ઉદ્ઘાટક - હરીશ દવે
ઝાકળ કહો કે ઝાકળ બિંદુ; કોઈ ભલે ઓસબિંદુ કહે!
શિયાળાની પરોઢે આપે પાંદડાં પર ઝાકળ બિંદુઓ અવશ્ય નિહાળ્યાં હશે!
મીઠું મલકતું ઝાકળ આપને કાંઈક કહી જાય છે?
---
લાબી ઠંડીમાં ફૂલ-પાંદડે મલકતાં ઝાકળબિંદુઓને જોવા તે પણ એક લ્હાવો છે! ભલે રહ્યું અલ્પજીવી, પણ ઝાકળ કેવી મઝાની જિંદગી જીવી જાય છે! ઝાકળ પાંદડાંઓને તો ચમકાવી દે છે; આપણા ચહેરા પર પણ હરખની એક લ્હેરખી જન્માવી દે છે!
કેટલાક શિયાળુ પાકને ઝાકળ મહાઉપકારક છે. પ્રભાતની ટશરો ફૂટે તે પહેલાં ખેતર પર ઝાકળની એક ચાદર પથરાય છે. ઝાકળમાંથી ઝમેલ સ્નેહધારા પાકને પોષણ આપી જાય છે. સૂર્યનાં કિરણો ફેલાય અને ઉજાસ રેલાવાનો ચાલુ થાય ત્યાં તો ઝાકળ અદ્રશ્ય પણ થઈ જાય છે. તેણે કરેલા કાર્યની એક નિશાની પણ છોડ્યા વિના! જૂજ ઘડીઓમાં આલેખાયેલું ઝાકળનું જીવન એ ધન્ય જીવન છે.
શીત લહેરમાં વહેલી સવારે બાગ-બગીચામાં લટાર મારજો! પગદંડીના ઘાસ પર વિલસતાં ઝાકળબિંદુઓને નિહાળજો. ફૂલછોડનાં પાંદડાંઓ અને પુષ્પો પર ઝાકળની ચમક નીરખજો. આપની આંખો ચમકી ઊઠશે. આપનું હૈયું ઠરશે. આપના મનમાં પ્રસન્નતા છવાઈ જશે. જોતજોતામાં તો તે ઝાકળ આપને કોઈક વાત સમજાવતાં પ્રકૃતિમાં ભળી જશે!
કહો, ઝાકળે આપને શું કહ્યું?
સુરેશ જાની
પથ્થર ઉપર નહીં – પથ્થરની અંદર ઝાકળ!
રવિવારની એક સવારે હું મારા દીકરા અને તેના એક મિત્ર સાથે તેના શહેરની નાનકડી પણ રૂપાળી નદીની કેનાલના કાંઠે ચાલવા ગયો હતો. એ તો જુવાનિયા, તે ધસમસતા ચાલે. હું તો એક બાંકડા પર સવારની ગુલાબી ઠંડીમાં તડકો માણતો બેઠો. બાજુમાં ઉપર જવા માટે પથ્થરની એક સીડી હતી. સાવ રેતીના રંગના પથ્થર હતા. (Sand Stone) કાંઈ જ આકર્ષક કશું જ નહીં.
ત્યાં તેની અંદર અચાનક કાંઈક ચમકતું દેખાઈ ગયું. હું તેની સાવ નજીક ગયો. અને બાપ રે બાપ! એ પથ્થરની સપાટી પર અનેક સાવ નાના નાના બુંદ જેવા તારલાઓ ચમકી રહ્યા હતા. થોડુંક માથું આમથી તેમ કરું અને બીજા અનેક દેખાય. જાણે કે, પથ્થરની અંદર ઝાકળના કણોએ કાયમી વાસ કર્યો હતો. જોવાનો ખુણો થોડો બદલ્યો તો મેઘધનુધ્યના રંગોની નાનકડી ઝલક પણ ચમકી ગઈ. અહાહા! આ નીરસ પથ્થરની અંદર પણ ચમકતી તારલીઓનો મુશાયરો જામ્યો હતો.
નીચેના એક પથ્થર પર અનેક પડનાં પડ દેખાઈ આવ્યા. જળકૃત ખડકમાંથી તોડીને લાવેલ આ પથ્થરો હતા. કોઈ કાળે કોઈ નદીના પ્રવાહમાં રેતી અને માટીના પડના પડ દબાઈને પડ્યાં હશે; અને હજારો વર્ષોની પક્રિયાના પ્રતાપે, થોડી થોડી જુદા રંગોની ઝાંયવાળા આ થરો બન્યા હશે. એક થર એક રંગનો અને તેની પછીનો કોઈ જુદા રંગનો. કોઈક કણ માટીનો, તો કોઈક રેતીનો, અને કોઈક આ ચમકીલા પદાર્થનો. શાશ્વતીથી માંડીને આ જુદા જુદા રંગોની અને ચમકતા કણોની જુગલબંધી પથ્થરના હોવાપણામાં મહેફિલ જમાવીને પડી હતી. આ ઝાકળ માટે કોઈ પાણીના ટીપાંની જરુર ન હતી. બસ, સૂર્યનું કિરણ પડ્યું નથી અને ઝગમગાટ શરુ. આ થરના થર હજારો વર્ષોના નદીના વહેણની અને સર્જનની મૂંગી પણ અકબંધ ગાથા ગાતા પડ્યા હતા.
