જીવનમાં માનવીને જીવંત હોવાનો અનુભવ માત્ર વર્તમાન કરાવે છે. માત્ર વર્તમાન જ જીવનને સાચા રૂપે પ્રગટ કરે છે. જીવનનો અહેસાસ માત્ર આ જ ક્ષણમાં થાય છે. સાચે જ, માત્ર આ જ ક્ષણ જીવન છે.
અતીતમાંથી જીવનના પડઘાઓ સંભળાતા રહે છે. વીતી ગયેલી પળોના ઓછાયાઓ જીવનમાર્ગ પર લંબાતા રહે છે, પણ તે ભાવિની લકીરો નવેસરથી દોરી નથી શકતા. ભાવિ શું છે તે આપણે જાણી શક્યા છીએ? ભાવિની પળોને આપણે ક્યાં પકડી શકવાના છીએ!
વાસ્તવિકતા એ છે કે વર્તમાન એ જ આપણું જીવન છે. આ જ ક્ષણ આપણું અસ્તિત્વ છે. આ જ ક્ષણને જીવવી. આ જ ક્ષણે અસ્તિત્વને પરખવું. આ જ ક્ષણમાં અસ્તિત્વને યથાર્થ માણવું તે વિચારશીલ માનવીનું લક્ષણ છે. આ ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ એવો કરવો કે જે વણદીઠા ભાવિને કદાચ કંડારી પણ શકે! નહીં તો પરમ સંતોષ તો અવશ્ય આપી શકે! આ ક્ષણ આપના સમગ્ર જીવનનો ભંડાર ભરી શકે છે. આ ક્ષણ આપના જીવનને કૃતાર્થ કરી શકે છે.
માણો આ ક્ષણને! પામો આપના અસ્તિત્વને!
નૂતન તુષાર કોઠારી 'નીલ'
તાન્કા
મોંઘી આ ક્ષણ,
આવશે નહીં ફરી.
સરી ગ્યા પછી.
માણી લો ને દિલથી!
શીખ લ્યો આ 'નીલ'થી.
અર્ચિતા દીપક પંડ્યા
અછાંદસ - આ ક્ષણ
આ ક્ષણ ક્ષણના સરવાળા જેવું
છે ને જીવન આપણું,
જે થઈ ગયું,
જે જોડાઈ ગયું,
ચાલી રહ્યું બસ સાથમાં.
જે રહી ગયું,
ન થઈ શક્યું,
ન પામી શકાયું,
એ બધી બાદબાકી, જે સદાય બાકી
ન છે કશું આપણાં હાથમાં.
મુઠ્ઠી જેટલી ક્ષણોનો જુમલો
સાથે ખજાનો લઈ ચાલીએ
સૌથી મજબૂત તો આ ક્ષણ
એ જ ક્ષણ,
જે છે 'હાથમાં તે બાથમાં.'
ક્ષણ, તને ન વિસરી જાઉં,
ક્ષણ, તું ન છૂટી જઉં,
સંપર્ક મારો છે ખરો આ ક્ષણ સાથે,
।ન ક'દિ વિસરી જાઉં.
નથી ક્ષણોના કાફલાથી માત્ર
જીવન છે આ ચાલતું,
વિજળી જો ઝબકી, આ ક્ષણે
મોતી છે જો પરોવતું
તો
કિંમતી જીવન થઈ જાતું.
સુરેશ જાની
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ
-મણિલાલ દેસાઈ
અહીં સાંભળો – માવજીભાઈ મુંબઈવાળાએ એ બહુ પ્રેમથી એ પળને સાચવી રાખી છે !
http://www.mavjibhai.com/kavita_two%20files/204_sarakijaye.htm
----
આ ક્ષણ, આ પળ – જે કાંઈ પણ થાય છે તે આ પળમાં જ થઈ શકે છે. એ વિતી જાય પછી સુખદ કે દુઃખદ સ્મૃતિ જ બાકી રહી જાય છે. અથવા આવનાર કાળની આશા કે ભય માત્ર જ આપણા ચિત્તમાં હોય છે.
પળમાં જીવતાં શીખવું એ ‘ગુગમિયત’ નો પ્રાણ છે. હવેથી ગુગમ એટલે ગુજરાતી ગરિમા મંચ નહીં – પણ ગુજરાતી ગરિમા મંત્ર એમ વિસ્તાર પ્રયોજવાનું આ જણને ગમશે.
