Nov 10, 2020

પતંગિયું

 ઉદ્ઘાટક - હરીશ દવે

પતંગિયું આપણા બાળપણની યાદ અપાવે ને? તે સાથે પતંગિયું આપણને કાંઈક તો કહેતું જ હશે: મને કાંઈક વાત કહે, આપને કાંઈક બીજી વાત.

આપણે પતંગિયાની તે વાતો અહીં વર્ણવીએ તો?

--

જગન્નિયંતાએ મન મૂકીને પતંગિયાનું સર્જન કર્યું છે! પતંગિયું બાળમનને જ લોભાવે છે એવું નથી, વયસ્કોને પણ આકર્ષી શકે છે.  કદાચ સર્જનહારે પ્રકૃતિમાતાને સૂચન કર્યું હશે કે આપની પાસે હોય તે રંગો આ નાનકડા સર્જનમાં ઠાલવો! અને પ્રકૃતિમાતાએ ખોબલો ભરી ભરીને રંગો પતંગિયાને બક્ષ્યા!

બગીચામાં બાળકોનાં દોસ્ત એટલે ફૂલ અને પતંગિયાં. ફૂલ બાળકની આંખોમાં કામણ કરે કે બાળક સ્થિર થઈ જાય. પતંગિયું એવું ખેંચાણ ઊભું કરે કે બાળક તેની પાછળ દોડ્યા કરે. પતંગિયું આપણા મનને પ્રસન્નતાથી ભરી દે છે. આમ તેમ ઊડતાં રંગબેરંગી પતંગિયાઓને જોતાં રહેવાની મઝા નિરાળી હોય છે.આ ચિત્તભાવન રંગો જ આપણને આકર્ષે છે એમ નથી; પતંગિયાની સતત ક્રિયાશીલતા પણ આપણું ધ્યાન ખેંચે છે. 

પતંગિયાની અથાક પ્રવૃત્તિઓ આપણને કાંઈક કહી જાય છે. સતત કાર્યશીલ રહો! તે સંતોષી છે. ફૂલ પાસેથી ખપ પૂરતો અર્ક લીધો અને આ ચાલ્યું!પણ ના, તે આમ જ નથી ઊડી જતું. અન્ય ફૂલછોડને ખીલવામાં પણ સહયોગ આપે છે. વિજ્ઞાન સાક્ષી છે કે પતંગિયું ફૂલછોડની સંપદાને અન્યત્ર ફેલાવવામાં પણ મદદ કરે છે.

આપણે પણ પતંગિયા સમ કોઈના જીવનમાં ખુશી ભરી શકીએ ને? વિશ્વમાં નવસર્જનમાં આપણો ફાળો ઉમેરીને જીવન સાર્થક કરી શકીએ ને?

સુરેશ જાની

ઓરીગામી પતંગિયાં




આ પતંગિયું બનાવ્યું, તે વખતના અનુભવની વાત...૨૭, માર્ચ - ૨૦૦૭ 

રવિવારે ઘણું બધું કામ હતું. બેકયાર્ડમાં ઘાસ અને ઝાંખરાં કાપીને, જમ્યા બાદ ગેરેજની સાફસૂફી કરી હતી. થાકીને લોથ થઇ સોફા પર બેઠો હતો.   મારાં પત્ની નાહીને તાજા થવાની સલાહ આપતાં હતાં. મને સહેજ પણ ઊઠવાનું મન થતું ન હતું. ત્યાં સામે છાપાં સાથે આવેલી જાહેરાતોના એક કાગળ પર નજર પડી. સરસ રંગોવાળાં ફૂલોની ભાત વાળાં કપડાંઓની જાહેર ખબર હતી. કાગળ પણ બહુ જ ખાનદાન હતો ! મારી આંગળીઓ સળવળી.    

     કાપીને ચોરસ બનાવ્યો અને ત્રણ જ મીનીટમાં ફુલોની સરસ ભાતવાળું પતંગીયું પાંખો ફફડાવવા લાગ્યું ! થાક ગાયબ. તરત ઉઠ્યો અને નાહી લીધું અને પાછા દાદા તાજા ટમ……

મિત્રો – આ છે ગમતા કામની અસર……

    ક્ષણમાં જીવવાના અનેક સાધનોમાંના એક બે સાધનો. અને કેટલા બધા સાધનો છે, આપણી પાસે. કોઇ ખાસ ખર્ચની પણ જરુર નહીં. અને આ ક્ષણમાં જીવી જવાય.

