Nov 3, 2020

સવાર

ઉદ્ઘાટક - હરીશ દવે

આજનો વિષય છે  પ્રભાત (સવાર).

ઋતુ પરિવર્તનમાં પ્રભાત કે સવારના વાતાવરણમાં થતા ફેરફારો આપણે નિહાળીએ છીએ ને? 

પ્રભાતનો મીઠો સમય કે નવી ફૂટતી સવાર આપને શું કહે છે?  

આજે ‘પ્રભાત કે સવાર’ વિષય પર ગદ્ય કે પદ્યમાં સર્જન કરીએ. 

--

નવપ્રભાત! 

ખીલતી સવાર સૃષ્ટિ પર ઉજાસ અને ઉલ્લાસ લઈને આવે છે. સૂર્યનારાયણ દેવ પ્રગટ થતાં હોય, તેમનાં કોમળ કિરણો ધરતી પર રેલાતાં હોય અને મંદ, મધુર વાયુ સ્પર્શી જતો હોય! આ અનુભવની દિવ્યતા જે માણી શકે તેનું યુવાન દિલ કદી વૃદ્ધ થતું નથી!

વધુ ધ્યાન આપો તો કદાચ ભૂરા આકાશમાં બદલાતા રંગો દીસે, ક્યારેક વાદળ આકર્ષે અને અવનવી આકૃતિઓ પણ સર્જે! સૂરજદાદાની સવારી પૃથ્વી પરના જીવનને જાગૃત કરે! લચી પડતાં ફૂલછોડ તથા પક્ષીઓનો ચહકાટ પણ નસીબદારને મળે! ધરતી પર થતો સંચાર આપને પ્રેરક બને! 

પ્રભાત જીવનના સાતત્યનો એક સંદેશ લઈને આવે છે. આપના જીવન-વર્તુળને ગઈ કાલના પરિઘમાંથી બહાર લાવી ઑર વિસ્તારે છે. આપમાં ચેતનાનો સંચાર કરે છે! વધાવી લો નવપ્રભાતને! હર્ષથી, આશાથી વધાવો! અને આરંભો નવયાત્રા એક નવા દિનની, નવા સમયની! 

કાળની કેડી પર આપનાં પગલાંની અમીટ છાપ પાડી જાવ! 

----

અંતરે અકથ્ય ઉર્મિઓ જગાવતી ફરી એક સવાર ..... 

અંધકારનો ક્ષય કરતો ઉજાસ! 

મન પ્રસન્ન કરતું આહલાદક વાતાવરણ!



સુરેશ જાની

સવાર - એક જૂનું અવલોકન ;   ખેલ પિસ્તાળીસ મિનિટનો

બધું અંધકારમાં ગ્રસ્ત છે. કોઇ હિલચાલ નથી, કોઇ સળવળાટ નહીં. સાવ સૂનકારમાં એ નાનકડું જગત સોડ વાળીને સૂતું છે- 

સાવ સ્તબ્ધ

સાવ ખાલી

સાવ જીવનહીન. 

        અહીં કશી પ્રવૃત્તિ નથી; કોઇ કશું કરતું નથી. એકદમ સ્મશાન જેવી શાંતિ ચારેકોર ફેલાયેલી છે.

       અને ત્યાં અચાનક પ્રકાશ થાય છે. એ નાનકડી દુનિયા ઝળહળી ઊઠે છે. જ્યાં કશું હાલતું કે ચાલતું ન હતું; ત્યાં હલચલ મચી પડી છે. ધમધમાટ જાતજાતની પ્રવૃત્તિઓ આકાર લેવા માંડે છે. સામગ્રીઓ ખડકાવા માંડે છે. પોટલાં બંધાવા માંડે છે. આ ખેલના બધા અદાકારો આમથી તેમ રઘવાયા રઘવાયા દોડધામ કરી મૂકે છે. કશેક પ્રયાણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ જાય છે. એ પ્રયાણ માટે સૌ તૈયાર થવા લાગે છે.

       અને એક પછી એક કાફલા એ જગતની બહાર પ્રયાણ શરૂ કરી દે છે. ધીમે ધીમે કોલાહલ શાંત થવા લાગે છે. બધા અદાકારો બહારના જગતમાં અદાકારી માટે વિદાય થવા લાગે છે. બધી પ્રવૃત્તિઓ સંકેલાવા  લાગે છે. બધા વાવાઝોડાંઓને શમાવી શરૂઆતની નિષ્ક્રિયતાનું રાજ્ય ફરીથી સ્થાપિત થવા લાગે છે.

       બરાબર પિસ્તાળીસ મિનિટ અને ફરીથી એ સૂનકારનું સામ્રાજ્ય જામી પડે છે.

ખેલ પિસ્તાળીસ મિનિટનો – બરાબર ગણીને પિસ્તાળીસ મિનીટનો.

અને એને  ૮૦ -૯૦ વર્ષ લંબાવીએ તો ? 

એ કયો ખેલ ?

