Dec 1, 2020

સ્વપ્ન

  ઉદ્ઘાટક - હરીશ દવે 

આજનો વિષય છે  સ્વપ્ન: સફળતાનું બીજ.

માનવીના જીવનમાં કાર્યપ્રેરણા માટે સ્વપ્નાં કેવાં અનિવાર્ય બને છે! સ્વપ્નાં કે શમણાં ભાતભાતનાં હોય, પણ આપણે એ સ્વપ્નાંઓની વાત કરીએ છીએ કે જે આપણને કોઈ અર્થપૂર્ણ કાર્યો કે સર્જન કરવા પ્રેરે છે.  માનવી સ્વપ્ન જોઈને કાર્ય કરવા પ્રેરાય છે. જીવનને પ્રવૃત્તિશીલ જ નહીં, હેતુપૂર્ણ બનાવવા પણ સ્વપ્નાં જોવા જરૂરી છે. સ્વપ્નું ઉચિત હશે અને બુદ્ધિપૂર્વકનું હશે તો સફળતા જરૂર મળશે. 

સાચું, અર્થપૂર્ણ સ્વપ્ન સફળતાનું બીજ બને છે.

--

જીવનની વિવિધ પ્રવૃત્તિઓ જ માનવીને જીવંત રાખે છે.  તેની કેટલીક પ્રવૃત્તિઓ જીવનનિર્વાહ માટે, પોતાના સ્વાર્થ અર્થે અથવા શોખને સંતોષવા પૂરતી હોય છે. બીજી ઘણી પ્રવૃત્તિઓ પરિવાર, પરિચિતો કે સમાજને મદદરૂપ થવા માટે હોય છે. સમાજ અને માનવજાતને વિકસાવવામાં માનવીની અગણિત પ્રવૃત્તિઓ ઉપયોગી બને છે. ડૉક્ટર જેવા સમાજસેવી કે વ્યવસાયી ઉદ્યોગપતિ કે સંશોધન કરી નવી પ્રૉડક્ટ સર્જનાર સૌની પ્રવૃત્તિઓ જન્મે છે એક સ્વપ્નમાંથી. 

માનવી વિચારશીલ પ્રાણી છે. પૃથ્વી પર મનુષ્ય એક માત્ર સજીવ છે જે વિવેકપૂર્વક વિચાર પણ કરી શકે છે; સહેતુક સ્વપ્ન પણ જોઈ શકે છે. કેટલાંક મનુષ્યો એવી નોખી માટીનાં છે કે તેમનાં સ્વપ્નાં પણ દમદાર હોય છે! આવો વિચારશીલ મનુષ્ય વાસ્તવિકતા સમજીને અર્થપૂર્ણ સ્વપ્નાં જુએ છે.તે વા યરલેસ સંદેશાવ્યવહારનો શોધક માર્કોની હોય કે કમ્પ્યુટરમાં વિંડોઝ જેવી ઓપરેટિંગ સિસ્ટમ  આપનાર બિલ  ગેઇટ્સ કે ગુગલ સમાન સર્ચ એન્જિન આપી દુનિયા પલટનાર બ્રિન કે પેજ હોય!

આવા માનવીના વિચારોમાં સ્વપ્ન આકાર લે છે અને તે સ્વપ્નને સિદ્ધ કરવા તે પ્રયત્નોમાં વ્યસ્ત બને છે. તેનો પુરૂષાર્થ એવો નિરાળો હોય છે કે તેની નીપજ કાર્યસિદ્ધિ જ હોય છે. તેને સફળતા અવશ્ય વરે છે. સફળતાની પરિભાષા અલગ અલગ હોઈ શકે છે, પણ તેના ગર્ભમાં તો એક સ્વપ્ન રહેલું હોય છે. 

આપ જ્યારે આપનું અર્થપૂર્ણ સ્વપ્નું સિદ્ધ કરો, ત્યારે સફળતાના બીજને ન ભૂલશો.આપનો એક વિચાર, આપનું એક સ્વપ્ન આપની આવતી કાલ બદલી શકે છે. અરે! દુનિયાનું ભાવિ પલટી શકે છે! 

વિચારશીલ બનો. સ્વપ્ન જુઓ!