ચિરાગ પટેલ
સ્વપ્નિલ આંખોમાં
રચાયું અનોખું સ્વર્ગ.
પ્રેમ દરિયે ઘૂંટ પીધાં
એકત્વના સાક્ષાત્કારે.
કાળને ઘકેલી એકબાજુ
અમરતના ધોધ ઝીલ્યાં.
એક-એક ક્ષણ વહેતી
અણુ-અણુ એમાં ન્હાતાં.
પંચતત્વોની સુવર્ણ ભસ્મ
અસ્તિત્વમાં વિખેરાતી.
અતીતને અતિક્રમી
નવી આશાઓ ઉગી.
અનુભવ આવો પામી
વિયોગ જયારે રચાયો.
ખંડમાં કાયા ઘસાતી
વિશ્વાસ તો ય સંચરે.
જાગશે ક્યારેક એ
મિલન થશે સમષ્ટિનું.
ના કોઈ અનેક કે એક
રહેશે સઘળું શૂન્ય સમ.
આશિષ સદાય “મા” તારા
“રોશની” અને “દીપ” સંગે.
નિરંજન મહેતા
મુક્તપંચિકા
***
ક્ષણભંગુર
આ જિંદગાની
માણશો જો આ ક્ષણ
થાય જીવન
આનંદમય
--
ક્ષણ એટલે પળ, હાલની ઘડી.
જે વ્યક્તિ તે પળનું મહત્વ સમજી તેનો સદઉપયોગ કરે છે તેને માટે તે અનન્ય ક્ષણ બની રહે છે કારણ ગયેલી પળ પાછી નથી આવતી અને તેને કારણે ગુમાવેલી તક પણ ફરી ન પણ મળે. ક્ષણનાં સદઉપયોગનું પરિણામ આનંદ પ્રદાન કરે છે તો ગુમાવેલી તક માટે વ્યક્તિ અફસોસ કરે છે. જે ક્ષણે જે કરવાનું હોય તે કરીએ તો તે સાર્થક નીવડશે. ત્યાર પછી કરેલા કાર્યો કદાચ સફળતા ન પણ બક્ષે.
ક્ષણભંગુર જીવનમાં હરેક પળ મહત્વની હોય છે અને તે સમજીને જે વર્તે છે તેને જીવનમાં ઓછી નિરાશા સાંપડે છે. પણ કેટલા આ સમજદારી ધરાવે છે? ‘હોતી હૈ ચલતી હૈ’ને માનનારા, અન્યોની સલાહને અવગણી પોતાની મનમાની કરે છે અને અંતે તેણે પસ્તાવાનો વારો આવે છે.
એટલે ક્ષણને સમજો અને સમજદારીથી વર્તો.
રીટા જાની
પાછળનો ફોટો બર્ડ ઓફ પેરેડાઇઝ, મા. આબુ
ફોટો: La Jolla Beach, San Diego.
અંજના શુકલ
હાયકુ
આ ક્ષણ માણી
જીવી ,જાણી લઈએ
શ્વાસે પળમાં !
મુક્ત પંચિકા
ક્ષણભંગૂર
જીવન આ છે
ક્ષણને જીતી જવું
નથી સહેલું !
યત્ન ભરેલું !
એકાવનક્ષરી
સ્વપ્નમયી દુનિયા
દેખી રંગાયા જ આ ક્ષણમાં,
જીવન રમતમાં
આનંદ પામ્યા આ ક્ષણ
ભૂલી,
સચ્ચિદાનંદ સદા,
ક્ષણનાં રૂપો શ્વાસે શ્વાસનાં !!!
મનહર છંદમાં
પહેલી લાઇન ૧૫અક્ષર
બીજી ૧૬ ,આઠે યતિ
ક્ષણભંગૂર જીવન, આ ક્ષણે જ જીવીએ,
સત,ચિત્ત આનંદમાં,
ઓળખીએ સ્વરૂપને!
માણી લીધું આ ક્ષણમાં,
મોજ મઝા આનંદે!
જીવી લીધું જ જીવન,
ભાન થયું ખૂબ અંતે !
