વલીભાઈ મુસા
(૧) સુરેશભાઈ જાની :
થાળી : - સ્થાલ (સં) > થાલ (પ્રા.) > થાળ (ગુ) = મોટું
વાસણ; થાળી = નાનું વાસણ
વાટકી : - વર્ત (સં) > વર્તુ (પ્રા) > વટ્ટ (જૂ.ગુ.)
> વાટકી, વાડકી (ગુ)
ચમચી : - ચુમ્મહ
(તુર્કી) > ચમચી, ચમચો (ગુ)
તપેલું (તપેલી) : - આ શબ્દો ‘તપાવવું’ ક્રિયાપદ
ઉપરથી બન્યા છે. તપ, તપસ્વી, તાપ, તાવ, તાવવું
આ બધા સહોદર શબ્દો છે.
ખુરશી : - કુર્સી (અરબી) > ખુર્સી > ખુરશી
(૨) આર.એમ. બાજપાઈ :
ગુજરાતીમાં દરિયાનો અર્થ સમુદ્ર લેવાય છે, તેનું કારણ એ છે
કે નજીકના અર્થવાળા શબ્દોનું પ્રત્યાગમન થતું હોય છે. મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર
વગેરે ઘણી જગ્યાએ સાગર જેવી વિરાટ દેખાય છે. બ્રહ્મપુત્રને નદ (નરજાતિ) પણ કહેવાય છે.
ઇજિપ્તની નાઈલ નદીને દરિયા-એ-નીલ કહેવામાં આવતી હતી, જે આગળ જતાં દરિયો બની ગઈ! લોકમુખે તાળાં તો શેં દેવાય! મણિલાલ ન. દ્વિવેદી
જેવા પ્રખર વિદ્વાન પોતાના ‘મતાંતર’ નિબંધમાં
મુસા પયગંબરને લાલ સમુદ્રે માર્ગ કરી આપ્યો
તેમ લખે છે. હકીકતમાં નાઈલ નદીએ માર્ગ કરી આપ્યો હતો. નવાઈની વાત એ બની રહી કે ‘દરિયા’માંથી
સમુદ્ર તો બન્યો, પણ તે સમુદ્રને નામ પણ અપાઈ ગયું. મુસા અને તેમના અનુયાયીઓની પાછળ
ફિરઔનનું લશ્કર આવતું હતું, ત્યારે મુસા પયગંબરે નાઈલના કિનારે આવીને પોતાની અસા (લાકડી,
દંડ, છડી) ઊંચી કરી, ત્યારે નાઈલે માર્ગ કરી આપ્યો. બધા સહીસલામત નદીના બીજા કિનારે
પહોંચ્યા પછી તેમણે ફરી અસા ઊંચી કરી અને પાણી ભેગું થઈ ગયું, જેમાં ફિરઔનનું લશ્કર
ડૂબી ગયું. Ten Commandments ફિલ્મમાં આ દૃશ્ય જોવા મળે છે.
‘શેર’ના
અર્થ ફારસીમાં શબ્દકોશ પ્રમાણે સિંહ અને વાઘ એમ બંને બતાવાયા છે. વળી ફારસીમાં જ સિંહ
માટે શેર-બબર સામાસિક શબ્દ પણ છે. ગુજરાતી, હિંદી, ઉર્દૂ વગેરે શબ્દકોશમાં શેરનો અર્થ
વાઘ પણ છે. મુસ્લિમોના ઈમામ કે ખલિફા હજરત અલીને શેર-એ-ખુદા કહેવામાં આવે છે, ત્યાં
પણ વાઘ કે બાઘ સમજવામાં આવે છે. આમ મજાકમાં કહી શકાય કે જંગલના રાજા તરીકેનો હક વાઘનો
પણ બને છે! પરંતુ રાજ્યાભિષેક તો આપણે કરીએ છીએ, એ બેઉને તો ખબર પણ નહિ હોય! કોઈને ગમે તે કહી દેવાથી કોઈ ફરક પડતો નથી. અબ્રાહમ
લિંકન ( Abraham Lincoln)નું ચાતુર્યપૂર્ણ અને રમુજી એક અવતરણ છે ‘કૂતરાને કેટલા પગ
હોય, જો આપણે તેની પૂંછડીને પગ ગણીએ તો? ચાર જ! પૂંછડીને પગ ગણી લેવાથી પૂંછડી પગ બની
જાય નહિ!’ ગંભીરતાપૂર્વક કહું તો ભાષાના ઘડવૈયા જે તે ભાષાના ભાષીઓ જ હોય છે. ઘણીવાર
કોઈ શબ્દને સામેવાળાએ બરાબર સાંભળ્યો ન હોય અને મનઘડત એ શબ્દ વહેતો થઈ જાય અને છેવટે
રૂઢ બની જતાં ચલણી બની જાય છે. વિદ્વાનોના મતે કોઈ ભાષા શુદ્ધ કે અશુદ્ધ હોઈ શકે નહિ.