રીટા જાની 

કલામસાહેબ કહે છે એમ સપનાં એટલે બંધ આંખોએ જે જોઈએ તે નહિ પણ  સપનાં એ છે જેને પૂરા કરતાં આંખોની ઊંઘ ઉડી જાય. ખલીલ જિબ્રાન કહે કે હવામાં સપનાનો મહેલ બનાવો એનો વાંધો નહિ પણ પછી તેની નીચે પાયા ચણીને એને જમીન પર લઈ આવો. કોઈ પણ કાર્ય પહેલા વિચારોમાં, સપનાઓમાં આકાર લે છે. માટે  સપનાં જેટલા મોટા એટલી સિદ્ધિ પણ મોટી. સપનાં તો ક્યારેય સાચા પડતા હશે એવી વૃત્તિ જે ધરાવે તેના સપનાં તો સાચા ન જ પડે. પણ જે શ્રદ્ધાપૂર્વક સપનાને સાચા કરવા નીકળે છે તેને તો એવું જ બને કે ચાલીએ અને રસ્તો ખૂલતો આવે.સફળતા એવો શબ્દ છે કે જેનો અર્થ નહિ પણ અનુભવ હોવો જોઈએ . માટે સફળતાનો માપદંડ પણ દુનિયાની નજરે નહિ પણ પોતીકો હોવો જોઈએ. જો તમે સફળતામાં માનો નહિ તો ક્યારેય તેને પામો નહિ.. કોઈ પણ કાર્ય પહેલા એક વિચાર, એક સ્વપ્ન જ હોય છે. સ્વપ્નના એ બીજને જ્યારે નક્કર દિશા અને પુરુષાર્થના ખાતર, પાણી મળે ત્યારે એ બીજ ફૂલેફાલે છે.  સપનામાં જ્યારે સ્વત્વ અને સત્વ પ્રગટે ને ત્યારે ઝુઝવા ને ઝઝૂમવાની શક્તિ મળી જાય છે.માટે હું તો કહીશ કે સપનાં જુઓ.આખરે આ સૃષ્ટિ પણ કોઈક પરમ તત્વના સપનાનો આવિષ્કાર જ છે ને?

સુરેશ જાની

સ્વપ્ન વિષય હરીશભાઈએ આપ્યો અને આ જણનું ખુલ્લી આંખનું સપનું જાગી ગયું!

કયું સપનું? - આ જ – ગુગમ જ તો !

સૌ મિત્રોના સહકારથી એ સપનું સાકાર થઈ રહ્યાનાં ચિહ્ન વર્તાઈ રહ્યાં છે. એ અંગે એક સરપ્રાઈઝ – ૧લી ડિસે. ના રોજ આવું આવું કરી રહી છે. પણ આ જણના એ સ્વપ્ન વિશે આજે તો એક ટચૂકડી પદ્યરચના - 

મારા સપનામાં આવ્યાં સહુ (૨)

કુતૂહલની કલિકાઓ પુષ્પોમાં પાંગરી, સર્જનની શેરી સૌ ધબકી રહી
મારા સપનામાં આવ્યાં સહુ (૨) 

અલગારી રમતો સૌ રમવાની મોજમાં, સહિયારા સાથ કેવા ચમકી રહ્યાં?    
મારા સપનામાં આવ્યાં સહુ (૨)


ગરિમા ગુજરાતની , ઝળહળશે રાત દિ', મિત્રોનો સાથ જો રહેશે સદા
મારા સપનામાં આવ્યાં સહુ (૨)

નિરંજન મહેતા

મુક્ત પંચિકા

  સ્વપ્ન અનેરા

   પ્રેરે સાહસ

અવિરત પ્રયત્ને

    વરે સિદ્ધતા

    હર્ષ અદકો

---

નિદ્રાવસ્થામાં હરેક વ્યક્તિને સ્વપ્ન આવતા જ હોય છે. તે અતીતની યાદો હોય કે પછી ભવિષ્ય માટેની વિચારધારા, તે શુભ પણ હોય કે અશુભ પણ આવો અનુભવ દરેકને થવાનો.