આ ક્ષણ ભૂલ્યાનું ભાન,
ન હતું દુનિયામાં,
વિતી જતાં જ આનંદ,
ક્ષણિક રહ્યો લાગવા!
પરમાનંદ પામવા,
સમજીએ ક્ષણને,
સ્વને શોધીને કરીએ,
સફળ આ અસ્તિત્વને !
---
આ ક્ષણ એટલી મહત્વની છે કે વિતી ગયાની ખબર માત્ર રહેતી નથી ! એવી ભયંકર છે ને કે માનવને મદમસ્ત કરી સ્વને ભુલાવી , જન્મો જન્મના આંટાફેરામાં જકડી લે છે.
સમય રૂપી આ ક્ષણ માત્ર આપણે શ્વાસ લેવા પૂરતી જ વાપરીએ છીએ ! દરેક શ્વાસે એ વપરાતી જાય ને મિનીટ, કલાક કે દિવસ રાત વિ. માં રૂપાંતર થતી જાય ;જાય ને વર્ષો વિતી જાય ત્યારે ભાન થાય કે, આપણે આ કિંમતી ક્ષણ સમયનાં રૂપમાં બગાડી નાંખી !
વર્ષો વિતી ગયા પછી આ ક્ષણ તો હાથ આવવાની જ નથી ; તો ભાન આવ્યા પછીની આ ક્ષણથી બને એટલા સારા કાર્યો કે જીવન સફળ કરવાના કાર્યમાં કરીએ ! જેટલા શ્વાસ મળ્યા છે એનો સદઉપયોગ કરવાના વિચાર કરી અમલમાં મૂકી શકાય પણ, આ જ્ઞાન કે ભાન માનવને ઘડપણમાં જ આવવા માંડે !
શરીરની અવસ્થા અનુરૂપ એ કાર્યો કરી ક્ષણનો ઉપયોગ કરી શકે ; કે પછી ખરેખર જીવનમુક્ત બનવાની આશાએ પળેપળ પ્રભુ સ્મરણમાં ગાળે ને અંત સમયની પળ જ્યારે એ પ્રભુ દર્શન પામ્યાની મહેસુસ કરે , તો એ પળ, એ ક્ષણ એના માટે જીવનમુક્ત પળ બની જાય!
આ પળ કે ક્ષણ , પળમાં જતી રહે જેનો કોઈને પણ ખ્યાલ નથી રહેતો ! એનો અનુભવ પણ કહેવાય કે અનુભવાય એવો નથી હોતો ! માત્ર એ ક્ષણના ઈરછારૂપ ફરી કાર્ય સમાપ્ત કરવા જીવ ફરી જન્મ લઈ
ફેરામાં અટવાય જયાં સુધી એ સંપૂર્ણ ઈરછામુકત ન થાય .
આ ક્ષણ ક્ષણમાં જ જતી રહે એ કોઈને પણ ખબર ન રહે. એણે જઆપણને એવા જકડી રાખ્યા છે કે એને જકડી રાખવા કોઈ સમર્થ નથી બન્યું , આગળ કહ્યું તેમ ; માત્ર શ્વાસોચ્છ્વાસ પૂરતી જ એ ક્ષણ છે જે આપણે પૂરો ઉપયોગ કરીએ છીએ પણ દોર તો એના હાથમાં જ છે.
જયશ્રી પટેલ
શબ્દ એક અંશ જેવો છે, વિતી ગયા પછી જે પસ્તાવાનો પણ સમય નથી આપતી તે ક્ષણ.
ઘણીવાર કલાકો જતાં રહે પણ એક ક્ષણ યુગ જેવી લાગે તે ભયંકર ક્ષણ.
મનોગતિને તુરંત નિર્ણય ન લેવા દે, નિર્ણયની વેળા વિતાવી દે તે રાગ સાથેની ખટરાગી ક્ષણ.
ઓળખ આપેને ઓળખને વધાવીલે તે હૃદય સ્પર્શી મનગમતી ક્ષણ!
જે સમયે અંતરની ખોજ પર પ્રકાશ પાડી ને તે
આત્મા સ્વીકારીલે અને નિજાનંદ પ્રાપ્ત થાય તે આત્મદર્શી ક્ષણ!