--

થોડીક અવનવી વાત 

આમ તો પતંગિયાનું જીવન સ્થાનિક જ હોય છે., પણ બાદશાહી પતંગિયું ( Monarch Butterfly ) યાયાવાતી હોય છે .

એના જીવનમાં રસ ધરાવતા તજજ્ઞોએ એની વેબ સાઈટ બનાવી છે !

https://www.monarch-butterfly.com/



અંજના શુકલ

રૂપનું અંબાર સમું એ

સુશોભિત રંગોથી શોભતું

ફુલોનાં રંગોમાં મળતું 

મીઠાશ માટે ઊડતુ’તુ

ઊડી ઊડીને જઈ ફુલો પર, મધ મીઠું ચાખતું’તુ

જાણે ફુલોને પ્યારભરી

બચિઓ દેતું’તું.


વિચાર વમળમાં ખોવાયું

મનડું ,ફુલની સુંદરતા એ;

રૂપ સાથે મીઠાશ રાખી

આકર્ષે રંગીન પતંગિયાને;

કોમળતા પણ ગઈ

આવી મળી,પાંદડીઓમાં એ,

સુંવાળી પાંદડીઓએ

હુંફ આપી મખમલ બનીને.


જીવન એવું સુશોભિત બને, કરીને સુંદર કાર્યો ,

સર્વત્ર દિલદાર બની ,વહે

હૃદયની લાગણીઓ,

મીઠાશભરી જો બને જિંદગી આકર્ષે સાથીઓ,

પતંગિયાએ આપ્યો સંદેશ,મીઠાશ લઈ 

વહેંચવાનો !

---

હાયકુ


પતંગિયાએ

કર્યું મનોરમ્ય જ

વાતાવરણ.


કૂદરતનુ 

અદભૂત સર્જન 

પતંગિયાઓ!


મનોરમય

બનાવ્યું દ્રશ્ય અહીં

પતંગિયાએ !


મુક્તપંચિકા


વિવિધરંગી 

રંગ બેરંગી

ઊડતા પતંગિયા 

મલકી ગયા

દેખી ફુલોને.


એકાવનક્ષરી


ઊડીને સાથમાં જ,

આવીને પળવાર બાગમાં,

મનોરમ્ય દ્રશ્યથી,

આનંદિત જ કર્યા દિલમાં,

કૂદરતનું સર્જન ,

અદભૂત જ પતંગિયામાં.


મનહર છંદમાં

પહેલી લાઇન ૧૫ અક્ષર

બીજી ૧૬ આઠે યતિ


પતંગિયા સર્જનમાં , વિવિધ રંગોવાળા,

મન ભટકી જ રહ્યું ,

ચાખવા રંગો જગનાં !


ખૂબ મીઠો પ્રેમભર્યો ,

રસ મધુ ચાખીને,

ઊડીને ભૂલથી બીજે,

ભર્યો કડવાશ મને.


જીવન મન આ અહીં ,

પતંગિયા બનીને ,

ભટકીને અહીં તહીં,

રહે આનંદ પામીને.


ક્ષણિક એ ખુશીઓમાં,

જગમાં ન સંતોષે ,

ઊડી જાય ગગનમાં,

પતંગિયા જ બનીને.

નિરંજન મહેતા

મુક્તપંચિકા 

****

રંગબેરંગી 

આ પતંગિયાં 

કેવી અફલાતૂન 

આ ચિત્રકારી 

કુદરતની 

-----

પતંગિયું, કેટલું નાજુક અને રંગબેરંગી. કુદરતની કમાલ તો જુઓ. કેવા કેવા રંગોથી તેને ભરી મુક્યું છે. ઉડતા ઉડતા તે એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસે અને રસ માણે. તેની આ ઉડાન પણ જોવાલાયક હોય છે. બાળકો તો તેની પાછળ ગાંડા થઇ દોડાદોડી કરતાં હોય છે. 