પણ જાગૃત અવસ્થામાં પણ સ્વપ્નો જોવાતા હોય છે જેને આપણે દિવાસ્વપ્ન કહીએ છીએ. નિદ્રાવસ્થાનાં સ્વપ્ન અને દિવાસ્વપ્નમાં એક જ ફરક છે અને તે એ કે નિદ્રાવસ્થામાં જોયેલા સ્વપ્નો સવાર થતાં જ ભુલાઈ જાય છે. કશુક ઊંઘમાં અનુભવ્યું તેનો અહેસાસ થાય છે પણ શું તેનું સ્મરણ નથી રહેતું. આને કારણે કદાચ પરેશાની પણ અનુભવાય. જ્યારે દિવાસ્વપ્ન જાગૃત અવસ્થામાં જોવાતા હોય છે એટલે તે ભૂલાતા નથી. જો કે બધા તે સ્વપ્નોને પામવા મહેનત નથી કરતા પણ જેનામાં તેને માટે સફળતાના બીજ રોપાયા હોય છે તે વ્યક્તિ તે બીજને મનની અંદર ધરબી ન રાખતા તેને પૂર્ણ કરવાનો નિશ્ચય કરે છે. 

એકવાર નિશ્ચય કર્યા પછી તેની રાહમાં આવતી અગવડો અને મુશ્કેલીઓનો તે દ્રઢતાથી સામનો કરે છે અને તેને ઠોકર મારીને આગળ વધે છે અને અંતિમ ચરણે પહોંચે છે જેને કારણે ધારેલી સિદ્ધિ અચૂક પ્રાપ્ત થાય છે ભલે તે માટે અથાક મહેનત કરવી પડે. 

સ્વપ્ન સિદ્ધ થતાં તે ગર્વ તો અનુભવે છે પણ જ્યારે તે સિદ્ધિ અન્યોને માટે લાભકારક બને છે ત્યારે તે સાર્થક બને છે. માનવજાતિને લાભકારક નવી નવી શોધો આ જ સિદ્ધાંત પર આધારિત છે તેમાં બે મત નથી. 

જયશ્રી પટેલ

મુક્તપંચિકા

----

મથી હું બંધ
કરવા નૈન
ત્યાંતો પાંપણ મહીં
અશ્રુ સર્યું જ,
અહો! દિ’સ્વપ્ને !

----

સ્વપ્ન, સફળતાનું બીજ,

         બાળપણમાં રોજ દાદી સાહસિક વાર્તાઓ કરતાંને, મનનાં વિચારોના વમળ એવાં ઉઠતા કે ક્યારેક ઝાંસીની રાણી તો ક્યારેક ચાંદબીબી , તો ક્યારેક શિવાજીની

જેમ ગેરીલા પદ્ધતિથી મિત્રો કે ગલીના અણગમતા વ્યક્તિઓ સાથે ભીષણ યુદ્ધ કરી જ નાંખતી.બીજે દિવસે ઉઠતા જ સ્વપ્નમાં મળેલી એ સફળતાને લીધે પેલી વ્યક્તિ તુચ્છ જ લાગતી..અને જ્યારે એ વિશે અત્યારે વિચારું તો એક હાસ્યની સરવાણી જ ફૂટી નીકળે..

       ધીરે ધીરે મોટા થતાં દિવાસ્વપ્ન આવતા, પરીક્ષામાં સર્વ પ્રથમ આવી..પરંતું વાંચ્યા કે ભણ્યા વગર કેવી રીતે? અને એ પ્રથમ આવ્યાનું બીજ રોપાયું એટલે મહેનત શરું થઈને સ્વપ્નોની એ ગાડી તો અભ્યાસ પૂર્ણ થયો ત્યારેજ અટકી.

       સંસાર મંડાયો તો બહુ મોટું સ્વપ્ન જોયું કે લોકો ઓળખે ને ઓળખાણ ઊભી થાય તે બીજ પરદેશ ને દેશમાં બેઠેલા આ સહિયારું સર્જન- ગુગમના મિત્રો, વડીલો ગુરૂઓ વચ્ચે આવીને પૂર્ણ થયું.ક્યાં ક્યાંથી મળ્યા.મારા નૈનમાંથી બંધ આંખે હર્ષાશું રૂપે.

ચિરાગ પટેલ

દિવા સ્વપ્ને આનંદ જ અર્પી દીધો.