આટલે પહોંચી જઈએ ને લાગે કે પ્રયાપ્ત છે બસ તે અંતિમ ક્ષણ!
રમેશ બાજપાઈ
સાહિર લુધિયાનવી ના મારા એક પ્રિય ગીત નું ભાવાનુવાદ
આગળ શું થશે, કોને ખબર ?
પાછળ શું ગયું, કોને ખબર ?
જે છે તે બસ આ પળ છે .
અજાણ્યા ઓછાયા મારગ રોકી રહ્યા છે
અણદીઠી ભુજાઓ સૌ ને જકડી રહી છે
આ પળ અજવાળુ છે બાકી અંધકાર છે
આ પળ ના ગુમાવીશ, આ પળ જ તારી છે
વિચારી લે જીવ.
આ જ ટાણું છે અધૂરા ઓરતા પુરા કરી લે.
મહેફિલ ની શોભા આ પળ ના સૌંદર્ય થી છે.
હૈયા નો ધબકાર આ પળ ની હૂંફ થી છે
આ પળ છે માટે તો દુનિયા આપણી છે
આ પળ પર સદીઓ ન્યોછાવર છે
વિચારી લે જીવ.
આ જ ટાણું છે અધૂરા ઓરતા પુરા કરી લે.
આ પળ ની છાયા માં રહેવા નું છે
આ પળ પછી ની બધી વસ્તુઓ વારતા છે
કાલ કોણે જોઈ છે, કાલ કોણે જાણી છે
તને જે મળવા નું છે આ પળ થી જ મળવા નું છે
વિચારી લે જીવ.
આ જ ટાણું છે અધૂરા ઓરતા પુરા કરી લે.
મૂળ ગીતની એક કડી ..
आगे भी जाने न तू, पीछे भी जाने न तू
जो भी है, बस यही एक पल है
अन्जाने सायों का राहों में डेरा है
अन्देखी बाहों ने हम सबको घेरा है
ये पल उजाला है बाक़ी अंधेरा है
ये पल गँवाना न ये पल ही तेरा है
जीनेवाले सोच ले यही वक़्त है कर ले पूरी आरज़ू
आगे भी ...
નીતા ભટ્ટ
દેશની વર્તમાન પરિસ્થિતિ જોઇને આઝાદી ના લડવૈયાઓ ની મનઃસ્થિતિ કંઈક આ હાઈકુ જેવી હશે.
શું આ જ ક્ષણ
જોવા સારુ વ્હોરી'તી
અમે શહીદી?
*
માનવ મન ચંચળ છે. ભવિષ્યમાં આવનાર 'એ ક્ષણ' ના વિચારો માં પાસે રહેલી વર્તમાન ની 'આ ક્ષણ' પણ ગુમાવે છે. તે અનુસંધાને એક મુક્ત પંચિકા -
રાહમાં રહ્યા
ક્યારે આવે એ
ક્ષણ જેના સદાય
ઈંતજારમાં
ભૂલ્યા આ ક્ષણ
***
કમળને પામવા ગયેલ ભમરો, સાંજે કમળ બિડાતાં, તેમાં જ પૂરાઇ જાય છે. તે સમયે ભમરાની પરિસ્થિતિ કંઈક આ હાઈકુ જેવી હશે :
મકરંદને
પંકજનું પાંજરું
લાગે આ ક્ષણ!
***
હાઈકુ
થીજાઈ જતી
અનંત અવકાશ
મહીં આ ક્ષણ
શ્રુતિ ભટ્ટ
તાન્કા
કેવી કિંમતી
છે વર્તમાન ક્ષણ
ગત ક્ષણ તો
જોતજોતામાં ગઈ
આવતી ક્ષણ બાકી
ઋચા જાની
ક્ષણ ભલે ને હો ક્ષણભંગુર
પણ એમાં સરજાયેલા સંભારણા
જુગ જુગ જીવી જાય છે
રાજેન્દ્ર પી. દિંડોરકર
ક્ષણનું ગણિત💫
ક્ષ લખવામાં એક ક્ષણ
ણ લખવામાં બીજો ક્ષણ
આ બન્ને ક્ષણો જ્યારે ભેગી થઈ ત્યારે ક્ષણ શબ્દ તો ક્ષણમાં જ ગણાવ્યો..!!! ✨
No comments:
Post a Comment