----



ચપટીક રસ દર્શન
સૂર્ય સાત ઘોડાના રથ પર દોડે. સવારનો એ સવાર. અને આપણે પણ. સૂરજ અને સુર – દર્પનો થોડોક પ્રાસ!
પણ પછી એ દર્પ માટે પશ્યાતાપ – સૂરજ લાલ અને સુજા અંધાર્યો .
-------
મને ગમતી રા.શુ, ની ગઝલ ( રાતે સવાર પડે તે અંગે !)

ગામ શહેર સુતાં છે રેશમી રજાઈ માં
કોક બેઠા જાગે છે, લો ગઝલ સરાઈમાં

સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું,
તારકો શિખર સોહે, આગિયા તરાઈમાં


લો શમા બુઝાવી ને, આપ પ્રજ્વળી ઊઠો,
જામ આ નહીં સૂઝે, રોશની પરાઈમાં

ફૂલની પથારી પણ, કંટકોની શૈયા પણ,
બેય ધાર ખાંડાની, ખેલિયે ખરાઈમાં

શબ્દ મૌનની વચ્ચે ઘૂઘવે નદી જેવું,
મોજ-મસ્ત મરજિવા પાર ઊતરાઈમાં…

गीता श्लोक का गझल रूप 
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी

નિરંજન મહેતા
મુક્તપંચિકા -     પ્રભાત 

ઊગે પ્રભાત 
થાય ઉજાસ 
કરે ચેતનવંતુ 
જનજીવન 
સહુ જીવોનું 
--
પ્રભાત જે આપણે સવારના સામન્ય નામથી જાણીએ છીએ તે થતાં જ જનજીવન ચેતનવંતુ બને છે. જાગૃત થતો સમાજ પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થવા માંડે છે અને બધી બાજુ ચહલપહલ મચી જાય છે. 
રવીન્દ્રનાથ ટાગોરની કવિતા ‘Where The Mind is Without Fear’ ની પ્રથમ બે પંક્તિઓનો ભાવાનુવાદ પ્રાપ્ત થયો છે 

ભય ભૂતાવળ ભાગે શિર ઉઠે સૌના શાનમાં
પ્રભાત પ્રગટે પ્રભુ એવું આ દેશના આભમાં

આવું પ્રભાત જો ઉગે તો આપણે સૌ સુખ શાંતિથી જીવન વિતાવી શકીએ. 
પણ પ્રભાત સાથે ગ્રામ્યજીવનને જોડીએ તો તે પ્રભાતિયાના સુર, તે ઘંટીનો નાદ, ચારા માટે જતું પશુ ધણ, પાણીના બેડાં લઇ પાણી ભરવા જતી ઘરની મહિલાઓ આ બધું નજર સમક્ષ તરવરવા લાગે. પણ હવે તો શહેરીજનને આ બધાનો ક્યાં લહાવો મળે છે? ઘંટી કોઈને યાદ છે? નળમાંથી આવતું પાણી જ ફિલ્ટર કરી પિવાય છે. પનઘટ પર થતી મસ્તી મજાક તો ભૂલી જાઓ. 

શહેરીજન માટે તો પ્રભાત એટલે ફટાફટ તૈયાર થઇ કામે લાગી જવું તે. કોણ સૂર્યદર્શન કરવા ઉત્સુક હોય છે? કોને પક્ષીઓના કલરવમાં રસ હોય છે? હવે તો ચકલી અને કાબર જેવા પક્ષીઓના નામ જ યાદ છે, દર્શન તો દુર્લભ છે. 

ક્યારેક સમય કાઢી ઉગતા સૂરજને જોશો? જો તમારા ઘરમાં પુર્વાભિમુખ બારી હોય તો? તક મળે તો પક્ષીઓના કલરવ માટે થોડો સમય જરૂર કાઢશો. 
દિપ્તી દોશી

સવાર ને વર્ણવી શકાય ?મારે માટે પ્રત્યેક સવાર સુ સવાર,સુપ્રભાત છે.પો ફાટે અને એક જ પ્રત્યક્ષ એવા સુર્યનારાયણની સવારી સાથે સમગ્ર સૃષ્ટિ સોનલવરણી અને ઉર્જાપુર્ણ બને છે ,જે મારો દિવસ સોનલવરણો બનાવે છે.ઉમંગ ઉત્સાહ અને  આશા ના સન્ચાર સાથે દિવસ જીવંત બનાવે છે.પક્ષીઓ નો કલરવ,ફુલો નુ ખીલવુ,ભમરાંનુ ગુંજન, સવાર તો માણવી પડે.એને શબ્દો મા ન વર્ણવાય.
અમુલ્ય એવી સવાર હું રોજ મારી અગાશીમા જ માણું છુ.
--
પ્રત્યેક સવાર ઍ
સુ પ્રભાત....
પ્રકાશ પુંજ
શીતલ સમીર
ઉત્સાહ ઉદય
પક્ષી કિલ્લોલ
પુષ્પ પમરાટ

શ્રુતિ ભટ્ટ


અંજના શુકલ

હાયકુ 
૧.
થતા પ્રભાત
દેખાઈ રહયું બધે ,
રંગબેરંગી.
૨.
સૂર્યકિરણ ,
બની આશાકિરણ
પ્રભાત અહીં.