મૌન ભર્યા દિવસમાં રાતનાં સ્વપ્ન ઘોળ્યાં
રાતી લાગણીઓના નાના ફૂલડાં ખીલ્યાં

ઝરમર વરસતી સાંજનાં શમણાં ફરી ઊગ્યાં
અધખુલ્લી ઉષામાં ઘેનના “દીપ” પ્રગટ્યાં

પ્રેમનો આસવ તારી આંખમાં ઘૂઘવાતો
સદ્યસ્નાત હું ચોફેર રાગ-રંગમાં પથરાતો

અનોખી પળના આભલાં સઘળે વિખરાતાં
અસ્તિત્વના સંચારે સહુ એકમાં પડઘાતા

છે ઉર્ધ્વમૂળ ઉર્ધ્વગતિનું ધ્રુવીકરણ
અકથ્ય ઊર્મિએ હીંચતું અંતઃકરણ

સમયના રેતકણ આગિયા થઈ ઉડતાં
કોઈ ચમકે કોઈ અડાબીડમાં ખોવાતાં

શક્તિ છે તો શિવ છે ‘ને છે દ્વૈતભાવ
જગત છે તો બ્રહ્મ છે ‘ને છે અદ્વૈતભાવ

હળવેકથી તન-મન-આતમ ભીંજાતાં
ટહુકો કરે “રોશની” સહુને પખાળતાં

અંજના શુકલ

સ્વપ્ન કિરણને સ્ફુરવા દેને જરા
જ્ઞાનનાં કિરણને વહેવા દેને જરા

સૂર્ય કિરણ સંગ મળીને
કરે મહેસૂસ સત,ચિત્ત,આનંદ જરા !

જન્મોજન્મથી સંચિત એ મગજનાં;
જ્ઞાનને ઢંઢોળી જોને જરા,

 સ્વપ્ના  એવા વિચારે જરા;
તો જીવન બને સફળ પળમાં !

---

સ્વપ્ન આવે ભાતભાતના
નિંદરમય,

એક જ આવી મળે એવું
સ્વપ્ન  ચિનગારીમય ;
કરાવી દે મનને ચિંતનમય ,

બનાવી દે જીવન એનું પ્રકાશમય !

---

હાયકુ

સ્વપ્ના રાખું જ
ખરી સફળતાનાં
જીવનભર.

--

ચિદાકાશમાં
બન્યું આશાકિરણ
સાકાર સ્વપ્ન .

મુકતપંચિકા

તમસભર્યા
મનના તંતુ
જાગ્યા જ્ઞાનકિરણ
બની સ્વપ્ન
પ્રસરી ગયા.

ચાલી જ રહી
દિવાસ્વપ્નમાં
સ્વપ્નની વણજાર
જાગૃત રહી
કર સફળ . 

એકાવનક્ષરી 

તંદ્રામય જ મન,
સુસુપ્ત બનતું જન્મોજન્મ
રહી નિંદરમાં જ
ભટકી રહ્યું નિજાનંદમાં,
સ્વપ્નમાં  ચિનગારી
થઈ ગઈ ખૂબ પ્રકાશિત .

શ્રુતિ ભટ્ટ

કાર્ય સફળ થવા માટેનું પ્રથમ બીજ તેના સ્વપ્નમાં રોપાય છે. માનવીને તેના સ્વપ્નો અને મહેચ્છાઓ કર્મ કરવા પ્રેરે છે. આ તબક્કે અમાપ મહેચ્છાઓ અને સંતોષી સ્વપ્નોની ભેદરેખા પાતળી થતી જાય છે. સમ્રાટ અશોક અને સિકંદરે વિશ્વ વિજેતા બનવાની સ્વપ્નપૂર્તિ માટે કંઈક સંગ્રામ ખેલ્યા પણ અંતે તો સૌની જેમ ખાલી હાથે જ ગયા. માનવી જો કયારેક પોતાના અતિ મહત્વકાંક્ષી સ્વપ્નોને બદલે પોતાની ક્ષમતાને ઓળખીને તે મુજબ સ્વપ્ન સેવે અને પાસે રહેલા સુખમાં જ નિજાનંદ મેળવે તે શ્રેયકર છે. આ વિચાર સાથે કેટલાક હાઈકુ સ્ફૂર્યા.

નાનાં સપનાં
નાની નાની ઈચ્છાઓ
કાજે જીવન

--

નિજ શિખર
જ સર્વોચ્ચ શિખર
સંતોષી સ્વપ્ન

--

સ્વપ્નમયી આ
દુનિયામાં હું એક
મારા શિખરે.

---





No comments:

Post a Comment