એક વિચાર જરૂર આવે. શા માટે આ નિર્દોષ જીવને આપણે મુક્ત રીતે વિહરવા નથી દેતા? કુદરતે દરેકને પોતાની રીતે જીવવાનો હક્ક આપ્યો છે પણ આપણી મનુષ્ય જાત જ એવી છે કે નિજના આનંદ માટે પોતાનાથી નબળા જીવોને હેરાન પરેશાન કરવામાંથી વાજ નથી આવતી. નાના મોટા જીવોને સ્વતંત્ર રીતે જીવતા જોવાને બદલે તેને કેમ પોતાના વશમાં કરવા તે જ વિચાર માનવીના મનમાં રમતો હોય છે. બિચારૂં પતંગિયું, એક સુક્ષ્મ જીવ. નાના બાળકો પણ તેનો કેડો નથી મુકતા. પોતાની દોડાદોડ છોડે નહિ અને જ્યારે કવચિત હાથમા આવે ત્યારે તેમના આનંદનો પાર ન રહે. 

તો યુવાનો? તેઓ તો પોતે જ પતંગિયું બની જાય છે અને જુદા જુદા ફૂલો(!)નો રસ પામવા તેની આગળ પાછળ ઘૂમતા હોય છે. પણ હાય રે નસીબ! એમ કયું ફૂલ રસપાન કરવા દે? આમ થાય ત્યારે તે નિરાશ થઇ જાય છે અને તેની જિંદગી તેને અકારી લાગે છે પણ પછી સમય જતા બધો ઉભરો સમાઈ જાય છે અને અંતે.........


અર્ચિતા દીપક પંડ્યા

છે મન  દુનિયાના બાગમાં, પતંગિયું

અટકી અટકી ફૂલ રસ લેતું, પતંગિયું.


મનમોજથી  ઘૂમતું ફરતું

ફૂલે ફૂલે ઝૂમતું ને રમતું

રંગબેરંગી મોજ માણતું પતંગિયું


લઈ બે દિવસની જિંદગી

ભૂલી  હ્રદયથી બંદગી

રંજન વિના કંઈ ન કરતું પતંગિયું


વિસારીને એનું ઘર ઘૂમતું

ફૂલો જોઈ લળી પડતું

એક ઠેકાણે ન અટકતું મન પતંગિયું. 

ચિરાગ પટેલ

મન્દ વાયો પવન, ઉડ્યું પતંગિયુ કુંજગલીઓમા,

લીધો ઘડીક વિસામો રાતા ગુલાબને ખોળે.

અમૃત પીધું ઘટ-ઘટ, છીપી તરસ જન્મોની.

ઉમટ્યો પ્રેમનો સમન્દર હૈયે ઘુઘવતો, હીલ્લોળતો.


દૈવ રૂઠ્યો કાળમુખો, વને લાગ્યો દવ ભડભડતો.

પ્રેમી જંતુ થયું આકળ-વિકળ વિષમ વિચારે.

એકઠી કરી તાકાત સઘળી તાણી લીધી પ્રિયાને.

કુદતું-ઠેકતું-ઉછળતું-ઉડતું ભાગ્યું દુર ઝટપટ.

પટકાયું ધરણી પર થાકીને છેવટે પ્રિયા સંગાથે.

ક્ષત-વિક્ષત થાતું સમાયુ પાવક અગન ખોળે.

પ્રિયા થઈ સૂકીભઠ, પરાગ ઉડ્યાં ચોફેર સઘળાં.


વર્ષા ભીંજવે ધરતીને કાળાંતરે અનરાધાર.

પ્રિયાની રજથી ફૂટ્યાં અંકુર નવલાં જીવનસમ,

'ને પ્રેમીની રાખ પોષતી એ અંકુરોને સદૈવ હરખાઈ.

-નીતા અનલ ભટ્ટ

ફક્કડ ઉડે, 

રંગો રેલમ છેલ, 

તે પતંગિયું.


ક્ષણ જીંદગી,

દ્વિરેફ ભ્રમર શી, 

બટરફ્લાય. 


કોશેટો તૂટે, 

ઉડતું પતંગિયું, 

પુષ્પો ફળે છે.


પુષ્પે મહાલે,

રસ સ્વાદ સુગંધે,

તે પતંગિયું.







No comments:

Post a Comment