હવે મેં ઉભા થઈને બે પથ્થરને જોડવા વાપરેલ સિમેન્ટ અને રેતીના મોર્ટાર પર નજર કરી. તેમાં તો આવું કશુંય તત્વ ન હતું. કોઈ થર નહીં, કોઈ ચમક નહીં. એ તો માણસે કૃત્રિમ રીતે બનાવેલો હતો ને?!
અવળચંડા મનને થયું, “આ પથ્થર જેવો પથ્થર પણ સૂર્યનાં કિરણો મળે તો ચમકતા, નાનકડા તારલા પ્રગટાવી શકે છે. પથ્થરદિલ માનવીના અંતરમાં પણ આવા કોઈ જાગૃતિના સુર્યકિરણ પડે તો વાલિયામાંથી વાલ્મિકી ઊભરી આવતા હોય છે જ ને? પણ જે કથીર જેવા મોર્ટાર હોય તેમની ઉપર કશીય અસર ન પડે. “
બીજો વિચાર તરત એ સ્ફૂર્યો ,” આ મોર્ટાર ચમકવાનું નહીં તો પથ્થરને સાંધવાનું કામ તો કરે જ છે ને? એનીય ઉપેક્ષા કેમ કરાય? ચમકવું કે જોડવું… પથ્થર અને મોર્ટાર જેવી આ દેખીતી ક્ષુદ્ર ચીજો પણ કાંઈક પ્રદાન કરી જતી હોય છે. કોઈક મહેનતકશ માનવીએ આ મોર્ટાર કેટલી મહેનતથી બનાવ્યો હશે? એની મહેનતનું ફળ કેટકેટલા લોકોને ભોગવવા મળે છે? “
આપણે જીવતા જાગતા માણસ, ઉપરવાળાનું સર્વશ્રેષ્ઠ સર્જન. આપણું પ્રદાન શું? પથ્થર કે મોર્ટાર જેવું કાંઈક પણ પ્રદાન આપણે કર્યું છે ખરું?
રમેશ બાજપાઈ
હમણાં જ એક નવા વરસ ની ગ્રીટિંગ મેસેજ માં ઝાકળ વિષે આ પંક્તિઓ હતી. આજના વિષય માટે મિત્રોને કૈંક સુઝાડી શકે એટલે શેર કરું છું
પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો.
સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો.
વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?
થાય તે વાતો થવા દેજો,
ઝાકળને થોડું સુવા દેજો.
- સોનલ ગોસાલિયા
અર્ચિતા દીપક પંડ્યા
આમ ઝાકળ જેવું
કંઈક વળગ્યું
આંખમાં જ્યારે
અનુભવી ભીનાશ
અને
હું હતી તરત
એકદમ તરબતર
યાદ તારી હાજર હતી
'ને
હું તો અહીં થી ક્યાંક દૂર
તારી નજીક શ્વાસમાં લઈને
તારી સુગંધને હું ભીની થઈ ઝરમર
તને અનુભવી સદાય
ઝાકળ જેવી ભીનાશ ધરી.
--
પડ્યું ઝાકળ, ને ઊડી ગયું, જોતજોતામાં
પડ્યા પ્રેમમાં, એ છેતરી ગયા, જોતજોતામાં
નહોતી ખબર વળગી રહેવાનું એનું રાતભર
સૂરજ આવતા થઈ જશે છૂ, જોતજોતામાં
ઝાંઝરના ઝમકારે ભરી દેતી ઘર પગલીઓથી
મહેંદીના રંગે બનશે ઠાવકી એ, જોતજોતામાં
અંધારા સાથે રાખી છો દોસ્તી જીવનભર
અજવાળે ખોલ્યા રાઝ કૈં, જોતજોતામાં
હતું ગુમાન બે યનું, સત્તાનું અને ધનનું છતાં
જરાએ છૂટ્યા,જરા જરા એ, જોતજોતામાં
અંજના શુકલ
હાઈકૂ
કમળપત્ર
પર ઝાકળબિંદુ
મોતી સમું જ!
શોભી રહ્યું છે
ઝાકળ બિંદુ પત્રે
દેખાયું મોતી !
