Oct 7, 2020

તરણું - ઘાસ

 ઉદ્ઘાટક - હરીશ દવે

આજનો વિષય છે  તરણું.

તરણું કેવું તુચ્છ ગણાય છે! 

રસ્તા પર, વનવગડે જ્યાં ત્યાં  ઘાસ ઊગી નીકળતું જોયું છે ને? ઘાસને, તરણાને કોણ લેખે છે?

પણ વિચારો: શું તરણામાં કોઈ વિશેષતા છુપાયેલી છે? શું તરણાનું કોઈ મહત્વ હોઈ શકે ખરું?તરણાને, ઘાસને જોઈને આપને શું શું વિચારો આવે છે? ચાલો, આજે તરણા વિશે વિચારીએ.  આવો! ‘તરણું’ વિષય પર ગદ્ય કે પદ્ય સાહિત્ય સર્જન કરીએ. આપના નાનકડા લેખ, નિબંધ, વિચારવિસ્તાર, અવલોકન, હાઇકુ, મુક્તપંચિકા, મુક્તક, લઘુકાવ્ય, કવિતા કે અન્ય અભિવ્યક્તિથી  આપણા ‘સહિયારા સર્જન’ ની મઝા ઑર વધી જશે!

----

તરણાની એક ઊડીને આંખે વળગે તેવી વિશેષતા છે ભારવિહોણું અસ્તિત્વ!  

તરણાને  હોવાપણાનો ભાર નથી.   નથી હું પણાનો ભાવ, નથી આડંબર.  

બસ, મસ્ત હવામાં આનંદથી લહેરાવું! મોજથી ફરફરવું! 

જીવન જીવવાની કેવી મઝાની રીત! મને તો તરણાનં ફરફરવું ગમે છે. 

-   હરીશ દવે     

મુક્તપંચિકાઓ

ડૂબી રહેલો 

માણસ જયારે 

ઝાલે તરણું ત્યારે 

એક નહીં બે 

સાથે જ ડૂબે

- રમેશ બાજપાઈ

દરોઈ  - ધરો - દૂર્વા 

તૃણ બનીને

ત્રણ પાંદડી,

રહું પ્રભુને શિર ;

પગ દાબી દે

છતાં મક્કમ !

- અંજના શુકલ

















સૂકું ઘાસ

ઘાસ શબ્દ બોલાય અને લીલી હરિયાળી મનની સામે ખડી થઈ જાય. પણ આજે સૂકા ઘાસની વાત કરવી છે. 

ઘરની આગળ અને પાછળ ઊગેલું ઘાસ હમ્મેશ ઉનાળામાં જ વાઢવાનું હોય. પણ અમારા બેકયાર્ડમાં સ્ટોરેજ માટેનો નાનો શેડ મૂકવાનો હોવાથી અમારે શિયાળામાં ઘાસ કાપવું પડ્યું.  પીળું, ફિક્કું અને સૂકું ઘાસ કપાવા માંડ્યું, અને અમારા આશ્ચર્ય વચ્ચે નીચેથી લીલાંછમ્મ  ઘાસે દેખા દીધી. આવનાર વસંત  રૂતુ માટે આ બધાં તૃણાંકુર તૈયાર બેઠેલા હતાં. સહેજ ગરમી અડે અને ટપોટપ સૌ પોતાની વિકાસયાત્રા ફરી શરૂ કરી દે.

એ સૂકું ઘાસ છે, તો વસંતમાં હરિયાળી મહોરશે. એ સૂકું ઘાસ છે , તો ઢોરને ચારો નીરી શકાય છે. 

સૂકો, દમિયલ ડોસો કોને જોવો ગમે? પણ એ લીલો હતો તો એનો વેલો લીલો છે. 

લીલું હો કે, સૂકું – ઘાસ જીવનના સાતત્યના પાયાનાં સજીવો માનું એક છે.

ઘાસ - એક દીવાસ્વપ્ન 

    સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દ્રશ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.  જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખયાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નારિયેળીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલુંછમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હીલ્લોળે તમારા દિલમાંય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ કરતો ઘૂઘવી રહ્યો છે. તમે આ આનંદના સાગરમાં ડુબી જવા, તેની સાથે એકાકાર બની જવા, લાલાયિત બની ગયા છો. તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હિંચોળી રહ્યો છે.

     અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતા પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યના કિરણોથી તપ્ત બની ફૂલી ને સંકોચાઈ રહ્યાં છે- શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે. તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એક્તાલ બનવા માંડે છે.

    અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

    અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શીતળતા વિદાય લઈ ચૂકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાને ગ્રસીને ઓહિયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાની ચિરંતન ભૂખ તમારો કોળીયો કરવા આતુરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ સિવાય, તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

     તમે એક્દમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે  કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કુમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દુર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો અને એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો.

.........

    અને તમે પસીને રેબઝેબ, આ દીવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો. સામે દુર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે.

    જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રૂરતા શું, એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણ વિરામ મુકવું કે કેમ, તેવું તમે વિચારતા થઈ જાઓ છો.

      અને …. આ મામલામાં વધુ ઊંડા ઉતરવા કરતાં ‘ આજની ઘડી રળિયામણી’ ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.

