Feb 8, 2020

ગુગમ અને વર્કશોપ


    ૯, ડિસેમ્બર – ૨૦૧૯ ના દિવસે જન્મેલો ‘ગુગમ’ બાબલો ત્રણ મહિનાનો થયો. દરેક મહિને કાંઈક લખવા મન થાય છે. આજે ગુગમની વર્કશોપ વિશે થોડુંક…

   આપણે ૪૧ સભ્યો છીએ અને એમાંના સાત તંત્રીઓ છે. આપણે ‘વર્કશોપ’ની તરાહ પ્રાયોગિક ધોરણે, આપણા ધ્યેયની સિદ્ધિ માટે અપનાવી છે. અમારી વચ્ચેના સંવાદોમાં હંમેશ એ ચિંતા રહી છે કે, રોજની એક જ વર્કશોપ યોજવા છતાં…..

  • કેમ એમાં માત્ર ૧૦-૧૨ સભ્યો જ ભાગ લે છે?
  • મોટા ભાગનો વ્યવહાર ભાષા અને સાહિત્યને લગતો હોવા છતાં, એને લગતી વર્કશોપોમાં થોડીક જ કોયલો કેમ ટહૂકે છે?!
  • હોબી અંગે પ્રવૃત્તિ વધારવા મન છતાં  એમાં કાગડા જ કેમ ઊડે છે?
  • સૌને મનગમતી ‘અંતાક્ષરી’માં કેમ આંગળીના વેઢા પણ વધારે પડે તેટલા મિત્રો જ ભાગ લે છે ? 


આ અંગે વિચારતાં ….
આપણા સભ્યોને ચાર પ્રકારમાં વહેંચી શકાય –

  1. ઠીક ઠીક સમયથી સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં પ્રદાન કરવાથી નામના અને પ્રતિષ્ઠા પામેલાં મિત્રો
  2. નવોદિત સર્જકો – બ્લોગરો
  3. સાહિત્ય રસિક જનો
  4. માત્ર કુતૂહલથી જોડાયેલા મિત્રો


      પહેલા બે પ્રકારના માટે કદાચ આપણી વર્કશોપોમાં થતી પ્રવૃત્તિઓ બહુ પ્રારંભિક કક્ષાની છે – કદાચ સાવ બાલીશ. ત્રીજા પ્રકારના સભ્યો કદાચ લઘુતા ગ્રંથિથી પીડાય છે. એમને એમ લાગતું હોય એમ લાગે છે કે, ક્યાંક આપણી ભૂલ થઈ જાય તો હાસ્યાસ્પદ બનીએ.  ચોથા પ્રકારના થોડીક નજર નાંખી લે છે; કદાચ ઊંઘે છે – અહીં તૈયાર માલ વાળી મજા થોડી જ છે ? !
  પણ કોઈને હજુ એ બાબતની પ્રતીતિ નથી થઈ લાગતી કે,

 ‘આપણો વ્યવહાર 
કયા ઉદ્દેશથી થઈ રહ્યો છે?

   એ ચોખવટની આથી જરૂર લાગે છે કે, અહીં કોઈના જ્ઞાનની ચકાસણી કે પ્રદર્શનનો ઉદ્દેશ લગીરે નથી. અહીં બહુ ઉચ્ચ કક્ષાનાં સર્જનો કે જ્ઞાન વહેંચવાના નથી.  આખો વ્યવહાર એક ‘શોધ’ છે . એ શોધ છે –
     જિજ્ઞાસા, ખાંખાં ખોળાં અને  સર્જનના મહત્વને સમાજમાં ઉજાગર કરવાના નૂસખા શોધી કાઢવા. આપણે સૌ એ શોધના ભાગીદારો છીએ. આપણે બધા  વિદ્યાર્થીઓ છીએ. દરિયાકિનારે છીપલાં વીણતાં બાળકો છીએ. ફરીથી નાનકડા થઈ જવાની મજા માણવાનો આ બગીચો છે.
 એક સાદો દાખલો આપું –

       ઈતિહાસ કસોટીની વર્કશોપ મેં બનાવી ત્યારે મારા ૬૫- ૭૦ વર્ષ જૂના ગનાનમાંથી પાંચ નામ વીણ્યાં. એને લગતી માહિતી વિકિપિડિયામાં શોધી. એની પરથી સવાલો બનાવ્યા! મોટા ભાગના જવાબ આપનારાઓએ પણ એ જ મારગ પકડ્યો!
     કોઈકે તો કબૂલ પણ કર્યું કે, ‘આમ ગોતવાની મઝા આવી ગઈ.’

      બસ… આ જ આપણી વર્ક શોપોનો હેતુ છે. વીણવાની, શોધવાની, કાંઈક નાનું રમકડું /  કવિતડું / લખાણ બનાવવાની મજા.

     અને….. સામેની દિવાલ પર લખી રાખો દોસ્તો ! …

     જેમ જેમ… વધારે ને વધારે લોકો આમ ફરીથી બાળક કે વિદ્યાર્થી  બનતાં થશે ; તેમ તેમ… ગુજરાતની ગરીમા પ્રજ્વલિત બનતી જશે. તૈયાર માલ આરોગવાની વૃત્તિનું સ્થાન આપણો રોટલો જાતે પકાવવાની આવડત માટેના ધખારા લેતા જશે. કાંકરો ગોતતાં કદાચ આપણને હીરો પણ મળી જાય – એમ બને !

      આપણા સૌનો આ વિશ્વાસ છે. ચાલો આપણી વર્કશોપોને પ્રવૃત્તિ અને ભાગીદારીથી ધમધમતી કરી દઈએ. એક નહીં … રોજના ચાર , પાંચ, છ પિરિયડ ચાલતા હોય તો એ શાળા કહેવાય – નહીં તો ટ્યુશન!

No comments:

Post a Comment