બે જણને સમજાય તે તેમના માટે ભાષા જ છે. ઈશારા કે સંકેત પણ ભાષા જ છે. મારા અંગત મતે
તો અશુદ્ધ શબ્દ વધારે વૈજ્ઞાનિક છે. તમે ‘ક્યાં’ને
‘ચ્યાં’ બોલો તો, પાછળવાળો શબ્દ બોલવામાં
સરળ પડે છે. ‘ક’ કંઠ્ય વ્યંજન છે, ‘ચ’ તાલવ્ય
છે.
(૩) હરીશભાઈ દવે :
કથરોટ (સ્ત્રીલિંગ) : - આનો અર્થ છે, લાકડામાંથી બનેલું થાળી
જેવું પાત્ર, જે રોટલી માટેનો લોટ બાંધવા માટે વપરાય છે. હાલમાં ધાતુમાંથી બનેલા આવા
પાત્રને પણ કથરોટ કહેવામાં આવે છે. થાળી અને કથરોટમાં ફરક એટલો કે તેમાં કિનારીઓ નાનીમોટી
હોય છે. કથરોટમાં લોટ બાંધવાથી લોટ બહાર વેરાય નહિ. આ શબ્દમાં ‘કથ’ કાષ્ટ(સં)
ઉપરથી આ પ્રમાણે રૂપાંતર પામ્યો લાગે છે. કાષ્ટ > કાટ્ઠ > કાત્થ > કથ્થ
> કથ. હવે પાછળનો શબ્દ પાત્ર સૂચવે છે, જે માટે સંસ્કૃતમાં (કદાચ) વાટી અને મરાઠીમાં (નિશ્ચિતપણે) વાટી શબ્દ છે, જેનો અર્થ
‘વાટકી-વાડકી’ થાય છે. આમ કથરોટ એ મોટું
પાત્ર છે. આમ કાષ્ટ અને વટીના ફેરફાર સાથેના સંયોજનથી કથરોટ શબ્દ બન્યો હોવો જોઈએ.
કંકાવટી = કંકુ રાખવાનું પાત્ર શબ્દથી પણ ‘વટી’નો
અર્થ પાત્ર સમજાય છે. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે : કૂંડું ક્થરોટને નેણે (નીંદે).
આનો અર્થ સમજવા પહેલાં વાચ્યાર્થમાં સમજીએ તો કૂંડું ઊંડું હોય છે, જ્યારે કથરોટ છીછરી હોય છે. આમ ઊંડાઈ ઉપર ગર્વ લેતા એ કૂંડાને
ખબર નથી કે પોતે માટીમાંથી બનેલું છે, જ્યારે કથરોટ લાકડા કે ધાતુમાંથી બનેલી છે. આમ
અહીં અર્થ થાય છે, કોઈ હલકો માણસ ઉમદા માણસની ટીકા કરે. ગુજરાતી લેક્સિકનમાં આ રૂઢિપ્રયોગ
‘કથરોટ કૂંડાને હસે’ એમ છે અને તેનો અર્થ
‘મોટો દોષી નાનાને નિંદે’ આપ્યો છે; પણ સ્પષ્ટતા
આપી નથી, તેમ છતાંય અર્થ ઉપરથી સમજી લેવાય.
નઘરોળ : - આ શબ્દ તળપદો લાગે છે. અલ્પાંશે ‘ઓળઘોળ’નો
વિરોધી શબ્દ લાગે છે, જેનો અર્થ ‘ઓવારી જવું’ કે
‘વારી જવું’ છે. જો કે બંનેના પદપ્રકાર
ભિન્ન છે, માત્ર ઉચ્ચારસામ્ય જ વર્તાય છે.
‘નઘરોળ’નો સીધો અર્થ ગુ.લે.માં મળ્યો
નહિ, પણ આડીઅવળી મથામણ કરતાં તેના આ અર્થો મળ્યા : (૧) માત્ર શરીર વધારી જાણેલું.
(૨) ચિંતા કે કાળજી વિનાનું, બેદરકાર. (૩) ડહાપણ વિનાનું, ગમ વિનાનું. (૪) આળસુ, એદી.
(૫) માનની અપેક્ષા વિનાનું
-વલીભાઈ મુસા
ઋણસ્વીકાર : (૧) કરીમભાઈ વી. હાડા
(૨) લાડકીબાઈ મુસા (મારું વધુ સારું અડધિયું! – Better
Half) - ખાસ ‘કથરોટ’ અને ‘કંકાવટી’ માટેની
પૂરક મદદ માટે
(૨) ગુ.લે., ગૂગલ, શબ્દકોશો, સંદર્ભ સાહિત્ય વગેરે
No comments:
Post a Comment