મુક્ત પંચિકા
ઝાકળબિંદુ
કમળ પત્રે
ઝળકી રહ્યું જાણે
કિમતી મોતી
અલિપ્ત રહી !
એકાવનક્ષરી
ધુમ્મસના પ્રતાપે
બન્યું ઝાકળ થઈને બિંદુ
અલિપ્ત જ રહીને
ડોલતું રહ્યું ખુશ થઈને
અનિલના ઝપાટે
એને કર્યું જમીનદોસ્ત જ!
ધુમ્મસ ભરી પ્રભાતે ,
શાંતિમય વાતાવરણે
નિરખયું દૂર તક ધુમ્મસ રળિયામણું નજરે!
ત્યાં તો દેખાયા ઘણાંય ટીપાબિંદુ પાને પાને;
થયું પડયા છત પરથી
આંસુ એના શા માટે?
કેમ ખર્યા એ છતનાં આંસુ
વિચારચિંતનમાં પરોવાઈને;
ત્યાં તો પધાર્યો રવિ,
સર્વત્ર ધુમ્મસ દૂર કરીને!
દીઠા બધા ઝાકળબિંદુઓ,
ડોલતા નમન કરીને,
રંગબેરંગી ઊઠ્યા
ઝળહળી એ સૂર્ય પ્રકાશના સંગે!
નથી અમે કોઈ આંસુબિંદુ, છે અમે તો
ઝાકળબિંદુઓ;
લાગીશું કોઈ કવિને
ઝળહળતા ,સુંદર,
કિમતી મોતીબિંદુઓ!
સુસવાટા ભર્યા પવન સંગે,
જઈને મળીશું ધરતી સંગે;
અલિપ્ત એવા અમે,
ન રાખીશું અસ્તિત્વ પરખવાને !
ધરતીને આપીશું ભિનાશ,
પાળીશું છોડ પાંદડાને,
સમજે ચિંતનથી માનવ પણ,
સઘળી એ પ્રકૃતિ પ્રક્રિયાને.
દિપ્તી દોશી
પ્રભાત ઉગ્યું,પુષ્પ ખીલ્યું,
સંગે રૂપાળુ મોતી ચમક્યુ.
પાસે જઇને, મે નિરખ્યુ,
વાહ રે ઝાકળ બિંદુ ઝળક્યુ....
પુષ્પે પુષ્પે પમરાટ પ્રસરે
પાને પાને ઝાકળ ઝળકે,
મોસમ છલકે કિરણે કિરણે
આનંદ છલકે મનડે મનડે
નિરંજન મહેતા
મુક્તપંચિકા
ઝળહળે શું
સૂર્યદર્શને
મોતી સમ ઝાકળ
જાણે પ્રકૃતિ
પ્રસારે પ્રિત
છે એક બિંદુ પણ કેટલું રમણીય!
ઝાડ, છોડના પાન પર બિરાજમાન જાણે મોતી સમાન તે ચમકે. પણ તે ક્ષણ માટે. પછી તેના અસ્તિત્વનો નાશ. પરંતુ તે ક્ષણિક દ્રશ્ય જોઈ જોનારનું મન પ્રફુલ્લિત થાય છે.
બસ, આ જ બોધ આપણે આપણા જીવનમાં ઉતારીએ તો? આપણા ક્ષણભંગુર જીવનમાં આપણે કોઈ માટે ઝાકળરૂપ બનીએ તો કેવું? કોઈ એવું કાર્ય કરીએ જેથી કોઈનું મન આપણા થકી આનંદિત થાય તો? તો આપણું જીવવું યથાર્થ ગણાશે.
ઘાસ ઉપર પથરાયેલ ઝાકળની ચાદર તેની ઉપર ચાલનારને ઠંડક આપે છે. તે જ રીતે કોઈ આપણો સહારો લઇ શાંતતા અનુભવે તે કેવું ઇચ્છનીય! અને તેને લઈને આપણે પણ સંતોષ મેળવીએ તેનો આનંદ પણ અનેરો.
જયશ્રી પટેલ
રીટા જાની
નીતા ભટ્ટ
ઝાકળ જેવી
મનની અપેક્ષાઓ
પળમાં ઊડે
ઝાકળ બિંદુ
પાંદડે ઝગમગે
મન હરખે
ઝાકળઝંઝા
ક્ષણિક જળબિંદુ
તડકે ઊડે
ઝાકળ શું છે?
ભેજ ઠંડીએ ઠરે
બિંદુ ચમકે
ઝાકળ જેમ
ક્ષણમાં સરી જતા
તેના વાયદા
ઝાકળ છે કે
જાણે અશ્રુ બિંદુઓ
પ્રકૃતિ ખુશ
રાજેન્દ્ર દિંડોડકર






No comments:
Post a Comment