મુક્તપંચિકા

૧.
પ્રભાત મહીં
દેખ્યા ગજબ
લાલાશ ભર્યા રંગો
રંગી રહ્યા એ
દિલ ઉમંગો !
૨.
દેખી પ્રકાશ 
સવારનો એ,
કલરવથી મીઠા
ભરી દીધું જ,
જગ પંખીએ.
૩.
સૂર્યકિરણ 
લાવી રહ્યા એ,
આજની શરૂઆત;
દિનચર્યા જ
કરવા કાજ.
૪.

સમીર ડોલ્યો
ડોલાવ્યા ઝાડ
ઊડ્યા પક્ષીઓ અહીં ,
કર્યા કલ્લોલ 
જોઈ પ્રભાત !

---
મનહર છંદ

પ્રભાતનાં એ રંગીન
કિરણોનાં સ્પર્શથી,
ખીલ્યાં પુષ્પો ખૂશ થઈ
મલક્યા  સંવેદનથી.

પડી ગયા એ ઝાકળબિંદુ બની હર્ષાશૃ,
કરી દીધી શુદ્ધ પાંખડી
ખીલવા પ્રભાતે.

મહેકાવી મહેકાટ
સમીર સથવારે,
પ્રભાતના કિરણોનાં
ઉત્સાહે સર્વ પુષ્પોએ.

જયશ્રી પટેલ 



અર્ચિતા દીપક પંડ્યા

સવારે સવારે 

હતો ભેજ ઝાંકળ  તણો પાન ઉપર સવારે સવારે
હતી આંખ  લૂછી અમારી  તમે તો સવારે સવારે

તરીને પહોંચ્યા  અમે તો મહેનત કરીને કિનારે
મળી એક નૈયા અનામી નફામાં સવારે સવારે 

મળીને ગયાએ નયનને ઝુકાવી સરેઆમ આજે
શરમ શેરડો લાલ રંગે કુસુમને સવારે સવારે 

લખીને અપાતી  નથી અરજી દિલની દુનિયા માં તો
ઉમંગો ઉઠે સૂર્ય  ઊગે જેમ આભે સવારે સવારે 

હસીને કરું છું દિલ્લગી તમારા મનોરંજન માટે 
બદલી નાખવાની છે વાતો અમારી સવારે સવારે 

ચિરાગ પટેલ 

શશાંક વરસાવતો હોય ઠંડી ચાંદની ધોધમાર,
તારલા વહાવતા હોય અનોખા મૈત્રક બેસુમાર,
ધરણિને ફૂટતું હોય તણખલે ઝાકળ પ્રસ્વેદ-સમું,
સમીર બહેકાવતો હોય નર્મદા-નીરને પ્રેમી-શો,
વાદળી ઢાકવા મથતી હોય ઉઘાડું ડીલ આકાશનું,
પીગળતા હોઈએ હું અને તું એકલા એમ માયરે,
ભળી જતા એકમેવ થઇ જગત-ફૂલેકે પ્રેમ-નાદે,
નાશ પામે સઘળુંય અસ્તિત્વ આ સાંનીધ્યે,
પ્રગટે અક્ષર જ્યોત માત્ર પ્રણવનાદ રેલાતો,
પ્રેમ પડઘાતો  અને સત્ય ડોકાતું જ્યોતે આમ,
તું પુજારી, હું પ્રસાદ, હૃદય-મંદિરે ઈશ્વર વસે,
પ્રેમ એ જ સત્ય, સત્ય એ જ ઈશ્વર,
જ્યાં ઈશ્વર ત્યાં નહિ હું અને તું,
ઈશ્વર જેમાં તું અને હું,
વંદન તને, તું જ ઈશ્વર, ઈશ્વર જ તું.
----
પ્રફુલ્લીત અમ્બુજે કલશોર
નીહીત પ્રેમ અક્ષુણ્ણ કરે પ્રલમ્બ શ્વાસે
વલ્લરી કમલપત્ર પ્લાવીત નીસરી
અનુસંગે વૃક્ષ ઘટા ઘનઘોર સંગ
અક્ષોને કરતી તીરસ્કૃત પ્રેમે
આલીંગન અબોધ સ્ફુરીત
કોકીલ કલરવ પ્રતીઘોષીત થતો
રવ સ્વ-લાગણી-શો
અનંગ-રંગ વૈભવ
અસ્ખલીત વરસે ચીદાકાશે
પ્રવાહ ઉચ્છૃંખલ સમાવીષ્ટ થાતો.

રિટા જાની

--




પાછળ મુન્નાર, કેરળનું પ્રભાત















No comments:

Post a Comment