- સુરેશ જાની

તરણું

સંસ્કૃત શબ્દ तृण ઉપર થી ઉતરી આવેલ શબ્દ તરણું વિવિધ રૂપે અનન્ય અર્થ પ્રદાન કરે છે. 'તરણા ઓથે ડુંગર અને ડુંગર કોઈ દેખે નહીં' ઉક્તિ મારફતે વિશાળ પ્રતિભાવાન વ્યક્તિ, નિર્બળ ની ઓથે રહી અજ્ઞાત હોય ત્યારે તે બાબત ઉજાગર કરવા માટે વપરાય છે. આવી રીતે અન્ય ઉક્તિ વળી  જુદા પ્રયોજન થી વ્યક્તિ ના પોતાના બચાવ માટેના અથાગ પ્રયત્નો ના નિર્દેશ માટે 'ડૂબતો તરણું ઝાલે.' પ્રચલિત છે.

આ ઉપરથી લાગે કે હવા આવતાં ઉડી જાય તેવી તુચ્છ મહત્વ ની વસ્તુ ના રૂપક તરીકે વપરાતા તણખલાં  સાહિત્ય માં આગવું સ્થાન ધરાવે છે.

'વણ બોલાવ્યો બોલે તે તણખલાં ને તોલે' દ્વારા સચોટ ઉપદેશ અપાયો છે. તૃણાહારી પ્રાણી માટે જીવન આધાર સમાન તણખલાં અનાદિ કાળથી ધરા પર અસ્તિત્વ ધરાવે છે. અગ્નિ પ્રગટ કરવા ગુરુજી શિષ્યોને કુશ અર્થાત દર્ભ લાવવા કહે ત્યારે ચપળતા થી હાથ ને ઈજા થયા વિના દર્ભ લાવનાર ને કુશલ ના બિરૂદ થી નવાજવામાં આવતો.

આજના વિદ્યાર્થીઓ પગ થી માથા સુધી ઢંકાયેલા અને આસ્ફાલ્ટ ના રોડ ઉપર વાહનો માં આવ જા કરતાં, તરણા ના સંપર્કમાં પણ ન આવે છતાં પોતાના કામ દ્વારા કુશલ હોવાનું  બહુમાન મેળવે છે.

અંતે હળવાશથી કહી શકાય કે આજકાલ ઘણા સિંહ ઘાસ ખાતા થઈ ગયા છે.

***

એક હાઈકૂ

વાવાઝોડામાં

 વ્રુક્ષો ઉખડે અને

 તરણાં ટકે.

-  નીતા ભટ્ટ

તૃણ

તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં;

અજાજૂથ માંહે રે, સમરથ ગાજે સહી

- ધીરો ભગત

પહેલી નજરે આપણે માનીએ કે તરણાની શું હસ્તી કે તેને કારણે ડુંગર પણ ઢંકાઈ જાય? પણ વધુ વિચારતા જણાશે કે આ કથનમાં બહુ સુક્ષ્મ વાત કહેવાઈ છે. આપણે અન્યોની નાની નાની ખામીઓને જોઈએ છીએ અને તે વિષે ટીકા પણ કરીએ છીએ પણ તેનામાં રહેલા સારા ગુણોને નજરઅંદાજ કરીએ છીએ. 

દરેક વ્યક્તિમાં સારા અને ખરાબ ગુણો હોવાના કારણ તે એક સામાન્ય માનવી છે, ન કે સંત પુરુષ. જોનારમાં પણ તેમ જ હોય છે. પણ તે ભૂલી જાય છે કે જેમ હું અન્યની ખામીઓ વિષે બોલું છું તેમ મારા માટે અન્યો પણ આમ જ કહેતા હશે. જો આ હકીકત દરેકની સમજમાં આવે તો સમાજની તાસીર જ બદલાઈ જશે. 

પણ આ તો એક અસામાન્ય વાત થઇ. માનવ સ્વભાવ જ એવો છે કે બીજાના સારા ગુણો જોઈ તેને કદાચ ઈર્ષા આવતી હશે કે મારા કરતા સામી વ્યક્તિ વધુ ગુણવાન છે અને એટલે જ તે તેના ખરાબ ગુણોને જાહેરમાં લાવતો હશે. 

ખેર, કોઈને આપણે આમ કરતા રોકી ન શકીએ પણ જો ખુદની સમજમાં આ વાત આવી જાય તો તેણે જરૂર તરણા જોવાને બદલે ડુંગર જોવાનું કેળવવું પડશે.

-  નિરંજન મહેતા

3 comments:

  1. સિંહ તરણું ખાય ? હા. કશું ન મળે તો ખાય !
    https://www.youtube.com/watch?reload=9&v=hWYnRqQpoV0&feature=emb_logo

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. ધીરા ભગત ની કાફી માં અજાજુથ(ધેટાં બકરાં) ના ટોળા માં બચપણથી ઉછરેલ અનાથ સિંહ બાળ પોતાની શક્તિઓથી અજાણ છે તે (સમરથ) સિંહ ગરજે ત્યારે તેની ડુંગર સમાન શક્તિ દેખાતાં જાણે કે તરણાં ઓથે ડુંગર હોવાનો ભાસ થાય. વ્યક્તિને પોતાની શક્તિઓમાં વિશ્વાસ હોય તે જરૂરી.

    ReplyDelete